* સૂરપત્રીઃ રાગ પીલુ *
આ સપ્તાહ નો રાગ છે.
રાગ પીલુ…..
મિત્રો, માણસ માત્ર સ્નેહ નો ભૂખ્યો હોય છે. ઉંમર બાધ ત્યાં લાગુ નથી પડતો. બે વ્યક્તિ જ્યારે એકબીજાનો સાથ ઝંખતા હોય અને એ મિલન જ્યારે લાંબાગાળે પણ શક્ય ના બનતું હોય ત્યારે જે સંવેદનાઓ ઉદ્દભવે છે એ નિઃશબ્દ જ હોય છે.
સિદ્ધ કવિ અને સર્વાંગસુંદર કલમ ના કસબી સુભાષ ભટ્ટ ની એક મસ્ત કૃતિ યાદ આવે છે…જેમાં બે પ્રેમિઓ ની સંગોષ્ઠિ રજૂ કરવામાં આવી છે. પીલુ રાગ ને અંતર્ગત સર્જન પામેલી કૃતિઓ ને યાદ કરતા એક મસ્ત મજાનો પત્ર યાદ આવે છે.
સુભાષ ભટ્ટ….ની એક એવી સંવેદનાઓ થી ભરપૂર કૃતિ છે “ઇશ્ક, સકલ ભરપૂર હૈ નૂર તેરા” એક વાર હાથ માં આવ્યા પછી, એ પ્રેમ-મૈત્રી ની હ્રદયસ્પર્શી વ્યાખ્યા ઓ ધરાવતા મહાસાગર માંથી બહાર નીકળવું બહુ કપરું છે…..નાના પત્રો થકી પોતાના ભાવો બખૂબી પ્રગટ કરવામાં આવ્યા છે….જે પૈકી એક પત્ર અહીં
મુકું છું……
આત્મીય આરોહી,
તું છૂટી પડી જઈશ તો ?
એવા વિચારથી ચિત્તમાં અનેક પ્રશ્નો થાય છે.
ચાલતા થાકીશ તો આંગળી કોની પકડીશ ?
રસ્તો ખોવાશે તો કોણ દેખાડશે ?
શ્રદ્ધા જડશે નહીં તો કોણ આપશે ?
ભગવાન જેવી નિઃશ્વાર્થતા કોણ દેશે ?
એક વિશાળ ખોળો કોણ આપશે ?
એક નિર્દોષ દ્રષ્ટિ થી કોણ જોશે ?
તારો નાતો મારો જીવનાધાર છે ?
આપણી વાતો જંગલ,
આપણું મૌન સરોવર,
આપણો સંબંધ મંદિર,
આપણો સંકલ્પ શિખર !
આપણી સહયાત્રાનો આશય વિસ્તૃત ચેતન
અને સમૃદ્ધ જીવન છે.
તો રસ્તો શા માટે ફંટાવો જોઈએ ?
આવતી કાલે ભેગા ન થયા તો ?
છુટા ન પડીયે.
સાચે જ.
આપણે સાથે હોઈશું તો બબ્બે મુઠ્ઠી
સ્નેહ ને સમજ સરખે ભાગે વહેંચીને ખાઈશું.
આપણે અમાસ કે પૂનમ, વસંત કે પાનખરમાં,
સાથે રહીએ અને સ્વસ્થ રહીએ.
આપણી ક્ષિતિજ દૂર છે, ઝાંખી છે,
પણ અશક્ય નથી.
સાથે ચાલશું નહીં તો અટકી જઈશું.
આપણે એક બીજાની સીડી બનીએ.
એકમેકને પ્રેરણા આપીએ.
અન્યોઅન્યના પ્રવેશદ્વાર બનીએ.
અત્યારે આ નિર્ણયને લીધે
શૂન્યાવકાશ સર્જાશે,
અંધકાર ફેલાશે,
અરાજકતા પથરાશે,
પણ
આવતીકાલે ચોક્કસ સૂર્ય ઊગશે,
નહીંતર દીવો પ્રગટાવીશું….!
પ્રેમ સહ…..
કિરતાર…….
મિત્રો, પીલુ રાગ બેઇઝડ થોડી રચનાઓ જોઈએ….તો આપણે વધુ સમીપ જઈ શકીશું…..
ફિલ્મ વક્ત નું સદૈવ રંગીલું ગીત એ મેરી ઝોહરા જબી જે રવિ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને મન્નાડે એ ગાયેલું છે. ફિલ્મ દેવર નું ગીત જે રૌશન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને મુકેશ ના કંઠે ગવાયેલુ છે એ ગીત બહારો ને મેરા ચમન લૂંટ કર પણ પીલુ ની રચના છે. તદુપરાંત, ફિલ્મ એક ફૂલ ચાર કાંટે નું ગીત જે હઝરત જયપુરી ની કલમે તથા શંકર જયકીશન નું સંગીત અને લતા જી ના કંઠે ગવાયેલુ બનવારી રે, જીને કા સહારા તેરા નામ તથા ફિલ્મ યાદો કઈ બારાત નું ગીત જે અવિસ્મરણીય જ છે. ચૂરા લિયા હે તુમને જો દિલ કો પણ પીલુ નીજ રચના છે.
અન્ય કૃતિઓ માં, ફિલ્મ શરાબી નું ગીત દે દે પ્યાર દે પ્યાર દે ઉપરાંત, ફિલ્મ અલબેલા નું ગીત ધીરે સે આજા રી અખિયન મેં નીંદીયા આજા તથા ફિલ્મ જંગલી નું ગીત દિન સારા ગુઝારા તોરે અંગના, અબ જાને દે મુજે મોરે સજના પણ રાગ પીલુ નિજ રચના છે. ફિલ્મ લગાન નું ગીત ઘનન ઘનન ઘીર ઘીર તદુપરાંત, ફિલ્મ મેરે સનમ નું ગીત જાઈએ આપ કહાં જાયેંગે પણ પીલુ નીજ રચના છે.
મિત્રો, અમુક રાગ નું સર્જન જ એવું અદ્દભુત થયું હોય છે કે તેને સંલગ્ન કૃતિઓ યાદ કરવા જઈએ તો અજાણતા જ એ રાગના પ્રેમમાં જ પડી જવાય….
પીલુ બેઇઝડ અન્ય ગીતો માં, ફિલ્મ આરપાર નું ગીત કભી આર કભી પાર લાગા તીરે નજર તથા ફિલ્મ સુજાતા નું ગીત કાલી ઘટા છાયે મોરા જિયા તરસાયે પણ પીલુ નીજ રચના છે. ફિલ્મ દિલ હૈ કી માનતા નહીં નું ગીત મેનુ ઇશ્ક દા લગિયા રોગ તથા ફિલ્મ સાથી નું ગીત જે મને હ્રદયસ્થ છે એ, મેરા પ્યાર ભી તુ હે, યે બહાર ભી તું હે પણ પીલુ નીજ રચના છે. ફિલ્મ સાહબ બીવી ઔર ગુલામ નું ગીત ના જાઓ સૈયાં છુડા કે બૈયાં પણ રાગ પીલુ બેઇઝડ કૃતિ છે.
ફિલ્મ શહેનાઈ નું ગીત ના ઝટકો ઝુલ્ફ સે પાની ઉપરાંત, ફિલ્મ મધર ઇન્ડિયા નું દિકરી વિદાય નું ગીત પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી રાગ પીલુ બેઇઝડ છે. ફિલ્મ બસંત બહાર નું ગીત જે મન્નાડે દ્વારા ઝભ્ભા ફાડ કંઠે ગવાયેલુ છે, સૂર ના સજે, કયા ગાઉં મેં તથા ફિલ્મ સદમા નું ખૂબ ગમતીલું ગીત સુરમયી અખીયો મેં ઈક નન્હા મુના સપના દે જા રે. પણ રાગ પીલુ બેઇઝડ કૃતિ છે.
રાગ પીલુ બેઇઝડ ગુજરાતી રચનાઓ માં, આપણી સૌની અતિપ્રિય અને પ્રખ્યાત કૃતિ, જે પુરુષોત્તમ ઉપાધ્યાય ની દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં તથા પુરૂષોત્તમ ઉપાધ્યાય નીજ એક કૃતિ ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ તથા ર.વ. દેસાઈ ની રચના અને આસિત દેસાઈના સ્વરે ગવાયેલુ હો શ્યામ નીંદીયા ના આવે પણ પીલુ બેઇઝડ કૃતિ છે.
આરોહ: નિ (મન્દ્ર) સા ગ મ પ ની સા
અવરોહ: સા નિ (કોમળ) ધ પ મ ગ (કોમળ) રે
વાદી: ગ
સંવાદી: નિ
જાતિ: ઓડવ સંપૂર્ણ
થાટ: કાફી સમય: સર્વકાલીન
તો ચાલો મિત્રો, રાગ પીલુ ની એક મસ્ત મજાની રચના માણીએ.
કવિ:- હરીન્દ્ર દવે
આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
- મૌલિક જોશી