અમદાવાદ : રાજકોટમાં સરધાર ગામે એક માતાએ ધોરણ-૧૧માં અભ્યાસ કરતી પુત્રીને સ્વાભાવિક રીતે જ અભ્યાસમાં ધ્યાન આપવાની લાગણીમાં શીખ-ઠપકો આપતાં ધોરણ-૧૧માં ભણતી આ વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવી લીધુ હતું. આ બનાવને પગલે પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતુ તો, બીજીબાજુ, સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, આ બનાવને પગલે ફરી એકવાર હાલની પેઢીના કુમળા બાળકોની માનસિકતાને લઇ સભ્ય સમાજને ચેતવતો આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે, આટલી નાની વાતમાં અત્યારના બાળકો વગર વિચાર્યે છેલ્લી કક્ષાનું જીવનનો અંત આણવા સુધીનું પગલું ભરી બેસતા હોયછે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના સરધાર ગામમાં ધો-૧૧માં ભણતી કિરણ નામની વિદ્યાર્થીનીએ પોતાની માતાના અભ્યાસમાં ધ્યાન આપવા અંગેના શીખને ઠપકા તરીકે લઇ મનમાં લાગી આવતાં પોતાના ઘરમાં જ શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયેલી કિરણને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ દોડી ગઇ હતી અને પરિવારજનોના નિવેદન દરમ્યાન જાણવા મળ્યું હતું કે, માતાએ અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા કિરણે આપઘાતનું પગલું ભર્યું હતું. પોલીસે આ સમગ્ર બનાવ મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જા કે, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને હાલના બાળકોની માનસિકતાને લઇ વાલીઓને ગંભીર રીતે વિચારતા કરી મૂકયા છે.