અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી હવે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે અદ્યતન રેલ્વે સ્ટેશન ઉભુ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી સાડા ત્રણ કિલોમીટર દૂરનાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની સુવિધા પૂરી પાડવાની કવાયત હવે કેન્દ્ર સરકારઅને રેલ્વે તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. સરકારી સૂત્રો મુજબ રાષ્ટ્રપતિ રામનાથકોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૫મી ડિસેમ્બરે કેવડિયા ખાતે રેલવેસ્ટેશનનો પાયો નાંખશે.
સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું નિર્માણ ગુજરાતના નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યું છે અને અહીની મુલાકાત લેવા માટે પહેલા કેવડિયા પહોંચવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા અને તેની મુલાકાત લેનારા દેશ-વિદેશના પ્રવાસીઓ-મુલાકાતીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર એક પછી એક સુવિધા અને આકર્ષણોની જાહેરાત કરતી જાય છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં ત્રણ વધારાના એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી દેવાઇ છે ત્યારે હવે કેવડિયા ખાતે પ્રવાસીઓની સુવિધા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે તે આશયથી સ્થાનિક કક્ષાએ એક અદ્યતન રેલ્વે સ્ટેશન ઉભુ કરવાની જાહેરાત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ઉદઘાટન પછી પહેલા ૧૧ દિવસ દરમિયાન ભવ્ય સ્મારકને નિહાળવા માટે લગભગ ૧.૩ લાખ લોકો ઉમટ્યા હતા. ગુજરાતસરકાર આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવી રહી છે અને આ સંદર્ભમાં કેવડિયાને રેલવેસ્ટેશનની ફાળવણી એ સારા સમાચાર છે. યોજના તૈયાર કરનાર સૂત્રો મુજબ, કેવડિયાને અત્યંત આધુનિક રેલવે સ્ટેશન ભેટ આપવામાં આવશે. જેથીસ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાતે આવતા પર્યટકોને દરેક પ્રકારની સુવિધા મળી રહે.ગુજરાત સરકારની આ યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારની વધારે તકો મળવાની સંભાવનાઓપણ વધશે.
હાલના અંદાજ મુજબ કેવડિયામાં આશરે ૬,૭૮૮ લોકો વસવાટ કરી રહ્યા છે. નવા રેલ્વે સ્ટેશનના ભૂમિપૂજન કાર્યક્રમમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહે તેવી શકયતા છે.