રાખડીના તાંતણે જન્મોથી ગૂંથાણી ભાઈ અને બહેન ની પ્રેમ કહાની વીરા અમર કહાની..ઘણું જીવો લાડકી બહેના જીવો હજારો સાલ.. જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહીશ હું પ્યાર… વાહલી બહેન વંદનાને સપ્રેમ…
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહુ જ યાદો જોડાયેલી હોય છે ભાઈ બહેન પ્રેમની. નાનપણમાં નાની બેનને ઘોડિયામાં હિચકાવતા ગવાતા હાલરડાં મોટા થતા તોફાન – મસ્તીમાં પરિણામે છે. ગોરોમાં બેન માટે લવાતી બદામ, અખરોટ, જલદારું, દ્રાક્ષ આ બધું ભાઈ પણ ખાઈ જતો હોય છે.
પોષી પૂનમના વ્રતમાં ભાઈની બેન રમે કે જમેં આવું પૂછતી બેન કેમ ભૂલાય. જયારે ગણપતિજીના બંને પુત્રો એ બેન માટે જીદ કરી ત્યારે ગણપતિજીએ સંતોષી માતા રૂપે બેન તેમને આપી. બેન મોટી હોય તો પોતાના ભાઈનું ધ્યાન રાખે અને તેને સાચવે અને જો બેન નાની હોય તો ભાઈ તેને સાચવે. શાળામાં પણ આગળના દિવસે રક્ષાબંધન ઉજવાતી અને બેન ભાઈ માટે રાખડી અને ભાઈ મોંધી ભેટ કે કોઈ ચોક્લેટ બેનને આપવા લઇ જતા.
શાળામાં રક્ષાબંધન વિષેની કથાઓ કેહાવતી જેમાં વિષ્ણુ ભગવાનના વામન અવતાર દ્વારા બલિરાજા પાસે અશ્વમેઘ યજ્ઞમાં ૩ ડગલા જમીન માગવી અને વામન વિષ્ણુ દ્વારા વિરાટ બની એક ડગલામાં પૃથ્વી અને બીજા ડગલે આકાશ લઇ લેવું અને ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેમને પાતાળનું રાજ આપવું અને ભક્તિથી પ્રસન્ન તેમને સતત દર્શનનું સુખ આપવા તેમના દરવાજે દ્વારપાલ તરીકે રેહવાનું વરદાન આપવું અને લક્ષ્મીજીએ બલીરાજાને રક્ષા બાંધી વીરપસલીમાં ભગવાનને પાછા માંગવા અને તથાસ્તુ કહી બલિરાજા દ્વારા બેનને વીરપસલીમાં તેમના પ્રિયતમ ભગવાન આપવાની વાત કે પછી કુંતા માતા દ્વાર્રા યુદ્ધે ચઢતા અભિમન્યુને રક્ષા કવચ બાંધવાની કથા અને દ્રૌપદી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની આંગળીમાં વાગતા પોતાના ચિર ફાડી પટ્ટી કરવી અને તેના બદલામાં ભગવાને દ્રૌપદીના ચિર પૂર્યાની વાત થતી..બહેના ને ભાઈ કી કલાઇ પે પ્યાર બાધા હૈ, રેશમ કી ડોરી સે સંસાર બાધા હૈ.. કોણ હલાવે આંબલી ને કોણ હલાવે પીપળી, ભાઈ ને બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી વગેરે અવિસ્મરણીય ગીતો આજે પણ આ તહેવારને આજે પણ ઉષ્માથી ભરી દે છે…
બેન ભાઈને કુમકુમ તિલક કરી ભાઈના નિરામય આયુષ્ય અને તેના સુખી, સંપન્ન અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના કરતા તેના હાથે રાખડી બાંધે, ભાઈનું મો મીઠાઈથી મીઠું કરી તેની દરેક પળને મીઠાશથી ભરી દેતા ઓવારણાં લે અને ભાઈ પણ પોતાની બેનના દરેક દુઃખોને પોતે માંગી લે અને જીવના ભોગે પણ તેની રક્ષાનું વચન આપે. કેટલી પ્રેમસભર અનુભૂતિ..!
એક બેને પોતાના ભાઈની જિંદગી બચાવવા પોતાની એક કિડની પોતાના ભાઈને આપી ભાઈ બેન નિસ્વાર્થ પ્રેમ ને સૌથી ઉચ્ચ ગરિમા બક્ષી છે તો ઘણી બેનોમાં ભારતની રક્ષામાં ખડે પગે રેહતા સૈન્યના જવાનોની રક્ષા માટે તેમને રાખડી બાંધે છે.. જેલના કેદીઓનું જીવન સુધરે અને તેઓ શાંતિ પૂર્વક સમાજમાં સામાન્ય રીતે ભળી શકે તેવી ભાવના સાથે તેમને બેનો રાખડી બાંધે.. અનાથ ભાઈઓ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કે ખાકી કો રાખી દ્વારા પોલીસ કર્મીઓને અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ કે જે માર્ગ સુરક્ષા માં ઠંડી, ગરમી કે વરસાદની સ્થિતિમાં ખડે પગે સેવા આપે છે તેમની રક્ષા માટે રક્ષાબંધનની ઉજવણી વિ હેલ્પ ફાઉન્ડેશન અને તેના જેવી અનેકવિધ સ્વયંસેવી સંસ્થાઓ, શાળા – કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે જે ખૂબજ અવકારદાયક પગલું છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા બહેનોને આ દિવસે બસ ભાડામાં રાહત અપાય છે જે ગરીબ બહેનો માટે તો વરદાન સમાન છે. અન્ય એક સ્વયંસેવી સંસ્થા દ્વારા બહેનો વૃક્ષોને રાખડી બાંધે અને તે દ્વારા સમાજ માં બહુઉપયોગી વૃક્ષની રક્ષાનો ખુબજ સુંદર મેસેજ મળે તે રીતનું આયોજન થયું જેને ખબરપત્રીની ટીમે મીડિયાના માધ્યમથી લોકો સુધી પોહચાડવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું.
ઘણી બહેનો કે જેને ભાઈ નથી હોતા તે પોતાના પિતરાઈ કે ધર્મના ભાઈને કે પછી ભગવાનને રક્ષા બાંધી રક્ષાબંધન ઉજવે છે. મંદિરો માં પણ ભગવાનને રાખડી બાંધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણોમાં યજ્ઞોપવીતની વિધિ પણ રંગેચંગે ઉજવાય છે.
મિત્રો, કેરાલાના સદીના સૌથી વિનાશક પૂરમાં અસંખ્ય બહેનોએ પોતાના ભાઈ અને કેટલાય ભાઈઓએ પોતાની બહેનો ગુમાવી છે ત્યારે આ રક્ષાબંધને તેમને રાખડી મોકલીએ, ફૂડ પેકેટ મોકલીએ, અનાજ, કરિયાણું, અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને આર્થિક સહાય પુરી પાડી યથાશક્તિ તેમની રક્ષા ના પ્રયાસ કરી ખરા અર્થમાં રક્ષાબંધન સાર્થક કરીએ તેવી પ્રાર્થના…આપ સૌને રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છા
..Happy Rakshabandhan…