પ્રભાસ-પાટણ: ભારતના બાર જ્યોતિ‹લગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથના દર્શને આવતા દેશ-વિશ્વના કરોડો આસ્થા ભાવિકોની લાગણી સમજી સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સક્રિય સચિવ પ્રવિણભાઈ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને પ્રોજેક્ટ એન્જિનિયર ઉપેન્દ્ર કોદાળાના સંયુક્ત પ્રયાસોથી સોમનાથ દર્શને આવતા ભાવિકો માટે પ્રભુ દર્શનની વિશિષ્ટ સુવિધા ઉભી કરવામાં આવી છે.
અત્યાર સુધી મંદિરના સભા મંડપથી ગર્ભગૃહના મંદિર કઠોડા સુધી દર્શનાર્થીઓ પુરૂષ-મહિલા એમ બંનેની બે બે લાઈનો મળી કુલ ચાર લાઈનમાં પસાર થતા હતા. જેમાં ઘણીવાર કોઈના માથા આડા આવે અગર બે પગની એડી ઉપર ઊંચા થઈ જાવાથી માત્ર જ્યોતિર્લિંગ દર્શનની ઝાંખી માત્ર થતી હતી. સોમનાથ ટ્રસ્ટે દર્શનાર્થીઓની આ મુશ્કેલી નિવારવા માત્ર દસ કલાકની કામગીરી કરી રાત્રિના એકથી સવારના અગિયાર સુધીમાં દર્શનાર્થી પથ ઉપર એક ખાસ માળખું બનાવ્યું છે. જેના લીધે શ્રદ્ધાળુઓને વધારે રાહત થશે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
સોમનાથ મંદિરમાં હાલના દિવસોમાં શ્રદ્ધાળુઓને પ્રવાહ પહોંચી રહ્યો છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટે શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને આ વ્યવસ્થા ઉભી કરી છે અને શ્રદ્ધાળુઓની મનોકામના પુરી કરી છે. આ પ્રકારની વ્યવસ્થા એક માત્ર આ મંદિરમાં જ થઈ હોવાનો અનુભવ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે દર્શન કરવા માટેની તમામ લાઈનોને ઉંચાઈથી નીચે ઢોળાવ અપાયો છે. જેથી પ્રથમ દર્શનાર્થીની જેમ જ લાઈનમાં ઉભેલા છેલ્લા દર્શનાર્થીને પણ દર્શન થશે.