નામ- વીણા, ગામ- જામનગર, એડ્રેસ- તળાવની પાળથી લઈ બાલાહનુમાન મંદિરનાં પગથિયા સુધીનો બધો વિસ્તાર મારું ઘર. જામનગર શહેર આમ તો ઘણી બધી રીતે જાણીતું છે.
અહીંની બાંધણી લો કે કચોરીનાં બંધાણી,
તીખા તમતમતા ઘૂઘરા લો કે બાલાચડીનાં દરિયાનાં ઘૂંઘવા…
ઠેરઠેર મંદિરોની હારમાળા,
છોટી કાશીની આ જોઈ લો ઘરમાળા…
પણ મારે મન મારું સર્વસ્વ…મારી દુનિયા…આનાથી બહાર ક્યારેય ગયેલી પણ નહીં અને કશું જોયેલું પણ નથી. મા-બાપની ખબર નથી. સમજણ આવી ત્યારથી છેલ્લા ત્રીસેક વર્ષથી એક ટોળાની સાથે જ ઉછરી છું. હું પણ ટોળાના અન્ય સભ્યની જેમ આખો દિવસ ભીખ માંગુ, માંગેલા કપડાં પહેરું અને રાત્રે પાસે આવેલા બગીચામાં સૂઈ જઉં. જ્યારે કંઈ ભીખ ન મળે ત્યારે મંદિરનો પ્રસાદ બે પડીયા ભરીને ખાઈ લઉ. ભણી નથી પણ 100 રૂપિયાની ગણતરી આવડે છે.
એક દિવસ માંગવા નીકળી. પ્રસાદનો સમય ચૂકી ગઈ. માસિકનાં એ દિવસોમાં પ્રસાદ મળત તો પણ માંગવા ન જાત. હવે ખિસ્સામાં એક રૂપિયો પણ નહીં. બપોરનાં બાર વાગ્યા હશે. સવારથી પાણી જ પીધા કર્યું છે. કાંઈ ખાવાનું મળ્યુ નથી. હે પ્રભુ કંઈ ચમત્કાર કર.
તળાવની પાળે કેટલાંક પ્રેમી પંખીડા બેઠા હતા. મેં આમ તેમ જોયું. વિચાર આવ્યો કે પેટની ભૂખ મીટાવવા, તેમને ખલેલ પહોંચાડવું મને યોગ્ય ન લાગ્યુ. હું દૂરથી તેમને જોઈને વિચાર કરતી હતી કે માંગવા જઉં કે ન જઉં…! તેવામાં એ ભાઈએ સામેથી મને બોલાવી. તેમણે પોતાના પરિચયમાં એવું કહ્યું કે નાનો હતો અને મા-બાપની આંગળી પકડીને મંદિરે આવતો ત્યારથી તમને ઓળખું છું. બોલો શું જોઈએ છે…?
મેં કહ્યું કે ખાવુ છે. તેણે તો આખે આખુ પાકીટ જ મને ધરબી ધીધુ અને બોલ્યો કે “મેં ગણ્યા નથી કે આજે મારા પાકીટમાં કેટલા રૂપિયા છે, પણ જેટલા નીકળે એટલા તારા નસીબના…જા લઈ જા…” તે દિલદાર હતો એ વાત સાચી પણ હું ય સ્વમાની માગણ. એટલે મેં તેનું પાકીટ લીધુ. જોયુ તો 100-100ની સોળ જેટલી નોટો હતી અને બાકીની છૂટી દસ દસની સાત નોટો હતી. એમાંથી મેં 70 રૂપિયા લીધા. બે ટંકના ભોજન માટે એટલા પૂરતાં હતા. 70 રૂપિયા લઈને મેં એનું પાકીટ પાછું આપી દીધુ. આજે પેટની જ નહીં પણ મનની, નીતિની અને ધીરજની ભૂખ પણ મટી હતી.
-પ્રકૃતિ ઠાકર