અમદાવાદ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કોસામટ્ટમ ફાયનાન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર જે લોકોના ધિરાણ પર મુકેલા રૂ.૨.૩૨ કરોડના સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બ્રાન્ચ બંધ થઈ ગયા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી પોતાની પાસે રહેલી ચાવીથી તિજોરીઓ ખોલી ચોરી કરી બ્રાંચ મેનેજરે બહુ સિફતતાપૂર્વક ફુલેકું ફેરવ્યું હતું. જેને પગલે કંપનીમાં સોનું મૂકનાર સ્થાનિક રહીશો દોડતા થયા હતા અને તેમના શ્વાસ જાણે અધ્ધર થઇ ગયા હતા. કેરેલાની કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીની અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપવામાં આવે છે અને ગ્રાહકોનું સોનું લોકરમાં મૂકવામાં આવે છે.
મેઘાણીનગમાં આવેલી બ્રાન્ચમાં એક મહિના પહેલા અમીધર બારોટ (રહે. આશ્રય ફ્લેટ, ન્યુ રાણીપ) બ્રાન્ચ મેનેજર તરીકે જોડાયો હતો. બન્ને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહે છે, જ્યારે એક ચાવી અન્ય કર્મચારીઓ પાસે રહે છે. મંગળવારે બ્રાન્ચ મેનેજર અમીધર અને અન્ય કર્મીઓ સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લો સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ ૫૯૩ પેકેટ હતા. તિજોરીમાં મૂકેલા ૧૪૦૪૭.૯૨ ગ્રામ સોનાનું પેકેટ કે જેની કિંમત રૂપિયા રૂ.૨.૩૨ કરોડ હતી અને રોકડ રકમ રૂ. ૨.૮૩ લાખ હતા. બુધવારે વહેલી સવારના નવ વાગ્યે કર્મીઓ ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને શટર ખોલ્યા બાદ અંદર પ્રવેશ કરીને જોતાં અંદર બે તિજોરીમાંથી એક તિજોરી ખુલ્લી હતી. તિજોરી ખોલી તો સોનાનાં પેકેટ મૂકેલા પતરાનાં બોક્સ ખાલી હતાં. બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલી ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં. જેથી કર્મચારીઓએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.
બ્રાન્ચ મેનેજર અમીધરનો ફોન બંધ આવતાં હેડ ઓફિસમાં ચોરી થઇ હોવાની જાણકારી આપી હતી. બ્રાન્ચ મેનેજર અમીધર ઓફિસમાં એક મોટી બેગ લઈ આવ્યો હતો અને તે કુલ ૨.૩૨કરોડ રૂપિયાના સોનાના દાગીના અને રૂ.૨.૮૩ લાખની રોકડ રકમ ચોરી કરીને બેગમાં મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે મેનેજરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ આ કરોડોની ચોરી મામલે તપાસ શરૂ કરી છે.