અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ , મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલની ૧૪૩મી જન્મજયતિના પ્રસંગે તેમની વિરાટ પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મોદીનુ આ પ્રસંગે વિજય રૂપાણીએ સ્મૃતિ ચિહ્ન ભેંટ આપી સન્માન કર્યુ હતુ. લોકાર્પણની સાથે જ સાધુ બેટ હવે વિશ્વના નક્શા પર આવી ગયુ છે.
મજબુત સુરક્ષા વચ્ચે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સમારોહમાં ૩૦ નદિઓના જળને સ્ટેચ્યુ સ્થળ પર લાવવામાં આવ્યુ હતુ. મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિમા પર જળાભિષેક કરવામાં આવ્યુ હતુ. ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પર ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા આશરે ૨૨૦૦ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. આવનાર સમયમાં હજુ આશરે ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. આવી Âસ્થતીમાં નિર્માણ પાછળ કુલ ખર્ચનો આંકડો ૩૦૦૦ કરોડની આસપાસ પહોંચશે. આ ઉપરાંત ગુજરાત સરકારે એક કાર્યકારી એજન્સીને ૧૫ વર્ષ સુધી તેની જાળવણી માટે આશરે ૬૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. વડાપ્રધાન મોદી આજે સવારે અમદાવાદથી વિમાનીમાર્ગ મારફતે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. કેવડિયાથી સીધી રીતે ફુલોની ખીણ વેલી ઓફ ફ્લાવર અને ટેન્ટ સિટી પહોંચ્યા હતા.
સરદારના જીવન પર નિર્મિત મ્યુઝિયમનુ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે દેશભરના ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની, નર્મદા ખાતે કરવામાં આવી હતી.ભારત વર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ દ્વારા તમામને રોમાંચિત કરી દીધા હતા. લોકાર્પણ કાર્યક્રમ વેળા સમગ્ર દેશમાંથી પધારેલા સાંસ્કૃતિક જૂથોએ એક પછી એક પ્રસ્તુતિ કરી હતી. જેમા કેરલાનું પંચવાઘમ, તમિલનાડુનું દમી હોર્સ, કારાગમ, કાવડી, આંધ્રપ્રદેશનું ગરાગુલુ, પોંડિચેરીનું કૈલીઅટ્ટમ, કર્ણાટકનું લેડીઝ, ઢોલુકુનિઠા- કોરબાના ભરવાડ સમાજના પુરૂષોનો ઢોલ સાથેનો વીરરસ દર્શાવતું નૃત્ય, તેલંગણાનું મથુરી નૃત્ય, છત્તીસગઢનું પંથી નૃત્ય, દમણનું મચ્છી નૃત્ય જેમાં મછવારા દરીયો ખેડી પાછા આવે ત્યારે તેના આનંદ ઉલ્લાસ પ્રકટ કરતું નૃત્ય, અરૂણાચલ પ્રદેશનું રીખ્ખમપડ, આસામનું બિહુ જેમાં, વસંતના આગમનના વધામણા અને માનવીય પ્રેમને દર્શાવતું નૃત્ય, મેઘાલયનું વાંગલા, મિઝોરમના ચેરો નૃત્યમાં વાંસનો ઉપયોગ થતો હોવાથી બામ્બુ ડાન્સ તરીકે પ્રચલિત છે.
વાંસને આડા સમાંતર રાખી બન્ને છેડે બે જુદી જુદી વ્યક્તિ તેને પકડે અને તાલબદ્ધ રીતે અથડાવી તેના તાલી નૃત્ય કરે છે, નાગાલેન્ડનું મકુહેનગીચી(વોર ડાંસ) ત્રિપુરાનું હોજાગીરી, સિક્કીમનું સંગહીચામ, પંજાબનું ભાંગડા, જમ્મુ કશ્મિરનું રૌફ નૃત્ય, હિમાચલપ્રદેશનું હિમાચલી નટી, ઝારખંડનું પૈકા, બિહારનું હોલી અને જલી જલા, ઓરીસ્સામાં ગોટીપુઆ-દેવદાસી અને મહારી પ્રથાની પડતી થતા નર્તક છોકરાઓ દ્વારા આ ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે તો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા વંદે માતરમ, એસઆરપીએફ દ્વારા એ મેરે વતન કે લોગો, સીઆરપીએફ દ્વારા દેશો કા સરતાજ ભારત, બીએસએફ દ્વારા મેરા મુલ્ક મેરા દેશ, મેરા યે વતન, આર્મી દ્વારા કદમ કદમ બઢાયે જા, બીટ નં-૧ અને એરફોર્સ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા જેવા ગીતોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રભક્તિમય વાતાવરણ ઉભુ કર્યુ છે.