ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે નર્મદા જળ પૂજનથી કરાશે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જળ અભિયાન આ રીતે સામાજિક સમરસતાનું પણ મહા અભિયાન બની રહેશે. તેમણે ભર ઉનાળામાં, ૪૫ ડિગ્રી ગરમીમાં પરસેવો પાડીને જળ અભિયાનમાં યોગદાન આપનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી નિવાસસ્થાને ખાસ તૈયાર કરાયેલી કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુંવાસણા ગામના નાગરિકો, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના હાલોલ, આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના ગ્રામીણ લોકો તથા ભરૂચ જિલ્લાના પારખેત ગામના સરપંચ અને લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી જ વાત કરીને સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરીને ગ્રામજનોના પ્રતિભાવો સાંભળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામના નાગરિકોએ પોતાના આનંદની અભિવ્યક્તિ કરતાં રાજ્ય સરકારના આ કામને ‘ભગીરથ કાર્ય’ ગણાવ્યું હતું. ૭ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ અને આગેવાન ગ્રામજનો સાથેની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિડિયો કોન્ફરન્સથી સીધી વાત વખતે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાઓના પદાધિકારીઓ, તાલુકા-ગ્રામ પંચાયતોના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને આગેવાન નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.