તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઉંઘની દવાઓથી રાત્રી દરમિયાન ખૂબ સારી ઉંઘ આવે છે પરંતુ આ દવાઓ વહેલી તકે મોત અને કેન્સરના ખતરાને સતત વધારે છે. જરનલ બીએમજે ઓપનમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. અભ્યાસ માટે સંશોધકોએ ૧૦૫૨૯ લોકોના મેડીકલ રેકોર્ડમાં ચકાસણી કરી હતી. તબીબોની મંજુરીથી આ પ્રકારની દવાઓ લઇ રહેલા લોકો ઉપર નજર રાખવામાં આવી હતી. આ ઉંપરાત ૨૩૬૭૬ એવા લોકોના ઇતિહાસમાં પણ ચકાસણી કરવામાં આવી હતી જે રાત્રે ઉંઘી જવા માટે આ પ્રકારની દવાઓનું ઉપયોગ કરતા નથી. અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે ઉંઘની દવાઓથી ચોક્કસપણે સારી ઉંઘ આવે છે.
પરંતુ કેન્સર અને વહેલી તકે મોતના ખતરાને પણ આ દવાઓ આમંત્રણ આપે છે. ઝોલપીડેમ, ટેમાઝેપમ સહિતની તમામ ઉંઘની દવાઓમાં અભ્યાસ કર્યા બાદ આ પ્રકારના તારણો આપવામાં આવ્યા છે. બે અઢી વર્ષ સુધી સતત આ પ્રકારની દવાઓ લીધા બાદ ઉંઘની દવાઓ લેનાર લોકોમાં મોતનો દર ૬.૧ ટકા રહ્યો હતો. જ્યારે આ પ્રકારની દવાઓ નહીં લેનાર લોકોમાં મોતનો દર ૧.૨ ટકા નોંધાયો હતો. અભ્યાસના તારણોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે આધુનિક સમયમાં વ્યસ્થ લાઇફમાં લોકો પૂરતી ઉંઘ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં મજબૂત ઉંઘ માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
દવાઓની માઠી અસર રહેલી છે. આમા જણાવવામાં આવ્યું છે કે દવાઓ વધુ પ્રમાણમાં લેનાર લોકોમાં મોતનો ખતરો ૩.૬ ગણો વધુ છે. જ્યારે એક વર્ષમાં ૧૮ અને ૧૩૨ ડોઝ લેનારમાં મોતનો દર ૪.૪૩ ગણો છે. એક વર્ષમાં ૧૩૨ ડોઝ લેનારમાં મોતનો દર ૫.૩૨ ગણો છે. જ્યારે ઉંચા ડોઝ લેનારાઓમાં મોતનો ગણ ૩૫ ગણો વધી જાય છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		