ઉનાળાની બળબળતી બપોર… એજ કોલેજ છૂટવાનો સમય… કોલેજ પૂરી કરીને ઘરે જતી યુવતીઓ અને તેમની રોજની જેમ શાબ્દિક અને સીટીઓ મારી મજાક મશ્કરી કરતા કોલેજ ના મવાલી મજનુઓ.
હાય જાનેમન…. આજે તો કાઈ જામો છોને.. કોને ઘાયલ કરવાનો ઈરાદો છે?
લગભગ દરરોજનું આ દ્રશ્ય..
યુવતીઓમાં એક છોકરી રાજવી … એકદમ નોખી માટીની … તેમના સમાજમાં દીકરીઓ બહુ ભણતી નહિ, એમ કહો કે એને માં-બાપ એને ભણાવતા નહિ, કારણ ? … કારણ બીજું શું હોય એજ જૂની માન્યતા …. છોકરીની જાતને વળી ભણીને શું કરવું છે? ઘરનું કામ સરખી રીતે આવડે એટલે બસ. વળી, તેમના સમાજમાં બાળલગ્ન પણ થઇ જતા અને છોકરાઓ પણ કઈ ખાસ ભણતા નહિ. પણ આ બધાથી અલગ હતો રાજવી નો બાપ… પોતાના સંતાનો ને સમય પ્રમાણે આગળ વધારવા અને તેઓ સમયની સાથે તાલ મિલાવી શકે તે માટે તેમને ભણાવી ગણાવી આગળ વધારવા અને પોતે જે સફળતા પામવાની ઈચ્છા રાખતા હતા, પોતાના જે સપના હતા તેને પોતાના સંતાનો દ્વારા સાકાર કરવાના મક્કમ ઈરાદા સાથે તેને તેના બંને સંતાનોને સારામાં સારું શિક્ષણ આપવવાનું નક્કી કર્યું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. મોંઘવારી ના સમયમાં જયારે પોતાના સમાજનો યુવાન દારૂ ના દાવાનળ માં સળગતો હતો ત્યારે આ બાપ પોતાના સંતાનો માટે દિવસ રાત એક કરી, મેહનત કરી પૈસા ભેગા કરવાની મથામણ કરતો. તેની ગૃહલક્ષ્મી પણ તેના આ કાર્યમાં તેને ખૂબ સહકાર આપતી. રાજવીના પિતાએ જયારે અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ માં ધ્યાન આપ્યું ત્યારે તેની માતાએ ઘરને બરાબર સાચવ્યું. પોતાના બાળકોમાં સારામાં સારા સંસ્કારનું સિંચન થાય તેનું તેને બરાબર ધ્યાન રાખ્યું. આ માતા – પિતાનું પહેલું અને સૌથી મોટું સંતાન એટલે રાજવી. રાજવી જયારે કોલેજમાં પ્રવેશી ત્યારે કોલેજ મવાલીઓનો અડ્ડો બની ચુકી હતી. મારામારી અને છોકરીઓની છેડતી સામાન્ય બાબત હતી. આ બધું જોઈ રાજવી ડઘાઈ ગઈ. ભણવા સાથે તેને કોલેજની એન.સી.સી. ની પ્રવૃત્તિમાં ભાગ લીધો. એન.સી.સી.માં છોકરીઓ બહુ ભાગ લેતી નહિ પણ રાજવી કઈક અલગ હતી.
એક તોફાની મજનુંએ એક દિવસ તેને સીટી મારી… રાજવી કઈ બોલી નહિ અને હસતી હસતી પોતાની મસ્તીમાં આગળ વધી. બીજા દિવસે આ મજનું ની હિમત ખુલી તે રાજવીનો પીછો કરવા લાગ્યો. તે રાજવી ની પાછળ પાછળ છેક બસ સ્ટેન્ડ સુધી આવી ગયો. રાજવી સમજી ગઈ કે હવે કૈક કરવું પડશે એ દિવસ શાંતિથી પસાર થઇ ગયો. પછીના દિવસે રાજવી રોજની જેમ બનીઠની ને કોલેજ ગઈ. ફરી આજે એજ સમયે કોલેજ છૂટી અને સાથેજ રાજવી રાબેતા મુજબ ઘરે જવા નીકળી. તોફાની ટોળામાં ઊભેલા મવાલીઓ સામે જોયું. પેલો રોમિયો ત્યાજ હતો. રાજવીએ આજે સામેથી તેને સ્મિત આપ્યું.
તોફાની ટોળામાંથી તરતજ અવાજ આવ્યો… લડકી હસી તો માનો ફસી.. અને પેલા રોમીયોને આગળ વધવા તેના મિત્રોએ આહવાન કર્યું. અને આ મજનું પણ આજે ફુલ મૂડમાં એમનામાંનાજ કોઈ મવાલી નું બાઈક લઇ રાજવીનો પીછો કરવા લાગ્યો. કલરિંગ ફૂલવાળો શર્ટ, પીળું જીન્સ, રેબન ચશ્માં ચઢાવી આ અમીર બાપની ઓલાદ જ્યાં રાજવી સુધી પોહચી ત્યાં તો પાછળથી ત્રણ – ચાર બાઈકોએ આવી તેને આંતર્યો. પેલો હવે ગભરાયો. બાઈકસવારોએ હેલ્મેટ પેહરેલા હતા. બાઈક પરથી ઉતરી તેમને પેલાને રીતસર નો ફિલ્મી સ્ટાઇલમાં ધોવાનું ચાલુ કર્યું. ચશ્માં ક્યાય ફંગોળાઈ ગયા. હોકી સ્ટીક નો માર ઝીલવો પેલા માટે અસહય હતો. વળી કરાટે ના બે ચાર વાર થવાથી મજનું ધૂળ ચાટતો થઇ ગયો અને બાઈક જેમનું તેમ મુકીને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો.
કોણ છે આ બાઈકર્સ ગેંગ જેને પેલા મજનૂની આ હાલત કરી…. એ જાણવાની આપની ઇન્તેજારી સમજી શકાય એવી છે. આપના મનમાં ચાલતા વિચારો પણ સમજી શકાય એવા છે. આપ વિચારતા હશો કે રાજવી એ એના કોઈ બોય ફ્રેન્ડને વાત કરી હશે અને એની આ ગેંગ હશે .. કે પછી રાજવીએ તેના ભાઈને વાત કરી હશે ને તેના ભાઈ અને એના મિત્રોની આ ગેંગ હશે … કે પછી રાજવીએ તેના પિતાને વાત કરી હશે અને તેના પિતાએ પેલા મજનુંની ધોલાઈ કરાવી હશે, ના વાચક મિત્રો રહસ્ય કૈક અલગજ છે શું છે રહસ્ય? કોણ છે આ બાઈકર્સ ગેંગ? જોઈએ આગળ…
જેવો પેલો મજનું ભાગ્યો કે તરતજ આ ગેંગ રાજવીને ઘેરી વળી. હેલ્મેટધારી સવારો રાજવીની આજુબાજુ ચક્કર લગાવી રહ્યા હતા અને આ બધાની વચ્ચોવચ ઊભેલી રાજવી ખડખડાટ હાસ્ય વેરી રહી હતી. હવે આ બાઈકો થંભી અને તેના સવારો પણ આ ખડખડાટ હાસ્યમાં રાજવી સાથે જોડાઈ ગયા. બધા સાથેજ બાઈકો પરથી ઉતર્યા અને રાજવી તરફ આગળ વધ્યા અને જોતજોતામાં રાજવી ને ભેટી પડ્યા. પછી બધાએ એક પછી એક હેલ્મેટ ઉતારવાની શરૂઆત કરી. પેહલો યુવાન મઘમઘતો ચેહરો એટલે સાહસ અને રૂપનો ઘૂઘવતો સાગર, રાજવીની ખાસ સહેલી ધનશ્રી. ભણવામાં તેજસ્વી એવી ધનશ્રી રાજવીને કોલેજમાંજ મળી અને બંને મિત્રો બની ગયા. બંનેના વિચારો પણ લગભગ મળતા આવતા… માલેતુજાર માતાપિતાની એક ની એક દીકરી પણ બિલકુલ ડાઉન ટુ અર્થ એવી ધનશ્રીનું સૌદર્ય જીન્સ – ટીશર્ટ અને જેકેટમાં વધુ ખીલી ઉઠ્યું હતું અને બોયકટ વાળમાં તે વધુ આકર્ષક લાગી રહી હતી. રેવા એટલે હેલ્મેટમાં અંતરપટમાં છુપાયેલો બીજો ચેહરો. માતા-પિતા વિનાની રેવાને તેની માસીએ ઉછેરીને મોટી કરેલી. ખૂબજ ચતુર, ચાલાક અને વ્યવહાર કુશળ રેવા દેખાવે ખૂબ સામાન્ય. રેવા પણ આવાજ એક મવાલી ની છેડતીનો ભોગ બનતા બનતા રહી ગઈ હતી. આવા મવાલીઓ પ્રત્યે ત્યારથી તેનો આક્રોશ વધી ગયો હતો. લબ્ધી અને લાવણ્યા – માં સરસ્વતીના આરાધક એવા પ્રોફેસર વિદ્યાસાગર ની ટ્વીન્સ અને કોલેજની ક્વીન્સ સુપુત્રીઓ, કોલેજના યુવા દિલોની ધડકન એજ આ ગ્રુપના અંતિમ બે ચેહરા. જયારે રાજવી આ કોલેજમાં આવી ત્યારે માંવાલીઓના અડ્ડા સમી બની ગયેલી વિધાના ધામ સમી કોલેજ માં યુવતીઓ ની સેફ્ટી વિષે વિચારવા લાગી.તેની આ ચાર સહેલીઓ સાથે ચર્ચા કરવા લાગી. ચારેય સહેલીઓએ પોતાની રક્ષા પોતે કરી શકે ટે માટે કરાટે જોઈન કર્યા. પણ હજી આગાળ વધવું હતું. પુરુષ સમોવડી બનવાના શોખમાં ને શોખમાં તેઓ રમત રમતમાં બાઈક શીખ્યા. અને એક દિવસ રાજવીએ જ કોલેજનીજ અન્ય યુવતીઓ ના રક્ષણ માટે પંચ – એન્ટી – રોમિયો બાઈકર્સ ગેંગ બનાવવાનું નક્કી કર્યું જેને અન્ય ચાર સહેલીઓએ સહર્ષ સ્વીકાર્યું. પોતાની ઓળખ છતી ના થાય ટે રીતે કોલેજ ગર્લ્સનું આવા રોમીયોથી તેઓ રક્ષણ કરતા જેની જાણ તેમના પરિવારજનો ને પણ કરી ના હતી. આવી ઘણી યુવતીઓની રક્ષા તેઓ કરી ચુકી હતી. આતો આજે રાજવી હતી એટલે આ ચેહરા સામે આવ્યા . ધીરે ધીરે રાજવી ચારેયને એન.સી.સી માં ખેચી ગઈ જ્યાં તેમને સશક્તિકરણ ના ઘણા પાઠ શીખવા મળવાના હતા. રાઈફલ શુટિંગ શીખવા મળવાનું હતું.
કોલેજની યુવતીઓને છેડતીથી બચાવીએ છીએ તેમની રક્ષા કરીએ છીએ એ વાત સાચી પણ દેશની મહિલાઓની રક્ષા માટે, મા ભારતી ને છેડનારા દુશ્મનોથી એની રક્ષા માટે આપણે કૈક કરી ભારતીય તરીકે મળેલો જન્મ સાર્થક કેવી રીતે કરી શકીએ? આ શબ્દો સાથેનો આ વિચાર રાજવીએ તેની ચારેય સહેલીઓના હૃદયમાં આરોપિત કર્યો અને હવે ખરીં જર્ની શરૂ થઇ. પાંચેય સહેલીઓએ પોલીસ ઓફીસર બનવાના પ્રણ લીધા. પણ માતા – પિતાની પરવાનગીનું શું? કોઈના માતા-પિતા રાજી ન થયા શિવાય રાજવીના.કારણ માતા-પિતાને સમજાવીને પોતાની સાચી વાત મનાવવાની આવડત રાજવી માં હતી. રાજવી સાથે અન્ય ચારેય યુવતીઓએ પણ જી.પી.એસ.સી. ની તૈયારીઓ આરંભી દીધી. રાજવીએ ચારેયને કહ્યું અત્યારે પરીક્ષા ની તૈયારી કરીએ પછીથી માતા-પિતાને પણ મનાવી લઈશું. પરીક્ષા આપવાની કોણ ના પાડે છે? પરીક્ષાની કપરી તૈયારીઓ અને સાથે સાથે જીવન ના જે તબક્કે આ યુવતીઓ હતી ત્યારે કોલેજ પૂરી થયા બાદ જેમ દરેક માતા – પિતા ઈચ્છે તેમ તેમને સારો વર અને સારું ઘર જોઈ સાસરીયે વળાવવાની પળ પણ નજીક આવી રહી હતી. ધનશ્રી, રેવા, લબ્ધી, લાવણ્યા અને રાજવી મળ્યા અને આગળની રણનીતિનો વિચાર કર્યો. રાજવી તેના નિર્ણયમાં મક્કક્મ હતી. તેને સૌને કહ્યું ,
ફ્રેડસ, આપણા માતા-પિતા અને રેવાના માસી એને સારી જગ્યાએ વળાવવા માંગે છે પણ એમની લાગણીઓ ને ઠેસ ના પોહ્ચે એ માટે આપણે છોકરાઓ જોવાના અને જે છોકરો આપણને મેચ થતો હોય તેને પહેલેથીજ આપણી પોલીસ ઓફીસર બનવાની અદમ્ય ઈચ્છા ની જાણ કરી દેવાની. જો છોકરો અને તેના પરિવારજનો રાજી હોય તો આપણે લગ્નની ચોરીએ સાત ફેરા ફરવા તૈયાર રેહવું જેથી લગ્ન આપણા મિશનમાં બાધક ના બને. મુશ્કેલીઓ તો આવવાનીજ પણ આપણે સૌને સાથે રાખી આપણા લક્ષ્ય સુધી પોહ્ચીશુજ એવો મને વિશ્વાસ છે. સૌ આ વાત સાથે સહમત થયા. અને એ પ્રમાણે શરુઆત કરી.છોકરાઓ આવતા ગયા. સુંદરતાની મૂર્તિ જેવી છોકરીઓ ને પરણવા સૌ તૈયાર હતા પણ જેવી પોલીસ ઓફીસર બનવાની વાત આવી સૌ આઘા-પાછા થવા લાગ્યા. તેમના આ અક્કડ વલણ સામે માતા-પિતા પણ મૂંઝાયા. જ્ઞાતિ ના સારામાં સારા છોકરાઓ પણ લગ્ન માટે તૈયાર નહોતા થઇ રહ્યા. કદાચ તેમના મનમાં ની જીવનસાથીની છબીમાં એકય છોકરીઓ ફીટ થતી નોહતી. આ બધા વચ્ચે રાજવીએ તેના પિતાએ પસંદ કરેલા ડોક્ટર યુવાન પર પોતાની પસંદગી નો કળશ ઢોળ્યો. આ યુવાને સંપૂર્ણ રીતે રાજવીને પોતાના મિશનમાં આગળ વધવાની સ્વતંત્રતા છે અને તે માટે પોતાના માતા-પિતા ને પણ મનાવવાની પોતાની તૈયારી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું. સમય જતા અનેક તકલીફો છતાં ધનશ્રી, રેવા, લબ્ધી, લાવણ્યા પણ પોત – પોતાની મરજી મુજબ પોતાનો ભાવિ ભરથાર મેળવવામાં સફળ રહ્યા. બધાએ પોતાની જ્ઞાતીનોજ મુરતિયો પસંદ કર્યો હતો. ચારેય સહેલીઓ એ એકજ તારીખે, એકજ મંડપ નીચે, ચાર ચોરી માં પોતપોતાના માતપિતાની મરજીથી અને પોતપોતાના સગા સ્નેહીઓની હાજરીમાં લગ્ન કર્યા અને લગ્ન માંડ્વેજ રાજવીએ ચારેય ભૂદેવોની હાજરીમાં પોતપોતાના પતિદેવો ને અને સાસુ સસરાને પોતાના પોલીસ ઓફીસર બનવાના સપનાને સાકાર કરવામાં સાથ – સહકાર આપવા પ્રતિજ્ઞા લેવડાવી..
જિંદગી સરળતાથી વહી રહી હતી. ચારેય નું સાસરું સુખી સમ્પન હતું પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઈ હતી. ચારેય સહેલીઓને પોતાની તૈયારીઓ પર વિશ્વાસ હતો. પેપર પણ સારા ગયા હતા. રિજલ્ટ આવતાની સાથેજ આનંદની એક લહેરખી પાંચેય સહેલીઓના ચેહરા પર અને તેમના પરિવારજનોના હૃદયમાં અંકિત થઇ ગઈ પાંચેયે જરૂરી માર્ક્સ સાથે પરીક્ષામાં પાસ જાહેર થઇ હતી.. પોલીસ ઓફીસર બનવાના તેમના સપના ને સાકાર થવામાં ફક્ત બે પગથીયા બાકી હતા. એક ઈન્ટરવ્યું અને બીજું પોસ્ટિંગ. પાંચેય સહેલીઓને તેમના સમાજમાં સન્માનવામાં આવી. જે યુવાનોએ લગ્ન વખતે તેમની લાગણીઓને ના સમજીને તેમનો અસ્વીકાર કરેલો તેઓ પણ હવે મનમાં ને મનમાં પસ્તાઈ રહ્યા હતા. પાંચેયની મેહનત રંગ લાવી હતી અને સાથે સાથે તેમના કુટુંબીઓ નું સમર્પણ પણ. રાજવીએ તેના જ્ઞાતિના સન્માન સમારંભમાં આ પ્રમાણે કહ્યું….
સુજ્ઞ જ્ઞાતિજનો,
સાદર પ્રણામ, આજે સમાજની પેહલી પોલીસ ઓફીસર બનવા જઈ રહી છું ત્યારે જીવન ના દરેકે દરેક સમયે માત્ર મેહનત અને સંઘર્ષ કર્યો છે. અને હું એ પણ જાણું છું કે કદાચ આનાથી વધારે સંઘર્ષ કરવાની ઘડી હજી જીવનમાં આવવાની છે. જાહેર જીવન માં રહીને સમાજની, રાજ્યની અને રાષ્ટ્રની સારામાં સારી સેવા કરતા મારા પ્રાણોની આહુતિ આપવાની પણ મારી તૌયારી છે. જીવનના દરેક સારા નરસા પ્રસંગો માં સદૈવ મારો સાથ આપવા બદલ હું મારા માતા – પિતા અને માતા – પિતાથી પણ અધિક એવા મારા સાસુ – સસરા અને મારા પ્રાણ સમા મારા પતિદેવ ની હું આજીવન ઋણી છું. સમાજની અન્ય દીકરીઓને પણ તેમના માતા-પિતા ખૂબ ભણાવે અને સમાજમાંથી બળ લગ્ન, દહેજ પ્રથા નાબુદ થાય, યુવાનો પણ ભણી ગણી આગળ વધે અને દારૂ જુગારની બદીઓ દુર થાય ટે માટે સમાજ એક થાય તેવી સૌને પ્રાર્થના. આ બધી બદીઓ દૂર કરવા હું પણ કટિબદ્ધ છું – જય ભારત.
તાલીઓના ગડગડાટ સાથે સૌએ તેના વક્તવ્ય ને વધાવી લીધું અને સજળ નેત્રો સાથે રાજવી તેના માતા-પિતા અને પરિવારજનો ને વંદન કરી રહી હતી. પરિવારજનો ના સાથ અને સહકાર વગર મંઝીલ પામવી ખરેખર મુશ્કેલ અને અસંભવ હતી.
ધનશ્રી અને રેવાની પણ આજ કહાની હતી જયારે લબ્ધી અને લાવણ્યા ના માતાપિતા અને પરિવારજનો બેવડી ખુશી માં તરબોળ હતા આજે પ્રોફેસર વિદ્યાભરતી ની બંને દીકરીઓ સારામાં સારી વિદ્યા પ્રાપ્ત કરી માં ભરતીની સેવામાં સમર્પિત થવા સુસજ્જ હતી જેનો આનંદ અને ગર્વ આ પ્રોફેસર પિતાના ચેહરા પર તેજ સ્વરૂપે ઝળકતો હતો.
સમય જતા આ પાંચેય સબળા નારીઓએ રાજ્ય સરકારમાં ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે કાર્યરત થઇ અને પુરુષપ્રધાન સમાજમાં પોતાનું આગવું સ્થાન આગવી હરોળમાં શોભાવ્યું. પોતે સમાજના બંધનોની પરવાહ કર્યા વિના, પોતાની આગળ વધવાની જીદ અને મક્કમ મનોબળના આધારે રાષ્ટ્રની દરેક મહિલાઓને પોતાનામાં રહેલી શક્તિઓને ઓળખી આગળ વધવાની પ્રેરણા આપનાર શક્તિની અધિષ્ઠાત્રી દેવીઓના ચરણોમાં કોટી કોટી વંદન.