૧૮ વર્ષની આકાંક્ષા પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કાન પર ફૉન રાખીને બેચેનીથી આમતેમ ચાલી રહી હતી. લગભગ સાત-આઠ મિનીટથી સર્વિસ પ્રોવાઇડર કંપનીના કસ્ટમરકૅર એક્ઝેક્યુટીવની રાહમાં ફૉન ચાલુ રાખેલો. અચાનક વેઈટિંગ પૂરું થયું અને સામા છેડેથી અવાજ આવ્યો…
“ગુડ ઈવનિંગ મૅમ! ઈઝીફૉન કસ્ટમર કૅર સૅન્ટરમાં આપનું સ્વાગત છે. હું- સ્વપનિલ આપની શું સહાયતા કરી શકું?”
આકાંક્ષા એક ઉંડો શ્વાસ લઈને એની આદત પ્રમાણે એકધારું બોલવા માંડી.
“અરે યાર! હમણાં અડધો કલાક પહેલા મારા પ્રિપેઈડ કાર્ડમાંથી ૩૫૦ રૂપિયા સાવ અમસ્તા જ ઉડી ગ્યા. કોઈ જાતની સ્કીમુ મારે ચાલુ નથી. કોઈ આડા અવળા બટન હું દબાવું ય નહીં તો ય આ રીતે કાંઈ પૈસા કપાય ઈ હાલે? મારી પૉકેટ મની આખા મહીનાની ૭૫૦ રૂપિયા છે. હવે એમાં હું ૩૫૦ રૂપિયા ફૉનની સ્કીમુ પાછળ નાખું?”
સામા છેડેથી એક સિસ્ટમેટીક અને પ્રોફેશનલ પ્રતિભાવ આવ્યો.
“જી. હું આપને એક મિનીટ માટે હૉલ્ડ પર રાખું છું. માફ કરશો. હું અમાઉન્ટ ડીડક્ટ કેમ થયું એ જોઈ આપું છું.”
અડધી મિનીટ ફરી પાછું એ જ કંપનીના અલગ અલગ પ્લાન્સ અને વૅલ્યુ ઍડેડ સર્વિસીસની કેસૅટ વાગી.
ફરી એક્ઝેક્યુટીવ બોલ્યો,
“જી, હૉલ્ડ પર રહેવા બદલ આપનો આભાર અને આપના નંબરમાં ઈન્ટરનેટ ફૅસેલીટી શરુ કરવામાં આવી છે. જેના આધારે ૩૪૯ રૂપિયા ડિડક્ટ કરવામાં આવ્યા છે.”
આકાંક્ષા અકળાઈને બોલી,
“અરે! મેં નથી કરાવી કોઈ સ્કીમ ચાલુ. આપ તરત જ આ સ્કીમ બંધ કરાવો અને મારા ખાતામાં પૈસા જમા કરાવો. બસ!”
“જી. હું તપાસ કરાવું છું. સેવા શરૂ કર્યાના ૩ કલાક સુધીમાં રદ કરાવો તો ડીડક્ટૅડ અમાઉન્ટ ફરી જમા થઈ શકે.” એકઝેક્યુટીવ બોલ્યો.
આકાંક્ષા ખુશીથી કહેવા લાગી,
“યાઆઆઆઆર! તો તો સારું. તમે પ્લીઝ આમાં થોડું પર્સનલી ધ્યાન આપીને ૩૫૦ રૂપિયા છોડાવી દ્યો ને! મને ચાઈનીઝ ભેળ બહુ ભાવે. મારે એના ઘટશે નહીંતર. કૉલેજમાં બધા ખાશે તો મારે ખાલી જોવાનું!?”
એ જ એકસરખો અવાજ સામેથી ઍક્ટીવેટ થયો.
“જી જરૂર! આ સિવાય હું આપની કોઈ સહાયતા કરી શકું?”
“ના.”
“ઈઝીફૉનમાં કૉલ કરવા બદલ આભાર. આપની સાંજ શુભ રહે.”
“સૅમ ટુ યુ. થેંક યુ.”
ફૉન મુકાયાની વિસેક મિનિટ પછી આકાંક્ષાના ફૉન પર એક મૅસેજ આવ્યો. જેમાં લખેલું હતું એ મુજબ ૩૫૦ રૂપિયા ફરીથી પ્રિપેઈડ બૅલેન્સમાં આવી ગયેલા.
આકાંક્ષા નિરાંતે રાતનું ભોજન લઈ રહી હતી અને એનો ફૉન રણક્યો. એને અજાણ્યો નંબર ઉપાડ્યો.
“હૅલો!”
“જી, આકાંક્ષા ઉપાધ્યાય?”
“જી, બોલું છું.”
“જી, હું સ્વપનિલ બોલું છું.”
“સ્વપનિલ! મારા ૩૫૦ છોડાવ્યા એ?”
“હા. એ જ સ્વપનિલ.” સ્વપનિલ હસવા લાગ્યો. આ વખતે સંવાદ અને સ્મિત બંને પર્સનલ હતાં. પ્રોફેશનલ નહીં.
હસવું બંધ કરીને સ્વપનિલ બોલ્યો,
“આકાંક્ષા જી, અઢી વર્ષથી કૉલ સૅન્ટરમાં કામ કરું છું. તમારા જેવી નિખાલસ રજૂઆત કોઈએ નથી કરી. અવાજમાં પણ એક રણકો છે સહજતાનો…
મારી કંપનીની પૉલિસીની વિરુદ્ધમાં જઈને હું તમને મારા પર્સનલ નંબર પરથી ફૉન કરું છું. તમે ફરિયાદ નોંધાવીને મારી નોકરી પણ બંધ કરાવી શકો.”
આકાંક્ષાને શું બોલવું એ સમજાયું નહીં. મૌનની અસુવિધા ભરવા સ્વપનિલ ફરી બોલ્યો,
“હું અમદાવાદથી છું, અને તમે?”
“રાજકોટ.”
“ઑહકે… હું M.B.A. (Human Resources) ના ફાઈનલ સૅમૅસ્ટરમાં છું અને કૉલ સૅન્ટરમાં પાર્ટ ટાઈમ જૉબ કરું છું અને તમે?”
“થર્ડ યર, બી.એ. (અંગ્રેજી).”
“ઓહકે.. તો તો તું નાની! હું તુંકારો દઈ જ શકું.”
“હા બૌ સારું. તો હું ય તુંકારો જ આપીશ. અને તને પર્સનલી ધ્યાન આપવાનું કીધું તો તેં ખરેખર બહુ વધારે પર્સનલી ધ્યાન આપ્યું હો યાર!”
બંને ખડખડાટ હસી પડ્યા.
દિવસો વિતતા ગયા. આકાંક્ષાએ એક નિયમ બનાવેલો કે સ્વપનિલ માત્ર દર શનિવારે જ ફૉન કરી શકે અને એ પણ ૧૦ થી ૧૫ મિનીટ માટે જ. સ્વપનિલ ખૂબ જ પ્રામાણિકતાથી આ નિયમને અનુસરતો. શનિવારે જ ફૉન કરતો અને શનિવારે અચૂક ફૉન કરતો.
આકાંક્ષા બધી બાબતો વિશે ચર્ચા કરતી જ્યારે સ્વપનિલ પોતાના પરિવાર સિવાયના તમામ વિષયો પર. એક વર્ષના લગભગ દરેક શનિવાર વાત કર્યા પછી પણ આકાંક્ષા સ્વપનિલની અટકથી અજાણ હતી. એ જાણવાની ઈચ્છા કે જરૂર પણ ન હતી.
એક બહુ જ અવાજ વગરનો અને બિન-ઉપદ્રવી સંબંધ બંને પક્ષ માણી રહ્યા હતા એ ચોક્કસ હતું.
સમય પસાર થયો અને આકાંક્ષાના જીવનમાં એક પુરુષનું આગમન થયું. આકાંક્ષાએ સ્વાભાવિક પણે સ્વપનિલને પણ આ પ્રણય સંબંધની જાણ કરી. એ બહુ ખુશ થયેલો.
“મને પણ તારા જેવી કોઈ શોધી આલ ને!” એક વખત ફૉનની વાતચીત દરમિયાન એને મજાક કરી. આકાંક્ષાએ વળતી મજાકમાં કહ્યું કે,
“તારાથી હું પટી નૈ યાર. મારા જેવી કેમ પટાવીશ? તું ફૉનમાં વાતો સિવાય ખાસ કાંઈ કરે એમ નથી. આટલામાં જ રાજી રેવાનું તારા નસીબમાં છે.”
હંમેશાં જે રીતે હસી પડતા એમ બંને ખખળી રહ્યા અને શનિવારે ફરી ફૉન પર મળવાના સહજ ‘આવજો’ સાથે ફૉન મૂકાયો.
એક શનિવારે આકાંક્ષા અને પુરુષ બગીચામાં બેઠા હતા અને સ્વપનિલનો ફૉન આવ્યો. આકાંક્ષાએ હંમેશાની જેમ વાતો કરી અને ફૉન મૂકાયો. આકાંક્ષા હિચકે ઝૂલતા બાળકોને જોતી-જોતી હરખભેર પુરુષ પાસે વ્યક્ત થવા માંડી.
“મેં આ દોસ્તને ક્યારેય જોયો નથી… કદાચ આપણા લગ્નમાં પહેલી વાર મળશું અમે.. મને વિશ્વાસ છે એ લગ્નમાં જરૂર આવશે…
નજીવા પ્રયાસથી આ સંબંધ સતત ધબકતો રહ્યો છે અને તને ખબર છે…!”
આકાંક્ષાએ બોલતા બોલતા અચાનક પુરુષ તરફ જોયું અને અટકી ગઈ. પુરુષનો ચહેરો તરડાયેલો હતો અને અણગમો દેખાય આવતો હતો.
આકાંક્ષાએ પૂછી નાખ્યું,
“શું થયું?”
“કાંઈ નહીં..” પુરુષ અકળામણ સાથે બોલ્યો.
“અરે! બોલ ને યાર!”
“તું આ રીતે અજાણ્યા, અમદાવાદી છોકરા સાથે બોલે, એ મને જરાય ગમતું નથી.”
“અરે! એ અજાણ્યો નથી. એ સ્વપનિલ છે. અને અમદાવાદી હોવાથી શું?”
“એ મને ખબર નથી. હું તને સમજાવીશ નહીં. બસ, તું બોલ મા!”
“પણ, અમે ક્યારેય મળ્યા ય નથી. જોયા ય નથી એકબીજાને..”
પુરુષ વાત કાપીને જરાક ઉચ્ચા શ્વરમાં બોલ્યો,
“…પણ બણ કાંય નહીં. તું મારું નહીં માને તો હું પણ મને ફાવે એમ કરીશ..”
આકાંક્ષા રડમસ અવાજે બોલી,
“અમે મળ્યા ય નથી..”
પુરુષે કટાક્ષનું ઝેર ઓક્યું,
“છતાંય આટલો પ્રેમ કે તું સંબંધ તોડવા તૈયાર નથી. વાહ!”
“પણ તોડવાની જરૂર શું છે? એ તો કે’..!”
“એ બધી મને નથી ખબર. તું એને છોડે છે કે મને?” પુરુષના અવાજની સપાટી પર માલિકીભાવ હાથ-પગ પછાડીને તરતો હતો.
આકાંક્ષા બોલી, “મેં, એને કે એને, મને ક્યારેય બાંધ્યા જ નથી. તો છોડું ય શું? અમે બંધાયેલા નથી. જોડાયેલા છીએ યાર. સમજ ને! પ્લીઝ!”
પુરુષે તર્ક અને સંવેદનાઓની હાજરી ફગાવીને સ્પષ્ટ વાત કરી.
“જો આકાંક્ષા! હું તારી ફિલોસોફીમાં તને નહીં પહોંચુ. વાતોમાં તને કોઈ પહોંચી નથી શકતું. મને એટલી જ ખબર પડે કે મારે તારી સાથે લગન કરવા છે. તારે ઘણા મિત્રો છે પણ આ અમદાવાદી લફંગો મારા મગજમાં નથી બેસતો.”
આકાંક્ષાને હવે કંઈ જ બોલવું નિરર્થક લાગ્યું.
સામા શનિવારે જ્યારે સ્વપનિલનો ફૉન આવ્યો ત્યારે આકાંક્ષાએ વિગતવાર વાત કરી. સ્વપનિલે માત્ર એટલું જ કહ્યું કે, “મારે તને જોવી તી, બકા! એકવાર મળને લ્યા! પછી નહીં બોલીએ.. બસ!”
આકાંક્ષા પુરુષને નાખુશ કરવા માંગતી ન હતી એટલે ચૂપ રહી. સ્વપનિલની સમજદારી અને આકાંક્ષાની પુરુષને ખુશ રાખવાની ઘેલછાએ આ મિત્રતામાં બોલવા જેવું કશું ય ન રાખ્યું.
નવા સંબંધનો ઘોંઘાટ અને આગ જૂના સંગીતમય અને ટાઢા સંબંધને બાળીને મૂંગો કરી જ દે એમ આ સંબંધ પણ મરી પડ્યો.
લગભગ સિત્તેર જેટલા શનિવાર બંને મિત્રો એ વાતો કરેલી. સ્પોર્ટ્સ, ફિલસૂફી, રાજકારણ, સંબંધો, સંભોગ, સાહિત્ય તો ક્યારેક માત્ર ગપ્પા… ઘણા ઘણા ટૉપિક્સ ચર્ચાયેલા.. અયોગ્ય કહી શકો એવું તો આ સંબંધમાં ક્યારેય કંઈ બન્યું જ ન હતું.
સ્વપનિલએ પછીથી ફૉન ન કર્યો જે એના પક્ષેથી કેળવેલી સમજણ હતી.
સમય પસાર થતો ગયો. આકાંક્ષાએ પુરુષ સાથે લગ્ન કર્યા. બદલાતા સમય સાથે આકાંક્ષાનો ફૉન નંબર પણ બદલાઈ ગયો.
આકાંક્ષા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે ખુશ-ખબર આપવા માટે જૂની ડાયરીમાંથી સ્વપનિલનો નંબર શોધીને ડાયલ કર્યો પણ સંબંધની જેમ નંબરનું અસ્તિત્વ પણ રહ્યું ન હતું.
રસ્તા પરથી કદાચ બંને મિત્રો સામસામેથી પસાર થઈ જાય તો પણ એકબીજાને ઓળખી ન શકે. સ્વપનિલ એ કહેલું કે એ એમ.બી.એ. પૂરું કરીને વિદેશ સ્થાયી થવા માંગે છે પણ તો ય ક્યારેક કસ્ટમર કૅરમાં ફૉન કરતી વખતે આકાંક્ષાથી એક જાણીતા અવાજની આશા સેવાય જાય છે જે અવાજને સાંભળ્યે આજે દસેક વર્ષ થયા છે.
Guest Author
– ‘ભાર્ગવી’ પુરોહિત