અમદાવાદઃ હાલમાં ચાલી રહેલા 30 માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શહેરમાં માર્ગ સલામતી જાગૃતતા સાથે સંકળાયેલા અનેક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યાં છે. આ જ હેતુને અનુસરી ટ્રાફિકને સમર્પિત એવી શહેરની સંસ્થા ટી-મેન (ટ્રાફિક મેન) દ્વારા જોધપુર સ્થિત કામેશ્વર શિક્ષણ સંકુલ સાથે શહેરના જોધપુર વિસ્તારમાં રોડ સેફ્ટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજિત આ રેલીને ડીસીપી સંજય ખૈરાટ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ, જેમાં કામેશ્વર શિક્ષણ સંકુલના 125 વિદ્યાર્થીઓ સહિત 150થી વધુ લોકો જોડાયા હતા. આ રેલીમાં 88 સ્ટુડંટ પોલીસ કેડેટ (એસપીસી) જોડાયા હતા, જેઓ એ પોતાના બેન્ડ સાથે રેલીની આગેવાની કરી હતી.
વિશાળ સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે આયોજિત આ રેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિવિધ ટ્રાફિક જાગૃતતા ફેલાવતા સંદેશાઓને લોકો સુધી પહોચાડ્યા હતા. આ પ્રવૃતિને વાહન ચાલકો દ્વારા પણ બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.
આ વિશે જણાવતા કામેશ્વર શિક્ષણ સંકુલના ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે આજના સમયે માર્ગ પર વાહનોનું ભારણ વધતા માર્ગ સલામતી સૌથી મોટી સમસ્યા તરીકે જોવા મળી રહી છે. હાલમાં ચાલી રહેલા 30માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટી-મેન દ્વારા કામેશ્વર શિક્ષણ સંકુલ સાથે સંકળાઇને રોડ સેફ્ટી રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા અને રેલીને સંદેશાત્મક રીતે સફળ બનાવી હતી.
આ વિશે જણાવતા ટી-મેનના ફાઉન્ડર પરેશ દવેએ જણાવ્યું કે આયોજન દરમ્યાન રેલી સહિત ત્રણ પ્રવૃત્તિઓને સાંકળી લેવામાં આવી હતી. જેમાં રેલી ઉપરાંત માર્ગ સલામતી જાગૃતતા વિશે સમર્પિત નામ એવા અમીત ખત્રી દ્વારા માર્ગ સલામતી નિયમોનું ફેલાવો કરતા નવીન પ્રયોગ ઇચ વન, ટીચ ટેનના રોડ સેફ્ટી કાર્ડનો સમાવેશ થાય છે, જેમાં પ્રવૃત્તિ દરમ્યાન માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરતા આશરે 2000 રોડ સેફ્ટી કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 4000થી વધુ રોડ સેફ્ટી કાર્ડ્સ લોકોને વિતરિત કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિ થકી અમે માર્ગ સલામતીના નિયમોનું પાલનની અપીલ કરતા 50,000 લોકો સુધી પહોંચવાનો સ્પષ્ટ નિર્ધાર ધરાવીએ છીએ. ત્રીજી પ્રવૃત્તિમાં રાસ્તા નામક એક સેમિનારનું આયોજન પણ આ જ શિક્ષણ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. આ રેલીના આયોજનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલિસના એસીપી દિપક વ્યાસ દ્વારા સહકાર પ્રાપ્ત થયો તે બદલ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આયોજિત રેલીના સંદેશને આપણે સાર્થક બનાવીએ અને સ્વયં શિસ્ત થકી ટ્રાફિક નિયમોનું પાલન કરી આપણા અને અન્ય લોકોના જીવનની રક્ષા કરીએ.