“એકલો જાને રે…” નો સંદેશ આપતા ગીતના કવિશ્રીની ક્ષમાયાચના સાથે
સંસારમાં એકલા જવામાં ક્યાં ક્યાં ક્યારે કેવાં જોખમો ઉભા થાય છે તેની વાત કરવી
છે..
મારા ગામના મારા દોસ્ત ચીમન ચપટીને કોઇ સંતે સપનામાં આવીને સંદેશ
અથવા તો આદેશ સંભળાવ્યો કે
“જીવનમાં તું એકલો આવ્યો છે ને એકલો જ જવાનો છે તો આજથી દરેક કામ તું
હિંમત રાખીને એકલો જ કરવાનું રાખજે…”
બસ થઇ રહ્યું, ચીમન જે અત્યાર સુધી બે ત્રણ ભાઇબંધો સાથે જ ભ્રમણ કરતો
હતો તેને બદલે હવે એકલો જ નીકળવા મંડ્યો તેમાં તેને કેવા કેવા અનુભવ થયા તે
જાણીએ… — –
વહેલી સવારે શહેરમાં એકલા ચાલવા જવું અને ગામડામાં એકલા ચાલવા નીકળવું બેમાં ઘણો તફાવત છે..
શહેરમાં તો પરોઢિયે ચારેક વાગ્યાથી ટ્રાફિક ચાલુ થવા લાગે, બહારગામ નોકરી ધંધાર્થે જનારા લોકો ય નીકળવા મંડે
એટલે કશું ભય જેવું ન લાગે, વળી બીજા કેટલાક સ્ત્રી પુરુષો પણ મોર્નિંગ વોક માટે નીકળેલા હોય,
જ્યારે ગામડા ગામમાં તો સવારે છ સાડા છ સુધી લગભગ સન્નાટો જ હોય !!!
એવામાં ચીમન એક દિવસ એકલો સવારે ચાલવા અથવા દોડવા મંડ્યો તો એક
ખૂણેથી બે ચાર કૂતરાં ભસતાં ભસતાં પાછળ પડ્યાં . કૂતરાંનું એવું હોય છે કે એ અંદર
અંદર એક બીજાને ભસતાં ભસતાં એમનો હિસાબ પતાવતાં હોય છે, તેમાં જો તમે
એમની આજુ બાજુ થઇ કશું રીએકશન આપ્યા વગર નીકળી જાઓ તો એ તમારી સામે
ય જોતાં નથી પરંતુ જો તમે એમને ભસતાં જોઇ અટકી અટકીને તેમની સામે નજર
મિલાવવા જાવ કે પછી ડરીને દોડવા જાઓ તો પછી એમનું ભસવાનું તમારા તરફ
આવી જય છે. ચીમન પણ હાથમાં લાકડી જેવું કશું લીધા વિના વહેલી પરોઢે એકલો
ચાલવા નીકળી પડેલો પણ તેનું સદભાગ્ય કે કૂતરાંએ તેના પર વધારે હૂમલો ન કર્યો.
— — આવી જ રીતે ચીમનને નદીએ ન્હાવાનો જબરો શોખ તે એકવાર નદીમાં એકલો
ન્હાવા પડ્યો.. તેને તરતાં તો આવડતું હતું પણ તો ય એકલા એકલા ન્હાવાની કંઇ મઝા
ન આવી એટલે એ ધીમે ધીમે બીજી તરફ જ્યાં કેટલીક સ્ત્રીઓ કપડાં ધોવા બેઠેલી એ
તરફ સરકવા લાગ્યો તો એ સ્ત્રીઓના મોંઢેથી સ્વસ્તિવચનો સાંભળવાં પડ્યાં !!!!
“મૂઆ રોયા , આ બૈરાં ન્હાતાં ધોતાં હોય એ બાજુ શું કામ ગૂડાય છે હેં ?? જા
અહીંથી નકર હમણાં ઝાલીને તને જ ધોઇ નાખશુ હા…..”;
“જો ફરી દેખાયો તો તારી ખેર નથી હા….”
— – ચીમન ચપટી ક્યારે કશું ધીર ગંભીર થઇને વિચારવા પણ લાગી જતો. એકલા
જ આગળ વધવાની બાબતે વિચારતાં વિચારતાં તેને એમ થયું કે શું એકલા એકલા
પ્રવાસ કરવાની કાંઇ મઝા આવે ખરી ? અરે લગ્ન પછી પતિ પત્ની બે જણે સાથે જ
ફરવા જવાનું હોય તેમાં વળી એકલા કઇ રીતે જઇ શકાય ? એને લાગ્યું કે જીવનમાં
ઘણાં બધાં કાર્ય અને પ્રવૃત્તિઓ એવી છે કે જે એકલા એકલા થઇ શકે જ નહિ…પણ ત્યાં
તો ચીમનનો અંતરાત્મા બોલ્યો, ” દોસ, ભક્તિ તો એકલા એકલા જ થાય હોં…”
” અરે પણ સંસાર ભોગવ્યા પહેલાં જ ભક્તિ કઇ રીતે કરવાની ? પહેલાં લગન બગન
તો થવા દે , ભક્તિ તો ઘૈડપણમાં જ કરવાની હોય ને ?” એનું સંસારી મન
તુરત જ બોલી ઉઠ્યું.
આ બાબતમાં અમને ય લાગે છે કે એકલા જીવવાના ને એકલા રહેવાના ઘણા
ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે. એટલે માણસે વિવેક બુધ્ધિ વાપરીને જ્યાં એકલા
રહેવાનું યોગ્ય હોય ત્યાં એકલા રહેવું કે જવું ને જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓની
કંપનીની જરૂરિયાત અતિ આવશ્યક હોય ત્યાં એકલા જવાની ભૂલ કરવી નહિ…
Guest Author
-અનંત પટેલ