કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો જગતને સોંપી દીધો, એ સારું કે જે કોઈ તેના સંપર્કમાં આવે તેનો કદી નાશ ન થાય અને તે અનંત જીવન પામે (યોહાન 3:16)
ઇસુએ કિશોર તરીકે મંદિરની મુલાકાત લીધા પછી લગભગ ૧૮ વર્ષ વહી ગયા હતાં. તેમના આ જીવન વિષે ઘણી ઓછી માહીતી મળે છે. કહેવાય છે કે કદાચ તેમણે નાઝરેથ નગરમાં તેમના પિતા યુસુફ સાથે સુથારીકામ કર્યુ હશે. પણ માહીતી પ્રમાણે ઇસુએ નાઝરેથ છોડ્યું ત્યારે તે ૩૦ વર્ષ નાં હતા. એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે. જેમનુ નામ યોહાન હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન (હાલ જોર્ડન) નદી માં ડુબકી લગાવી બાપ્તિસ્મા (પાણીમાં ડૂહકી લગાવીને પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરવાની ધાર્મિક વિધિ) લેતા, ઇસુ પણ તેમની પાસે બાપ્તિસ્મા લેવા ગયા. ઇસુએ જ્યારે બાપ્તિસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવીને તેમના પર બેઠું, જે ઇશ્વરનો સંકેત હતો કે આ એ જ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી. યોહાન ઈસુનો મશિયાઈ ભાઈ અને પ્રચારક બંને હતો. ઈસુ પોતે પણ નાઝરેથમાં લોકોને બાપ્તિસ્મા આપતા હતા તેમ છતાં જ્યારે તેઓ યોહાનને મળ્યા ત્યારે તેમણે યોહાનને જ બાપ્તિસ્મા અપાવવા વિનંતી કરી કારણ કે તેઓ ચાહતા હતા કે સમગ્ર વિશ્વ પોતાને (એટલે કે ઈસુને – ઈશ્વરના પુત્રને) યોહાન (એટલે કે તેમના ભક્ત) થકી ઓળખે. આવી હતી ઈસુની મહાનતા.
જ્યારે 38 વર્ષની વયે તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે તેઓ જાણી ગયેલા કે તેમના બાર શિષ્યોમાંનો જ એક શિષ્ય તેમને રોમન સૈનિકો જોડે પકડાવશે તેમ છતાં તેમણે છેક સુધી એ શિષ્યને પોતાની સાથે રાખ્યો અને કોઈને પણ એ વાતનો અણસાર આવવા ન દીધો. પોતે વધસ્તંભ પર લટચેલા હોવા છતાં જ્યારે તે શિષ્ય તેમના ઈશ્વરના પુત્ર હોવાની વાત નકારે છે ત્યારે તેનામાં વિશ્વાસ જગાવવા તે શિષ્યને તેની માંગ મુજબ પોતાના શરીરના ખીલા મારેલા ભાગમાં હાથ નાખીને તપાસ કરવાની પરવાનગી આપે છે. આટલી વેદના હોવા છતા આવી સંમતિ અને એ પણ એક વ્યક્તિમાં શ્રદ્ધા જગાડવા માટે. માનવ સમુદાય માટે પ્રેમમાં વિશ્વાસ કરવા માટે આનાથી મોટું ઉદાહરણ શુ હોઈ શકે. જો તમે તમારા નફરત કરનાર લોકોમાં પણ પ્રેમ જગાડવા માટે સહન કરી શકો છો તો તમે પણ નિશ્ચયપણે ઈશ્વરના જ પુત્ર છો.
ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા.તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા. એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે “ગિરિ પ્રવચન“ તરીકે ઓળખાય છે. તેમનું મુખ્ય સૂત્ર હતું – “માર્ગ, સત્ય તથા જીવન હું જ છું.” એનો અર્થ એ જ કે જો તમે સત્યના માર્ગે ચાલીને જીવન જીવી રહ્યાં છો તો તમે પણ ઈસુના રસ્તે જ ચાલી રહ્યાં છો.
ઈસુ મસીહનો પશુપ્રેમ પણ અખૂટ રહ્યો છે. 22 વર્ષની વયે જ્યારે દેવળમાં સુલતાનની પરસાળમાં ફરતા ફરતા તેઓએ પશુબલિ માટે કેદ કરેલા પશુપંખીઓ અને મદિરાપાન કરી રહેલા ધર્મના કથિત દલાલોને જોયા ત્યારે કપકપી ઊઠ્યા. તેમણે તત્કાળ એ તમામ પશુપંખીઓને આઝાદ કરી દીધા અને પોતાના અનુયાયીઓ થકી સમગ્ર વિશ્વ માટે સંદેશો મોકલાવ્યો કે ઈશ્વર કદી પણ પશુબલિ કે કર્મકાંડમાં માનતા નથી કે નતો તેઓને તેની જરૂર છે. એ વાત અલગ છે કે આજની પેઢી પોતાની જીભના ચટાકા અને સ્વાદના અભરખા પૂરા કરવા મરઘાં બતકાંને પેટમાં પધરાવતા વિચારતા નથી, જે ખરેખર દુખની બાબત છે.
જગતને તારનાર મસીહાના જન્મ દિવસે ફક્ત એટલું વિચારવું રહ્યું કે,
શુ તમે કોઈનું દિલ દુભાવ્યું છે ?
શુ તમે કોઈ કરેલા ગુના માટે દિલગીર છો ?
શુ તમે તમારા આચાર વિચાર વાણી વર્તન થકી થયેલા પાપોનો સ્વીકાર કરવા તૈયાર છો ?
અને અંતે જે બાબત માટે ઈસુ જન્મ્યા અને મર્યા એ,
શુ તમે તમારા નફરત કરનારાઓને પણ પ્રેમ અને વિનમર્તાથી માફ કરીને સ્વીકારી શકો છો ?
જો તમને આ તમામના સંતોષકારક જવાબ મળે છે તો હા, તમે ઈસુનો જન્મદિવસ સાચા અર્થમાં ઊજવી રહ્યાં છો. અસ્તુ….
- આદિત શાહ