એસટી માત્ર નફાનું નહીં પણ મુસાફરોની સેવાનું સાધન છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા  ભાવનગરથી વધુ ૨૧ સુવિધાયુક્ત બસ સ્ટેશનને પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવ્યું હતુ. આ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રજાજનોને ગુડ ગર્વનન્સની સુવિધાઓ-સેવાઓ માટે સરકાર દ્વારા ગત વર્ષે જ મુસાફરોની સરળતા માટે સેવામાં મૂકાયેલી ૫૦ વોલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આજના નવનિર્મિત ૨૧ બસ સ્ટેશનોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એસટી એ માત્ર નફાનું નહી પરંતુ મુસાફરો અને જનતાની સેવા માટેનું સાધન છે.

ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૦ બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.૩૨.૦૯ કરોડના ખર્ચે ૩ બસ સ્ટેશન અને ૨ સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી સહિત કુલ ૧૩૧ જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (ટીમ) વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને, પ્રત્યેક નાગરિકોને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યુ છે.

નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી સાથેનાં નવીન સાધનો અને ટેક્નોલોજીનો વિનિયોગ કરી નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યરત છીએ. લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ ક્યાં છે અને ક્યારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મળે તે પ્રકારની જી.પી એસ ટેક્નોલોજીનો વિનિયોગ કર્યો છે. આ નવા બસ સ્ટેશનોના લોકાર્પણથી સુવિધા વધશે.

Share This Article