અમદાવાદઃ અમદાવાદ શહેર, ગુજરાત સહિત દેશભરમાં હવે ધીરે ધીરે સ્માર્ટ સીટી, સ્માર્ટ વર્કની સાથે સાથે હવે સ્માર્ટ લાઇટીંગનો નવો કન્સેપ્ટ પ્રચલિત થઇ રહ્યો છે, જે ખૂબ લોકપ્રિય પણ થઇ રહ્યો છે. દેશની જાણીતી કંપની વિપ્રો લાઇટીંગ દ્વારા સૌપ્રથમવાર સ્માર્ટ લાઇટીંગની અનોખી પહેલ રજૂ કરવામાં આવી છે, જેમાં ઇન્ટરનેટ ઓફ લાઇટીંગ(આઇઓએલ) અને પાવર ઓવર ઇથરનેટ(પીઓઇ) સહિતના ટેકનોલોજીસભર વિકલ્પો મારફતે સ્માર્ટ લાઇટીંગમાં ક્રાંતિ સર્જવામાં આવી છે.
અમદાવાદ, ગુજરાત સહિત દેશના કેટલાક વિકસીત શહેરો અને રાજયોમાં વિપ્રો દ્વારા તેના સ્માર્ટ લાઇટીંગના નવા કન્સેપ્ટટની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે, જે મુજબ, તમે ઘરમાં કે ઓફિસમાં દિવસ અને રાત પ્રમાણે તમારી લાઇટનો કલર પણ બદલી શકશો અને તેના પ્રકાશમાં વધ-ઘટ કરી શકશો. સૌથી મહત્વનું એ છે કે, સ્માર્ટ લાઇટીંગના અમલથી વીજબીલમાં ૫૦થી ૫૫ ટકા સુધીની બચત અને રાહત પણ મેળવી શકાશે એમ અત્રે વિપ્રો કોમર્શીયલ લાઇટિંગ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ અનુજ ધીર અને મકરંદ સેન્ડીસે જણાવ્યું હતું.
અમદાવાદમાં આજે પોતાના સિગ્નેચર ઇવેન્ટ ‘લાઇટ શો ૨૦૧૮’માં સ્માર્ટ અને કનેક્ટેડ ઇનડોર અને આઉટડોર લાઇટિંગ માટે ઇન્ટરનેટ આpફ લાઇટિંગ (આઇઓએલ) અને પાવર ઓવર ઇથરનેટ(પીઓઇ) સહિતના ઉત્કૃષ્ટ વિકલ્પો અને સંશોધનો રજૂ કર્યા હતા.
વિપ્રો કોમર્શીયલ લાઇટિંગ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ અનુજ ધીર અને મકરંદ સેન્ડીસે વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ લાઇટીંગના કન્સેપ્ટ હેઠળ કોર્પોરેટ લાઇટીંગ, રોડ લાઇટીંગ, ફેકટરી લાઇટીંગ, સ્માર્ટ હોમ્સ, સ્માર્ટ સીટી, સ્માર્ટ ઇનડોર અને આઉટડોરને આવરી લેવાયા છે. આઇઓએલ અને પીઓઇ બેઝ્ડ આ નવી ટેકનોલોજી અને સ્માર્ટ લાઇટીંગના કારણે તમે મન ફાવે ત્યારે તમારા ઘર કે ઓફિસની લાઇટનો પ્રકાશ વધ-ઘટ કરી શકશો અને લાઇટનો કલર પણ તમને પસંદ પડે એ રીતે બદલી શકશો. આ સીસ્ટમમાં જટિલ વાયરીંગ કે તોડફોડની ઝંઝટમાંથી પણ મુકિત મળશે કારણ કે, આ ટેકનોલોજી કેબલ નેટવર્કની જેમ કોમ્પ્યુટર-લેપટોપ સાથે કનેકટેડ હશે અને સમગ્ર સીસ્ટમ રિમોટ કંટ્રોલ મારફતે પણ કંટ્રોલ થઇ શકશે.
આ ઉત્કૃષ્ટ અને ક્રાંતિકારી ટેકનોલોજીને પગલે રેસીડેન્સીયલ અને કોમર્શીયલ ક્ષેત્રે લોકોને વીજબીલમાં પણ ૫૦થી ૫૫ ટકા સુધીનો ફાયદો અને રાહત મળશે. તેનું બીજું એક જમાપાસું તેની સુરક્ષા છે. કારણે જટિલ વાયરીંગ કે બીજા કોઇ છેડા નહી હોવાથી અને સીધા કેબલથી કોમ્પ્યુટર સાથે કનેકટેડ હોવાથી કયારેય સ્પાર્ક થવાનો ખતરો રહેતો નથી અને તેથી શોટસર્કીટ સહિતના અન્ય ખતરાઓ ટળી જાય છે, તેથી આ નવી ટેકનોલોજી ખૂબ સુરક્ષાયુકત છે.
તેમણે એક બહુ મહત્વના મુદ્દા પરત્વે જણાવ્યું હતું કે, આ નવી ટેકનોલોજીમાં વાઇફાઇના બદલે હવે લાઇ-ફાઇ ટેકનોલોજીથી ડેટા સુરક્ષિત રહી શકે તેવી અદ્ભુત સુવિધા પ્રાપ્ય છે. કારણ કે, વાઇ-ફાઇ કે ઇન્ટરનેટ મારફતે તમારું હેકીંગ થઇ શકે પરંતુ લાઇ-ફાઇમાં હેકીંગ શકય નથી અને તેથી બેંકીંગ, ડિફેન્સ, હેલ્થ કેર સહિતના ક્ષેત્રોમાં તે ખૂબ જ કારગત અને ઉપયોગી નીવડી શકે છે. આ નવીન શોધને પગલે આઇઓટી અને બિગ ડેટાના વિકાસની સાથે સ્માર્ટ અને ડિજીટલ લાઇટિંગ આધારિત સમાધાનો માટે આગળનો રસ્તો ખુલી ગયો છે.