સાસરું એ જ પોતાનું ઘર
નિકિતાને મનોરમાબહેને ખૂબ જ લાડકોડમાં ઉછેરી હતી. જો કે દરેક મા બાપ પોતાનાં સંતાનોને પ્રેમ અને વહાલથી જ ઉછેરે છે, પણ મનોરમાબેનની વાત કંઇક જૂદી જ હતી.
– નિકિતા સ્કૂલમાં જતી થઇ ત્યારથી તે ગ્રેજ્યુએટ થઇ ગઇ ત્યાં સુધી એમને એની તમામ ઇચ્છાઓ પૂરી કરી હતી.
“ દીકરીને માપનું વ્હાલ કરો ને માપમાં જ રહેવાનું શીખવાડો…” આવી ટકોર તેમના પતિએ અનેક વાર કરેલી પણ એ માને શાનાં?
– દીકરો આરવ મોટો હતો, દીકરા કરતાં ય દીકરી નિકિતા એમને બહુ વહાલી હતી, દીકરા કરતાં દીકરીને વધુ વહાલ કરો તો એ સારુ છે પણ દીકરીને પરણાવીને બીજે ઘેર મોકલવાની છે તે બાબત પણ મમ્મીએ ભૂલવી જોઇએ નહિ.
– આરવના લગ્ન પછી તેમના ઘેર આવેલી વહુ સ્વાતિ ખૂબજ સંસ્કારી અને ભાવનાશીલ યુવતી હતી. તે તેનાં સાસુનો નણંદ નિકિતા પ્રત્યેનો પ્રેમ જોઇ ખુશ થતી હતી પણ એમનો અતિરેક ક્યારેક એને ય કઠતો હતો ખરો….. ને એમાં ય નિકિતાએ પસંદ કરેલ યુવક સાથે તેનું લગ્ન નક્કી થયા પછી મનોરમાબેને પોતાની આર્થિક સ્થિતિ ધ્યાને રાખીને નિકિતા માટે કપડાં, લતાં, દરદાગીનાની ખરીદીમાં કંઇ જ કમી રાખી ન હતી……… આ બધુ તો ઠીક છે પણ એક રાત્રે એ નિકિતાને કોઇ સાંભળે નહિ એમ સલાહ આપતાં હતાં,
‘‘ જો નિકુ, સાસરામાં તને ફાવી જાય તો ઠીક છે, નહીંતર જમાઇને સમજાવીને જૂદા જ થઇ જવાનું…….. ને એમાં ય જો જમાઇ માવડિયા નીકળે તો આ બેગ ભરીને ચાલતી પકડીને આવી જવાનું આપણા ઘેર…… હું તને કંઇ જ તકલીફ નહિ પડવા દઉં હોં……..’’
— નિકિતા પણ મમ્મીના અતિશય પ્રેમ અને લાડને વશ થઇને કદાચ કશું સ્વતંત્ર રીતે વિચારી શક્તી જ નહતી. જો કે સાસુ મનોરમાબેનની આ વાત તેમની વહુ સ્વાતિએ સાંભળી લીધી હોય કે કેમ પણ બીજા જ દિવસે એણે પોતે સાસુ-સસરાથી અલગ રહેવા જવા માગે છે એવો નિર્ણય જાહેર કર્યો. મનોરમાબેન તો સ્વાતિની આ વાત સાંભળી અવાક થઇ ગયાં…….. એ તો વહુને કહેવા લાગ્યાં,
‘‘ અરે વહુ બેટા, અહીં તને શું વાંકુપડ્યુ તે તારે જૂદા થવું છે? ના ના, અમે તો કોઇ તને કશું બોલ્યાં કે લડ્યાં નથી તો પછી શું કામ આવું વિચારે છે?’’
‘‘ મમ્મી હાલ તો તમે એવું કશું કર્યું નથી પણ મને લાગે છે કે તમારે નિકિતાબેન સાથે જ જીવન જીવવું છે એટલે તમારો ભવિષ્યનો રસ્તો ખુલ્લો કરવા હું અને આરવ અત્યારથી જ જૂદાં જતાં રહીએ એ જ વધારે સારું પડશેને !!!! ’’
‘‘ અરે પણ નિકિતા તો હવે પરણીને સાસરે જવાની છે પછી મારે ક્યાં એની સાથે જીવવાનું છે? મારે તો તમારી સાથે જ રહેવાનું છે ને બેટા…..?’’
‘‘ તો પછી તમે કાલે રાત્રે નિકિતાબેનને શું સલાહ આપતાં હતાં?’’
આ સાંભળી મનોરમાબેન તો ભોઠાં પડી ગયાં. ત્યારે તરત જ નિકિતા પણ કંઇક સમજી ગઇ હોય તેમ આવીને બોલી,
‘‘ ભાભી તમે મારી ચિંતા ન કરો, મમ્મીએ ભલે મને ગમે તે સલાહ આપી હોય પણ હું તો સદાને માટે મારા સાસરે જ રહેવાની છું…….. મને ખબર છે, સ્ત્રીને માટે સાસરુ એ જ એનું પોતાનું ઘર છે…… મારી મમ્મી તો દીકરીના મોહમાં ગાંડુ-ઘેલુ શીખવાડે પણ હું એમાં આવવાની નથી ને ભાભી, ખરેખર તો તમે અમારા ઘેર આવ્યાં પછી તમારા જીવનમાંથી મેં ઘણો બોધપાઠ લીધો છે હોં……”
મનોરમાબેન તો નણંદ- ભોજાઇને એક થયેલાં જોતાં જ રહ્યાં ને પોતાની ભૂલ બદલ સહેજ રડી પણ પડ્યાં…….. બીજી તરફ સ્વાતિ અને નિકિતા પણ ભાવાવેશમાં પરસ્પરને બાજી પડ્યાં હતાં !!
અનંત પટેલ