રીવા એક મધ્યમવર્ગની યુવતિ છે. મોટા શહેરમાં નવી નવી જોબ લાગી એટલે તેને થયુ કે પહેલા પગારમાંથી મમ્મી માટે કંઈક લઈ આપુ. બહુ વિચાર્યા પછી તેને થયુ કે મમ્મીએ આખી જીંદગી બીજા માટે જ વિચાર્યું છે, પોતે તો કોઈ દિવસ મોંઘી સાડી પણ પહેરી નથી. તેણે મમ્મીને ફોન કર્યો અને પુછ્યુ કે મમ્મી તારી પાસે મોંઘામાં મોંઘી સાડી કેટલાની હશે? તો મમ્મીએ જવાબ આપ્યો કે ૪૦૦-૫૦૦ની. હા, મારી પાસે એક સાડી છે જે ૩૦૦૦ની છે જે મેં તારા લગ્નમાં તને આપવા મૂકી રાખી છે. આટલુ સાંભળતાની સાથે રીવાનાં આંસુ છલકાઈ ગયા…તેણે ફોન મૂકી દીધો.
મારી મમ્મીએ ત્રણ ત્રણ સંતાનને મોટા કર્યા. ત્રણેનાં પગાર ભેગા કરો તો મહીનાનાં લાખ રૂપિયા કરતા પણ વધારે હશે અને અમને ત્રણેને ક્યારેય મમ્મીનો વિચાર જ ન આવ્યો…! તેણે બીચારીએ લોકોનાં કપડાં સીવી સીવીને અમને શુટ પહેરતા મોભીદાર બનાવ્યા. રીવા પગ ઉપાડતાની સાથે મેંગલોરની મોંઘામાં મોંઘી દુકાન પર પહોંચી. ત્યાં જઈને મમ્મી માટે ૫૦,૦૦૦ની સાડી પસંદ કરી. હા, ૫૦,૦૦૦ની…જેમે જીંદગીનાં ૫૦ વર્ષમાં કોઈ દિવસ ૫૦૦૦ની પણ સાડી પહેરી નથી તેનાં માટે ૫૦,૦૦૦ની સાડી તો લેવી જ છે, તેવા દૃઢ્ નિશ્ચયે તેણે ત્રણ ઈએમઆઈથી એ સાડી ખરીદી…
ભાઈનાં લગ્નનો પ્રસંગ આવ્યો અને રીવાએ મમ્મીનાં માથે આ સાડી ઓઢાળી… કિંમત કહી નહોતી… નહીં તો વધારે ધ્રાસકો લાગે… સાડી જોઈ મમ્મી ખુશ તો થઈ પણ કોણ જાણે કેમ તેનું મન કચવાતુ હતુ… રીવાનું મન રાખવા તેણે સાડી તો પહેરી પણ જાણે મન ભારે ભારે લાગતુ હતુ… એટલામાં સમાચાર આવ્યા કે માંડવે પપ્પાને છાતીમાં દુખાવો ઉપડ્યો છે અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા છે. મમ્મીએ તાબડતોબ સાડી બદલીને અમે હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરે કહ્યું ગભરાવાની જરૂર નથી હવે પપ્પા ઠીક છે. આ વાતની હજી થોડા દિવસ વિત્યા હતા ત્યાં એક દિવસ નાના કાકી ઘરે આવ્યા. આવતાની સાથે તેમણે કહ્યું કે દીકરીની સાસરીમાં પ્રસંગ છે તો તમારી પેલી કાન્જીવરમ સાડી પહેરવા આપોને જે રીવા તમારા માટે લાવી હતી. મમ્મીએ વીના સંકોચે સાડી કાઢીને આપી દીધી. સાથે મેચિંગ બંગડી પણ આપી.
કાકી સાડી લઈને બહેન પુષ્પાનાં ઘરે ગયા. કાકીની સાડી જોઈને પુષ્પાએ જીદ કરી કે મારે તો આજ સાડી પહેરવી છે. કાકીએ પુષ્પાને સાડી પહેરાવી. નવા ઘરનું વાસ્તુ હતુ… પુષ્પા તૈયાર થઈને રૂમમાં જમાઈને બોલાવા ગઈ કે ચલો મહેમાન આવવા લાગ્યા છે… પણ આ શું… જમાઈ તો હલ્યા જ નહીં… આમ… અચાનક… અકાળે… મૃત્યુ…?
પુષ્પાએ કાન્જીવરમ સાડી કાઢીને સફેદ સાડી પહેરાવી અમે રવાના થયા… આખે રસ્તે મમ્મીને વિચિત્ર ખયાલો આવતા હતા… મમ્મીએ ઘરે પહોંચતાની સાથે જ રીવાને કહ્યું કે તું પેલી કાન્જીવરમ સાડી પાછી આપી આવ…. કોઈને વેચી દે અથવા તો પધરાવી દે… પણ જટ તેનો નીકાલ કર… મને મારા ઘરમાં આ સાડી નથી જોઈતી… રીવા વિચારમાં પડી ગઈ કે અચાનક શું થયુ મમ્મીને…! બરાબર તે દિવસે રીવાની બોસ મીસીસ ત્રિપાઠી ઘરે આવ્યા. રીવા સાથે બેઠા અને ઓફિસનું કામ પતાવ્યુ. બોસે રીવાને પુછ્યું કે મને પેલી કાન્જીવરમ મોંઘી સાડી તો બતાવ જે ખરીદવા તે પગારનાં હપ્તા બાંધ્યા હતા. રીવાએ સાડી બતાવી. મીસીસ ત્રિપાઠી સાડી જોઈને આભા બની ગયા અને બોલ્યા બોલ કેટલામાં આપવી છે મને આ સાડી…. આ સાડી માટે હું મોં માંગી કિંમત આપી શકું… રીવાએ પ્રશ્ન કર્યો કે મેડમ તમે ઈચ્છો તો આવી સાડી દુકાનમાંથી લઈ શકો છો, તો પછી તમારે મારી પાસેથી સેકન્ડહેન્ડ સાડી શું કામ લેવી પડે… ત્યારે મેડમે કહ્યું કે આ મારા પતિનો ફેવરિટ કલર છે એટલે હું આ સાડી જતી કરવા નથી માંગતી… રીવાએ સાડી અડધી કિંમતમાં બોસને આપી દીધી. હવે મમ્મીનાં જીવમાં પણ જીવ આવ્યો. મમ્મી રીવાને કહેવા લાગી કે માન કે ન માન આ સાડી અપશુકન્યાળ છે… જેણે આ સાડી પહેરી તેનો સુહાગ ખતરામાં પડ્યો… હું તો કહું છું કે તારી મેડમને પણ ના પાડી દે કે આ સાડી ના પહેરે… રીવા હસવા લાગી… શું મમ્મી તું પણ આવી અંધશ્રધ્ધાઓ રાખે છે…
રીવા તેનાં ઘરમાં મમ્મી સાથે ચા પી રહી હતી ત્યાં ફોન રણક્યો કે તમારે અચાનક ઓફિસનો હવાલો સંભાળવો પડશે કેમકે બોસનાં પતિ મૃત્યુ પામ્યા છે એટલે મેડમ ક્યારે આવે એ નક્કી નહીં…. રીવા મોબાઈલનાં અપડેટમાં જુએ છે તો મેડમે રાત્રે જ તેને ફોટો મોકલ્યો હતો જેમાં તેમણે પેલી કાન્જીવરમ સાડી પહેરેલી છે….!!!
-પ્રકૃતિ ઠાકર