સપનાં જોવાનું બંધ કર …
દરેક વ્યક્તિને સમજણ આવે છે ત્યારથી તેને રાત્રે કંઇને કંઇક સપનાં આવતાં જ હોય છે. આ સપનાં એવાં હોય છે જેને માટે માણસે કશી ઇચ્છા કે વિચારણા પણ કરેલી હોતી નથી.. એ તો બસ એમને એમ જ ઉંઘમાં જોવાઇ જતાં હોય છે. પછી પાછા એ લોકો એ સપનાનો શું અર્થ કે સંકેત હશે તેની નાહકની ચિંતા કે માથા કૂટમાં પડી જતા હોય છે. આમાં મોટા ભાગનાં સપનાં તો ભૂલાઇ જતાં પણ હોય છે…
કેતકી સમજતી થઇ ત્યારથી રોજ સવારે એની મમ્મીને રાત્રે એણે શેનું સપનું જોયુ એની વાત કર્યા જ કરતી.. મમ્મી એને ઘણું કહેતી કે આવાં સપનાં નકામાં હોય છે, એનો કાંઇ જ અર્થ હોતો નથી,આ તો મનુષ્યનું મન રાત્રે ઉંઘમાં ક્યાંક ભટકતું હોય છે એના લીધે આવી ભ્રમણા થતી હોય છે, તો ય કેતકી એ વાત માને નહિ. જો કે કેટલીક વાર ઘણા બધા દિવસો સુધી આવું કશું સપનું તેને આવતું નહિ…
સ્વપ્નને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ. એક તો ઉંઘ દરમિયાન આવતાં એવાં સ્વપ્ન કે જેને માટે આપણે કશી જ વિચારણા કરેલી હોતી નથી અને જે સાચાં પડે તેવી કોઇ અપેક્ષા પણ રાખતું હોતું નથી. જ્યારે બીજાં એવાં સ્વપ્ન કે જેને માટે ચોક્કસ વિચારણા કરી હોય છે, તેને સાકાર કરવા માટેની દિશામાં પ્રયત્નો પણ કરેલા હોય છે, જેમાંનાં કેટલાંક પરિપૂર્ણ પણ થાય છે અને કેટલાંક પરિપૂર્ણ નથી પણ થતાં. આને સાદા અર્થમાં સ્વપ્ન કહીએ પણ ખરેખર તો એ સ્વપ્ન નહિ પણ માણસે રાખેલી કે સેવેલી મહત્વાકાંક્ષાઓ હોય છે જે સફળ થવી ના થવી તે કુદરત અથવા તો પ્રારબ્ધને આધિન હોય છે. આવી મહત્વાકાંક્ષાઓ રાખવી કે ન રાખવી અથવા તો આવાં સ્વપ્નો જોવાં કે ન જોવાં તે માટે હકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારના અભિપ્રાયો મળે છે.
– વ્યક્તિની યુવાનીની અવસ્થામાં આવાં સ્વપ્નો જોવાઇ જવાનું સહજ છે.
– સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હોવા છતાં તે સફળ નથી થતાં.
– અહીં જે નિષ્ફળતા મળે છે તે માનવીને દુ:ખી દુ:ખી કરી મૂકે છે.
– ” અલ્યા ભઇ નસીબમાં જે લખ્યું હોય, એનાથી વધારે કશું જ મળતું નથી પછી તું શું કામ ફાંફાં મારે છે ?” આવા પ્રશ્નો સાંભળવા મળે છે.
આ બાબતમાં વધારે મંથન કરીએ તો ય અંતે આપણે કોઇ જ નિશ્ર્ચિત તારણ ઉપર આવી શકતા નથી.ઉપર ઉલ્લેખ કરેલ કેતકીને ઉંઘમાં આવતાં સપનાં તો અમુક સમયે બંધ જ થઇ ગયેલાં પણ પછી એણે કોઇક સુંદર અને સારું કમાતો હોય તેવા યુવક સાથે લગ્ન થાય તેવું શમણું રાખેલું, તે અંગે એનાં મમ્મી પપ્પા સાથે નિખાલસપણે ચર્ચા ય કરેલી તે છતાં એમ ન બન્યું ત્યારે એ દુ:ખી થઇ ગયેલી. છેવટે જે છોકરાએ તેને પસંદ કરી અને તેને પણ જે થોડો ઘણો ગમેલો તેની સાથે પરણવું પડેલું.લગ્ન વખતે એનો ચહેરો તો ખુશ ખુશાલ દેખાયેલો પણ અંદરથી એ ખૂબ જ હતાશ હતી. આમ છતા લગ્નનાં ચાર પાંચ વર્ષ બાદ એ મને મળેલી ત્યારે એ ઘણી જ ખુશ અને સુખી લાગેલી તેથી મેં એને એક ખુણામાં લઇ જઇ એને પૂછી જ નાખ્યું કે કે,
“એય, લગ્ન વખતે તો તું તું માંડ માંડ સંમત થયેલી પણ હવે તો મને બધું બહુ સારુ સારુ લાગે છે , બોલ તારે શું કહેવું છે ?
ત્યારે એ બોલેલી,
” તમે અને મારી મમ્મી મને સપનાં બહુ નહિ જોવાની જે સલાહ આપતા હતા તે સાચી લાગે છે, કેમ કે આપણા હાથમા ક્યાં કશું હોય છે ? અને જો આપણે ધારીએ એમ જ થવાની કોઇ ગેરંટી ના હોય ત્યારે એવું ધાર્યા વિના જ સાચા મનથી ઉત્તમ પ્રયત્નો કરીએ એ જ યોગ્ય ગણાય…જૂઓ એ વખતે મારી ઇચ્છા મુજબનું મને ન મળ્યાનો અફસોસ થતો હતો, હું ઘણી નાશી પાસ થયેલી પણ આજે મને લાગે છે કે મને જે મળ્યું છે તે મારા માટે યોગ્ય જ નહિ પણ ઉત્તમ છે…”
કેતકીની વાત સાંભળી હું તો રાજી રાજી થઇ ગયેલો. હવે તમે જ નક્કી કરો કે તમારે સ્વપ્ન જાવાં જોઇએ કે નહિ ? તમારે તો પ્રયત્ન ઉત્તમ કરવાનો છે, આપવું ન આપવું એ તો એના હાથની વાત છે….
- અનંત પટેલ