ઈસુ ખ્રિસ્ત – જેને સમગ્ર વિશ્વ ઈશ્વરનો એક અવતાર માને છે અને તેમ છતાં તેઓ માનવી જ બનીને જીવ્યા એવા જગતના મસીહાને તેમના જન્મદિવસ પર શત શત નમન…
ઈશ્વર હંમેશા અન્યાયથી પીડાતા લોકોને બચાવવા અવતરિત થતા હોય છે પરંતુ ઈસુ એક એવી મહાન હસ્તી હતા જે લોકોની વચ્ચે જન્મ્યા, લોકોની વચ્ચે ઊછર્યા અને લોકોની પીડા સહન કરવામાં સહભાગી બન્યા. એટલું જ નહિ તેમની અપાર પ્રેમ આપવાની નિષ્ઠા તો જુઓ કે જ્યારે તેઓને વધસ્તંભ પર ચડાવવામાં આવી રહ્યાં હતા ત્યારે પણ તેઓએ ઈશ્વરને તેમના પર અત્યાચાર કરી રહેલા લોકો માટે માફીની યાચના કરી. ઈસુને જ્યારે વધસ્તંભ પર ચડાવ્યા પછી તરસ લાગે છે ત્યારે તેમની પીડાને શાંત કરવા તેમને મદિરામિશ્રિત સરકો આપવામાં આવે છે, જેનો ઈસુ અસ્વીકાર કરે છે કારણ કે તે તેમના નીતિશાસ્ત્રની વિરુદ્ધ હતું તેમ છતાં તેઓની જીભેથી નફરતનો એક શબ્દ નથી ઉચરતો. શરીર પરથી દડદડ લોહી વહી જતું હોવા જ્યારે રોમન સૈનિક તેમની છાતીમાં જમણી તરફ બરછીથી ઘાવ મારે છે ત્યારે પણ તેઓ એ પીડા સહન કરી જાય છે. આટલી યાતનાઓ સહન કર્યા પછી પણ તેમના અંતિમ શબ્દો હતા કે, “હે ઈશ્વર, તુ આ તમામ લોકોને માફ કરી દેજે. તેઓ નથી જાણતા કે તેઓ શુ કરી રહ્યાં છે તો પછી જે ગુના વિશે તેઓ સજાગ જ નથી તેની સજા તેમને કેમ મળે. તેઓના તમામ પાપ અને ગુના હું મારા માથે સ્વીકારું છું.” આવી ઉદારતા અને મહાનતા સાથે આપણી વચ્ચે રહેલા એ મસીહા…
ઈસુનો ઉલ્લેખ ફક્ત બાઈબલમાં જ છે એમ નથી. ઈસ્લામ ધર્મના પુસ્તક કુરાને શરીફમાં પણ ઈસુના જન્મનો ઉલ્લેખ થયેલો છે. કુરાને શરીફના સૂરા અલ મરિયમ નામના અધ્યાયની આયાત નંબર છ થી ઈસુના પ્રાગટ્યની વાત શરૂ થાય છે જે સૂરા અલ ઈમરાન સુધી ચાલે છે. આમ વિશ્વના બે પ્રમુખ ધર્મોમાં ઈસુ મસીહ વ્યાપ્ત છે. બાઈબલ બે ભાગમાં વહેંચાયેલો દળદાર ગ્રંથ છે જેને જૂનો કરાર અને નવો કરારના નામે ઓળખાય છે. જૂના કરારમાં ઈસુના જન્મ પહેલાની જ્યારે નવા કરારમાં ઈસુના જન્મ પછીની વાતોને આવરી લેવામાં આવી છે.
હવે વાત કરીએ ઈસુના જન્મ પહેલાની તો ઈસુની માતા કુંવારી માતા હતા. કહેવાય છે કે ઈસુના માતાને કોઈ પવિત્ર આત્માના સ્પર્શથી ગર્ભ રહ્યો હતો અને આ વાત સ્વયં ઈશ્વરના દૂતે આવીને ઈસુના પિતા જોસેફ તથા મરિયમને કરી હતી. જ્યારે ઈસુના જન્મની આગાહી થઈ ત્યારે ત્યાના રોમન સમ્રાટ હૈરોદે નાઝરેથ શહેરથી યાજકો (ધર્મગુરુઓ)ની એક ટુકડીને તેમની તપાસ કરવા રવાના કરી. આ ધર્મગુરુઓને દેવવાણી દ્વારા સમાચાર મળ્યા કે તેઓને એક પૂર્વ દિશામાં તારો દેખાશે. જ્યાં એ તારો રોકાશે ત્યાં ઈસુ પ્રગટ થશે. એ યાજકો તારાને અનુસરતા ઈઝરાયેલના બેથલેહેમમાં આવી પહોંચ્યા અને જોયું તો એક ગમાણની અંદરથી તેજસ્વી પ્રકાશ ચારેકોર ફેલાઈ રહ્યો હતો. ત્યા અંદર જોઈને જોતા તેઓને ઈસુના દર્શન થયા. ત્યારબાદ તેઓને ઈસુને સમ્રાટ તરફથી જોખમ લાગતા તેઓએ જોસેફને પરિવાર સહિત જેરૂસલેમ તરફ જવા સૂચના આપી.
પ્રાપ્ત અન્ય માહિતી અનુસાર આ તમામ આશરે પોણા ૨ હજાર વર્ષ પહેલાની વાત છે. પેલેસ્ટાઇન માં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસ નાં આદેશ થી રોમ માં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસુફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગર થી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મરીયમ નાં ગર્ભ થી ઇસુ નો જન્મ થયો.
થયું એવુંકે ખૂબ જ ભીડ હોવાથી તેમને કોઇ રહેવાની જગ્યા મળી નહી,તેથી તેમણે બાળકને કપડામાં લપેટીને પશુઓનાં ગમાણમાં રહ્યા. આઠમા દિવસે તેમનુ નામ ઇસુ કે ઇસા પાડવામાં આવ્યું. ત્યાર બાદ યુસુફ અને મરીયમ બાળકને લઇને જેરૂસલેમ ગયા. તે સમયમાં એવી પ્રથા હતી કે માતા-પિતાએ તેમના મોટા દિકરાને મંદિરમા લઇ જઇ ઇશ્વરને અર્પિત કરી દેવો. તેમણે પણ આ જ રીતે ઇસુને અર્પિત કરી દિધા. ઇસુ હવે મોટા થવા લાગ્યા હતા. મરિયમ અને યોસેફ દર વર્ષે જેરૂસલેમ જતા ,ઇસુ પણ તેમની સાથે જતા. ઇસુ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેઓ જેરૂસલેમ રોકાઇ ને પુજારીઓ સાથે જ્ઞાનની ચર્ચા કરતા, સત્ય ને પામવા ની વૃત્તિ તેમનામાં બાળપણથી જ હતી.
- આદિત શાહ