લોકાર્પણની સાથે સાથે……

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ  : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ઐતિહાસિક લોકાર્પણની સથે સાથે નીચે મુજબ છે.

પ્રતિમાના શિલ્પકાર રામ સુથારનું બહુમાન

સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે સરદાર સાહેબની વિરાટ પ્રતિભાની જેમ વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર જયંતિએ આજે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ અવસરે સરદાર સાહેબની વિરાટતમ પ્રતિભાના શિલ્પકાર ડા. રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ડા. રામ સુથારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સહિત અનેક મહાનુભાવોની પ્રતિમાઓને કંડારી છે.

નિર્માણ કાર્યમાં રહેલા મોદીનો સમુહમાં ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા કોલોની ખાતે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર સાહેબની વિરાટતમ ૧૮૨ મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્ય સભાના સાંસદ અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રાર્પણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણકાર્યમાં સહભાગી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સદસ્ય સાથે સમૂહ તસ્વીર લેવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય પ્રોજેકટમાં સહભાગી ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય કોન્ટ્રાકટર તેમજ કન્સલ્ટન્ટ સાથે પણ સમૂહ તસવીર લેવામાં આવી હતી. સરદાર સાહેબની પ્રતિમાના શિલ્પકાર ડા. રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથાર સાથે પણ વડાપ્રધાને સંભારણારૂપે તસવીર લેવડાવી હતી.

નર્મદાના પવિત્ર જળ અને કળશ પૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અને સાર્વભૌમત્વના શિલ્પી એવા સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મા નર્મદાના પવિત્ર જળ માટી અને કળશ પૂજન સાથે વરૂણદેવનું પૂજન કરી સરદાર સાહેબને વંદન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય સભાના સાંસદ અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ અનાવરણ કર્યું ત્યારે ઉપસ્થિત જનમેદીએ હર્ષોલ્લાસ અને જય સરદારના નારા સાથે વધાવી લીધું હતું.

રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

દેશની એકતા, અખંડિતતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેના ભાગરૂપે આજે શાહીબાગ પોલીસ સ્ટેડિયમથી રિવરફ્રન્ટ સુધી ૨ કિમીની રન ફોર યુનિટી-એકતા દોડ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેકટર ડા. વિક્રાંત પાંડેએ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, પોલીસ વિભાગના અધિકારીઓ,  પદાધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સાથે શહેરના ૧૦ હજારથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વેલી ઓફ ફ્લાવર્સ ખુલ્લુ મુકાયું

નર્મદા નદીના કિનારે ૧૦૦થી વધુ પ્રકારના રંગબેરંગી ફુલોથી શણગારેલ વેલી ઓફ ફલાવર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લું મુક્યું હતું તેમજ તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ જે એન સિંઘ, જિલ્લા કલેકટર આરએસ નિનામા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોદીએ ૧૫૨ મીટરની ઉંચાઈએ જઈ નજારો નિહાળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ૧૫૨ મીટરની ઊંચાઈએ આવેલ મુલાકાતી ગેલેરીમાં જઈ સરદાર બંધનો ભવ્ય નજારાને માણ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ની હૃદયના સ્થાને આ વ્યુઆર્સ ગેલરી આવેલી છે.આ ગેલરી માથી સરદાર સરોવર ડેમ સહિત વિધ્યાચલ પર્વતીય વિસ્તાર અને આસપાસનો કુદરતી સુંદર નજારો માણી શકાય છે. કેવડીયા ખાતેની આ પ્રતિમાનું આ જોવાલાયક નજરાણું છે.

Share This Article