ધૃતરાષ્ટ્ર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

છે કોઈ? અરે! હું કહું છું, છે કોઈ?

હું આ વનવાસમાં ક્યાં ખોવાઈ ગયો? એક તરફ આ જંગલમાં લાગેલી આગના લીધે શરીર બળે છે; જ્યાં ત્યાં અથડાઉ છું.

અરે! કોઇ મને સાંભળે છે કે નહીં? મુજ અંધની કોઇ તો મદદ કરો.લાગે છે હવે મારી છેલ્લી ઘડી છે.આજે આ જંગલમાં લાગેલી આગમાં જ મારો અગ્નિસંસ્કાર થશે. (રડતા રડતા)

મુજ પાપીને દંડ મળવો જ જોઇએ.શા માટે દંડ ના મળે? મેં કર્મો જ એવા કર્યા છે.

(ગુસ્સામાં)મને એમ કે હું જન્મથી જ અંધ છું પણ આજે ખબર પડી કે હું તો મારા કર્મોથી પણ અંધ છું. શું હું અધર્મી છું? પછી સમજ્યો કે અંધ છું એ ખામીને લીધે મને રાજા બનાવવામાં ન આવ્યો.આ શું મારા સાથેનો અન્યાય નથી? શું આજે પણ આ કળિયુગ માં આંખે જોવા પહેલું માની લેવામાં આવે છે? (ગુસ્સામાં)

શું હું સ્વાર્થી છું? બોલો; મને કહો. (બૂમ પાડીને)
શું કોઇ પણ પિતા તેના પુત્રોનું ના વિચારે? આ સ્વાભાવિકતા એક પિતામાં ન હોય?
બોલો છે કોઇ પિતા જે પોતાના સંતાન માટે મૃત્યુ કે સજા ઇચ્છે છે?
છું હું અંધ, પુત્રનાં પ્રેમમાં. પણ શું ખોટું છે?
વિદુર ક્યાં ગયો? બોલ વિદુર, વિદુર મને જવાબ આપ.
જ્યારે હું મારી વેદના ઠાલવવા બેઠો છું ત્યારે ક્યાં છો તમે બધાં?
(રડતાં રડતાં)(થોડીવાર રહીને, મોઢા પર આશ્ચર્ય સાથે)

હે ભગવાન! મારું મન વિચલીત કેમ છે?

પાંડવોને ન્યાય મળવો જ જોઇએ પણ સત્તા માટે ભાઇઓ-ભાઇઓ વચ્ચે યુદ્ધ યોગ્ય છે? શું આ યુદ્ધ હું રોકી શકતો હતો?
આજે એ વાત મારા હ્રદયમાં ખૂંચે કેમ છે? પ્રભુ,હે પ્રભુ!(દાંત મીસીને)

ધૂતક્રિડામાં મારું મૌન એ મારા કર્મોની સજા છે? હા, છે.થયું છે મારાથી પાપ.છું હું એ સ્ત્રી અને પુત્રો પર થયેલા અત્યાચારમાં ભાગીદારી.

મારા સો પુત્રો હણાયા છે.શું એક પિતા તરીકે મેં કાંઇ જ નથી ખોયુ.એમ માને છે વિદુર તું? તો સાંભળી લે યુદ્ધમાં સૌથી વધારે હાનિ મારા ભાગે જ આવેલી છે અને એ વાંસળીવાળાની લીલા હું સમજી ગયો હતો પણ હું તો અંધ હતો.જે જોઇ શકતાં હતાં એ પણ તો ચૂપ જ હતાં.
સમાજમાં થતાં અન્યાયની સજા મળવી જોઇએ.પણ મારી સાથેના પક્ષપાતનું શું? હે ઇશ્વર! તે શા માટે મને અંધ બનાવ્યો છે? મારી ભુલ શું છે? શું છે મારી ભુલ?

(વિદુર, એ વિદુર, કરતાં અગ્નિમાં પ્રવેશ)

Guest Author
~ વિનય શિલુ

Share This Article