ટિકિટ…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘મમ્મી દાદા પણ આવશેને આપણી સાથે બાહુબલી-2 જોવા.’ રોહિતે બાળ સહજ ભાવે પૂછયું.

મમ્મી ધીમે રહીને બોલી, ‘ના દાદાનું કંઈ કામ નથી. હવે દાદાની ઉંમર નથી મુવી જોવાની અને ટિકિટની કિંમત પણ 300 રૂપિયા છે.’

દરવાજાની કોરમાંથી વસંતકાકા સંવાદ સાંભળી ગયા.

પોતાના રૂમમાં આરામ ખુરશીમાં બેઠા બેઠા એક અકળાવતા દર્દને કળવાના પ્રયત્નરૂપે સ્વગત જ બબડયા.. શું હું વૃધ્ધ થઈ ગયો એટલે મારામાં કોઈ વેદના સંવેદના ના રહી? શું હું હવે ફિલ્મો ન જોઈ શકું? હજારોના ડોનેશન આપી એન્જીન્યર બનાવ્યો તેની પાસે મારા માટે 300 રુ. ના હોય? બોલતા બોલતાં ભૂતકાળમાં સરી ગયા…

પોતે આનો આનો કરી ભેગા કરેલા ત્રણ રૂપિયા માંથી પોતાના ખાસ મિત્ર સાથે જોવા ગયેલા દિવાર ફિલ્મ. શું ફિલ્મ હતી! ફરી એજ આનંદ વસંતકાકાના ચહેરે ડોકાયો…

કબાટમાંથી જૂની ડાયરી હાથમાં લઈ પાનાં ફેરવતાં જીવનની પ્રથમ જોઈલી ફિલ્મની સાચવી રાખેલી ટિકિટ જોતાં પળવાર માટે જુવાનીના દિવસોને યાદ કરી એક નિસાસા સાથે ફરી ટિકિટને ડાયરીમાં મૂકી કબાટ બંધ કરતાં લોકર વાળા ખાના ઉપર નજર ગઈ. જે ખોલતાં તેમાંથી એક રૂમાલની પોટલી મળી જેમાં છુટાછવાયા 500 રૂપિયા નીકળ્યા. આ શાંતાબાની બચત લાગતી હતી.

અચાનક વસંતકાકાને પોતાની ઢળતી ઉંમરનો ખ્યાલ આવતાં એકવાર ફરી જિંદગી જીવી લેવાની ઈચ્છા થઇ અને સવારે 10ના ટકોરે ફોન જોડ્યો…

Guest Author :
પ્રીતિ ભટ્ટ ‘પ્રીત’ (નવસારી)

Share This Article