ખીમજી ડોસા અને તેમનાં પત્ની ધૂળીમાને તો આ દિવાળી પર પણ દીકરા – વહુ કે છોકરાંનું મોઢું જોવા મળવાનું ન હતું. તેમના પુત્ર મંગળે મુંબઇથી ફોન કરીને દિવાળી પર નહિ અવાય એવા સમાચાર આપી દીધા હતા. ખીમજીડોસા અને ધૂળીમા ત્રણ ત્રણ વરસથી છોકરાંનાં મોઢાં જોવા તલસતાં હતાં, આ વખતે તો દિવાળી પર છોકરાં જરૂર આવશે એવી એમને ભારે આશા હતી….પણ મંગળનાફોને એમને ફરી પાછા નિરાશામાં ધકેલી દીધા હતા…
આખા ગામમાં બહાર રહેતાં મોટા ભાગનાં દીકરા વહુ એમનાં બાળ ગોપાળ સાથે દિવાળી કરવા આવી જ જતાં હતાં, બધાં જ ફળિયાંમાં આનંદનું વાતાવરણ જોવા મળતું પણ આ વખતે ફરીથી ખીમજીડોસા અને ધૂળીમા નિરાશ હતાં. મંગળ આ વખતે ય દિવાળી પર નથી આવવાનો એવું તે ફળિયામાં ય કોઇને સ્પષ્ટ કહી શક્યાં ન હતાં….. ધૂળીમાને ઉંમર થઇ હોવાથી તેમને પૂરીઓવડાં કે મોહનથાળ જેવું કશું બનાવવાનું ફાવતું ન હતું, ઉપરથી છોકરાં કોઇ આવવાનાં ન હતાં એટલે એમને કશો હરખ પણ ન હોય એ સ્વભાવિક હતું…. દીકરાની વહુ આવત તો એની પાસે બધુ કરાવત એવી મોટી આશા પણ તૂટી પડી હતી. આવું જોઇ ને ખીમજી ડોસા ય બબડતા,
“ ના ના ભાઇ, આ દિવાળી ય શું કાંમ આવતી હશે ? જો બહાર રહેતાં છોકરાં બે તૈણ વરસે ય મા બાપને ભેગાં થવા ના આવે તો પછી આ તહેવારને હું ધોઇ પીવાના ???? “
દિવાળીની રાત્રે ડોસા અને ધૂળીમાનાફળિયામાં બીજા ફળિયાનાં નાનાં નાનાં બાળકો મેરાયાંલઇને તેલ પૂરાવા આવ્યાં, એમને જોઇને ધૂળીમાને એમનો મંગળો નાનો હતો ત્યારના દિવસો યાદ આવી ગયા.. એમની આંખો સહેજ ભીની થઇ ગઇ … ખીમજી ડોસા આ જોઇ એમને ખોંખારીને બોલ્યા,
“ લેં હેંડ હવે છોકરાંનાં મેરાયાંમાં ઝટ તેલ પૂરી આલ, આપણાંછોકરાંની ચિંતા છોડ… એ ય મુંબઇમાં લ્હેર કરતાં હશે હોં…….. “
આટલું બોલીને એ ઘરમાં જતા રહ્યાને ધૂળીમા જૂએ નહિ એમ ધોતિયાના છેડાથી પોતાની આંખને લૂછી રહ્યા….
—- આખા ગામમાં ફટાકડા ફૂટે જતા હતા. ખીમજીડોસા અને ધૂળીમા દસ સાડા દસ સુધી જાગતાં હતાં ને ઉંઘવા માટે ભારે નિરાશા સાથે ધૂળીમા બારણું બંધ કરવા જતાં હતાં ત્યાં તો એક નાની ગાડી તેમના ફળિયામાં હોર્ન વગાડતી આવીને ઉભી રહી..એની જોરદાર લાઇટથી એ જરા અંજાઇ પણ ગયાં….
“ અત્યારે દિવાળીની રાતે અમારા ફળિયામાં ગાડી લઇને કુણ આયું હશે ? મનમાં એવા પ્રશ્ન સાથે એ આંગણામાં આવ્યાં..
ખીમજીડોસા પણ ગાડીના અવાજથી બહાર આવ્યા ને બહારની લાઇટ ચાલુ કરી… ત્યાં તો ગાડીમાંથી એમનો મંગળ એની વહુ અને બે નાનાં છોકરાં બહાર નીકળી આવ્યાં… છોકરાં તો દાદા દાદા કરતાં દોડતાં આવ્યાં. ધૂળીમા તો મંગળને આવી રીતે પરિવારસહ રંગે ચંગે પણ અચાનક આવેલો જોઇ આશ્ચર્ય સાથે રાજી રાજી થઇ ગયાં…
મંગળ તો બાપુજીને ભેટી પડ્યો, પગે લાગ્યો ને ત્રણ ત્રણ વરસથી ઘરે નહિ આવવા બદલ માફી માગવા લાગ્યો, ધૂળીમાને ભેટી પડતાં તો તે રડી જ પડ્યો..!!!! મા દીકરાનું આવું હ્રદયંગમમિલન મંગળની વહુ તો જોતી જ રહી એની આંખો ય ભીની થઇ આવી..
— મંગળ તેની વહુ અને બાળકોને આવેલાં જોઇ ખીમજીડોસા અને ધૂળીમા તો ભગવાનનો લાખ લાખ પાડ માનવા લાગ્યાં … મંગળનીવહુએ સાથે લાવેલ મીઠાઇ અને પૂરી સાસુ અને સસરાને પોતાના હાથે જ ખવડાવી…. કદાચ આ ક્ષણે આખા ગામમાં ક્યાંય ન ઉજવાઇ હોય એવી દિવાળી ખીમજી ડોસાના ઘરમાં ઉજવાઇ રહી હતી…
- અનંત પટેલ