શહેર આખામાં એકજ ચર્ચા છે. સાધ્વીજીના આશીર્વાદ મળે તો બેડો પાર થઇ જાય. સંધ્યા આરતી પૂંજા પછી સાધ્વીજીના આશીર્વાદ હંમેશાં ફળે છે આ તો સાક્ષાત મા ની કૃપા હોય તો જ આમ બને.
વિશાળ મંડપ નીચે બેઠેલ મેદનીને સંબોધતાં સાધ્વીજી સાક્ષાત કરૂણાની દેવી જેવાં બનીને ધર્મના માર્ગે નીતિ પૂર્વક ચાલવાની તેમની અમૃત સભર વાતોમાં સૌને વણી લેતાં હતાં.ઉપરાંત સાંજથી જ આશીર્વાદ મેળવવા ભક્તોની લાંબી લાઇનો થઇ જતી. બધાના માથે હાથ મુકી સાધ્વીજી આશીર્વાદ આપતાં. દરેક પોતાની તકલીફો સમસ્યાઓ દૂર કરવા આજીજી કરતાં અને સાધ્વીજી દરેકને માથે હાથ મુકી કઇંક સૂચન આપતાં.એજ લાઇનમાં વયોવૃદ્ધ એવા એક વ્યક્તી સાધ્વીજીના આશીર્વાદની ઇચ્છાએ લાઇનમાં ઉભા છે. તેનો વારો આવ્યો ત્યારે સાધ્વીજી એ કહ્યું. વડીલ હું આપને અહીં આશીર્વાદ નહીં આપી શકું મારે આપના નિવાસ સ્થાને આવી આશીર્વાદ આપવા પડશે. સાધ્વીજીના આ શબ્દોથી વયોવૃદ્ધને આશ્ચર્ય તો થયું. છતાં પણ સાધ્વીજીને તેમણે ઘરે પગલાં પાડવા વિનંતી કરી.
સાંજના નિત્યક્રમની સંધ્યા આરતી પતાવી પોતાની વૈભવી ગાડીમાં શિષ્યો સાથે શહેરના પોશ વિસ્તારમાં રહેતા પેલા વયોવૃદ્ધને ત્યાં શિષ્યોને બહાર બેસવાની સુચના સાધ્વીજી એ ઘરમાં પ્રવેશ કર્યો, સૂનો બંગલો એકલો અટૂલો રહેતો વયોવૃદ્ધ પરદેશમાં રહેતો તેમનો પરિવાર અને લાચારીથી પીડાતા વયોવૃદ્ધે સાધ્વીજીને મોંઘાડાટ સોફા ઉપર બેસાડી પોતે સાધ્વીજીના પગમાં નીચે બેઠા..
સાધ્વીજી બોલ્યા બોલો સાહેબ શું આશીર્વાદ જોઇએ..!!, અને વુદ્ધે કહ્યું બસ આ ઘર મારૂં ફરી હર્યુભર્યુ થાય એવા આશીર્વાદ આપો, દિકરો અને વહુ પરદેશ ચાલ્યાં ગયાં છે. મારી પત્નિ તેના બાળકોને સાચવવા એ પણ સાથે ચાલી ગઇ છે. દિકરો મને લઇ જવાની ના પાડે છે. ફરી આ મારૂં ઘર હર્યુભર્યુ થાય એવા આશીર્વાદ આપો મા !! સાધ્વીજીએ પોતાના માનસપટ પર છવાયેલી વર્ષો જુની યાદો તાજી કરાવી કહ્યું..સાહેબ હું આરોગ્ય વિભાગની કર્મચારી હતી અને આપ મારા તેમજ આખા જિલ્લાના અધિકારી સાહેબ હતા. જિંદગીની કિતાબના પાછલા વર્ષોનાં પાનાં ખોલો સાહેબ, આપશ્રીએ મને ક્યાંયની રહેવા દીધી ન હતી. પ્રમોશનની લાલચોમાં મે આપને મારા શરીરથી જિંદગીની ખુબ મોટી કિંમત ચુકવી હતી. છતાં તમે તમારા અંગત સ્વાર્થ ખાતર મને ત્યાંની ત્યાંજ રાખી હતી. હાથ જોડી જોડી હું આપને દરેક વખતે આજીજી કરતી રહી હતી.મારે પણ મારા પરિવાર સાથે રહી સંસાર વસાવવો હતો. એ પણ તમે ના થવા દીધું અને છેવટે..નોકરી..છોડી હું સાધ્વી બની..!! સાધ્વીજીએ વૃદ્ધને કહ્યું તમે તો મને પ્રમોશન ન આપ્યું પરંતું !!! ….ઇશ્વરે..!!!
જુઓ આજે હજારો લોકો મારા પગમાં માથું નમાવી પગમાં પડે છે..એમાં તમારાથીય ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ પણ હોય છે. અને સાધ્વીજીએ વયોવૃદ્ધને મૃદુ હાસ્ય સાથે જરીક ઠોકર મારી ગાડીમાં બેસી ગયા.. ગાડીમાં રેડીયો મિર્ચી એફ.એમ. પર ગીત વાગતું હતું
જીંદગી કે સફરમેં ગુજર જાતે હેં જો મુકામ
વો ફીર નહીં આતે.,…..વો ફીર નહી આતે
લેખકઃ ડૉ પિનાકીન પંડ્યા