મોટેભાગે દરેકને મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે ફેશન શોમાં જે કપડાં પહેરવામાં આવે છે તેને કોણ ખરીદતું હશે?…અથવા તો ફેશન શો પત્યા પછી એવા ચિત્ર વિચિત્ર કપડાનું શું થતુ હશે…કેમકે મોટાભાગનાં ફેશન શોમાં એવા ડિઝાઈન કરેલા કપડાં હોય છે જે સામાન્ય વ્યક્તિ પહેરી ન શકે. તો પછી આવા કપડાં શા માટે બનાવાતા હશે…!
તમે જોતા હશો કે ફેશન શોમાં રેમ્પ પર મોડેલ જે કપડાં પહેરીને આવે છે તે ખૂબ જ ચમકીલા, ભડકીલા કે ઉટપટાંગ લાગશે. એટલું જ નહીં તેમનાં મેક અપ, હેરસ્ટાઈલ અને એક્સેસરીઝ પણ એ પ્રકારની જ હોય છે. એવુ એટલા માટે હોય છે કે જે રીતે પેઈન્ટીંગ્સ કે સ્કલ્પચરમાં કોઈ એક વિષયની થીમ હોય અથવા તો દરેક પીસ પાછળની એક કહાની હોય, એક વિચાર હોય, તેવી જ રીતે રેમ્પ પર શો કરવામાં આવતા ડ્રેસની પણ એક કહાની હોય છે, એ ડ્રેસ,મેકઅપ, હેરસ્ટાઈલની પણ એક થીમ હોય છે. કોઈનાં માટે આ વસ્તુ વિચિત્ર લાગે પરંતુ તેનાં જાણકાર લોકો માટે આ એક કલા છે.
હકીકત જાણે એવી છે કે ફેશન શોમાં ડિઝાઈનર જે કપડાં બનાવે છે તે દરેક કપડાં વેચવા માટે નથી હોતા. તે ડિઝાઈનરની ક્રિયેટીવીટી શો કરે છે. ઘણીવાર કોઈ ગહન વિચાર સાથે ડિઝાઈનર પોતાની કલ્પના શક્તિને તેની ડિઝાઈનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આ થીમ પર તૈયાર કરાયેલા ડ્રેસમાં ઘણાં ખરાં ફેરફાર કર્યા પછી તેને બજારમાં મૂકવામાં આવે છે. જેવી રીતે ઓટો એક્સપો માં મૂકેલી ગાડીઓ વેચવા માટે નથી હોતી તેવી જ રીતે ફેશન શોનાં કપડાં પણ વેચવા માટે નથી હોતા. તે તો માત્ર ડિઝાઈનરની નાયાબ કલા હોય છે. આ કપડાં માત્ર તેનાં ક્રિયેટિવ કલેક્શમમાં જ રહેતા હોય છે.