મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી, સિંચાઇનું પાણી અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ખેડૂતોને સમયસર સિંચાઇનું પાણી મળી રહે તો ખેડૂતોમાં પોતાના બાવળાના બળથી સમગ્ર વિશ્વની ભૂખ ભાગવાની તાકાત ધરાવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભારત રત્ન સ્વ. અટલજીના જન્મ દિને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતેથી રાજયમાં કમોસમી વરસાદથી રાજયના ખેડૂતોના પાકને થયેલ નુકસાન સહાય પેકેજનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે વડોદરા, ભરૂચ, આણંદ, છોટાઉદેપુર અને નર્મદા સહિત પાંચ જિલ્લાઓનુ વિશાળ સુશાસન કિસાન સંમેલન યોજાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના ખેડૂતોના પાકને થયેલ નુકસાન પેટે રાજય સરકારે સહાય માટે રાજયમાં સૌપ્રથમવાર ઐતિહાસિક એવા ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાભાર્થી ખેડૂતોને કૃષિ સહાય પેકેજ, ફાર્મ મિકેનાઇઝેશન અને ટેકાના ભાવે ડાંગર ખરીદીના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના ચિખોદરા ખાતે નવનિર્મિત જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ ઇ-લોન્ચિંગ કર્યું હતું. ગત ચોમાસામાં કુદરતની કૃપા થતાં રાજયમાં સારો વરસાદ થતાં તળાવો-ચેકડેમો પણ ભરાયેલા છે. એટલું જ નહીં જરૂર જણાયે ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે, ત્યારે રાજયના ખેડૂતો અને ખેતી સમૃદ્ધ થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે. કૃષિ સહાય પેકેજ હેઠળ રાજયમાં ર૬ લાખ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. રાજયના તમામ ખેડૂતોને સહાય પેકેજ નાણાં સીધેસીધા કોઇપણ જાતના વચેટિયાઓ વગર તેમના ખાતામાં જમા કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં વર્ષ ૨૦૦૦ પહેલાં કૃષિ ઉત્પાદન માત્ર ૪૫૦૦ કરોડ હતું જે આજે વધીને ૧,૪૦,૦૦૦/- કરોડે પહોંચ્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજય સરકાર ખેડૂતોની કૃષિ પેદાશો ટેકાના ભાવથી ખરીદશે એટલું જ નહીં ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ માટે ખેડૂતોની સાથે ઊભી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયના નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પુરૂં પાડયું છે. ભૂતકાળમાં શાસકોએ ખેડૂતોના દેવા નાબૂદીના નામે ૫૫ વર્ષમાં માત્ર ૫૫ હજાર કરોડની સહાય કરી હતી. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે દેશના ખેડૂતોને ૭૫ હજાર કરોડની માતબર સહાય આપવાની મહત્વાકાંક્ષી યોજના બનાવી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.