અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પત્રકારો પર વધી રહેલા હુમલા અને હિંસક ઘટનાઓને લઇ રાજયભરના પત્રકાર આલમમાં ભારે નારાજગીની સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, ત્યારે સમાજમાં નાગરિકોના પ્રશ્નો અને લોકહિતની સમસ્યાઓને વાચા આપતાં પત્રકારોની સુરક્ષાના સંવેદનશીલ મુદ્દાને લઇ આજે અમદાવાદ શહેરની પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યોએ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘની ખાસ મુલાકાત લીધી હતી.
વરિષ્ઠ પત્રકારો હરિભાઇ દેસાઇ, પદ્મકાંતભાઇ ત્રિવેદી, ડો.ધીમંત પુરોહિત, દર્શના જામીનદાર અને અભિજીત ભટ્ટ સહિતના પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનરની રૂબરૂ મુલાકાત લઇ ટીવી નાઇન ચેનલના પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મૃત્યુ કેસ ઉપરાંત પત્રકારો પર થઇ રહેલા હુમલા અને તેમની પરની હિંસક ઘટનાઓ સહિતના સમગ્ર મામલે વિસ્તૃત રજૂઆત કરી હતી. લગભગ ૫૦ મિનિટ સુધી ચાલેલી બેઠકમાં પોલીસ કમિશનર એ.કે.સિંઘે પણ પત્રકાર સુરક્ષા સમિતિને શાંતિથી સાંભળ્યા હતા અને પત્રકારોની સુરક્ષા મુદ્દે યોગ્ય ખાતરી અને હૈયાધારણ આપ્યા હતા.
પોલીસ કમિશનર સિંઘે પત્રકારો અને પોલીસ સમાજની સેવા અને લોકહિતની સુરક્ષામાં એકબીજાના પૂરક હોવાનો હકારાત્મક અભિગમ વ્યકત કરી ચિરાગ પટેલના કેસમાં પણ તટસ્થ અને ન્યાયી તપાસની ખાતરી ઉચ્ચારી હતી. પત્રકારો પર હુમલા અને હિંસક ઘટનાઓના મુદ્દે તેમ જ ખાસ કરને ટીવી નાઇન ચેનલના પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોતની ઘટનાને લઇ તટસ્થ તપાસની માંગ સાથે આજે અમદાવાદ પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘને રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સમિતિના સભ્યો એવા વરિષ્ઠ પત્રકારો હરિભાઇ દેસાઇ, પદ્મકાંતભાઇ ત્રિવેદી, ડો.ધીમંત પુરોહિત, દર્શના જામીનદાર અને અભિજીત ભટ્ટ સહિતના પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનરનું પત્રકારોની સુરક્ષાના સંવેદનશીલ મુદ્દે ધ્યાન દોર્યું હતું. ચિરાગ પટેલના કિસ્સામાં પણ ઝડપી અને ન્યાયી તપાસની પત્રકારોએ માંગણી કરી હતી.
સમાજમાં લોકપ્રહરીની ભૂમિકા ભજવતા અને પ્રજાની વેદનાને વાચા આપતાં પત્રકારો પરના હુમલા અને આવી ઘટનાઓ નિંદનીય અને વખોડવાને પાત્ર હોવાનું પણ પ્રતિનિધિમંડળના પત્રકાર સભ્યોએ પોલીસ કમિશનરને ભારપૂર્વક જણાવ્યું હતું. પત્રકારોની સુરક્ષા માટે પોલીસતંત્ર તરફથી પણ ખાસ વ્યવસ્થા અને અસરકારક તંત્ર ઉભુ કરાય તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. દરમ્યાન પોલીસ કમિશનર એ.કે.સિંઘે પણ પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યોને હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય હૈયાધારણ આપી હતી. ખાસ કરીને ચિરાગ પટેલના કિસ્સામાં હજુ તપાસ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી હોઇ અને હજુ કોઇ અંતિમ નિર્ણય પહેલા કેટલાક મુદ્દાઓ ચકાસવા પડે તેમ છે પરંતુ સમગ્ર કેસમાં તટસ્થ અને ન્યાયી તપાસની તેમણે ખાતરી ઉચ્ચારી હતી. પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યોએ પણ પોલીસ કમિશનર એકે સિંઘનો આભાર વ્યકત કર્યો હતો.