નવસારી : નવસારી ખાતે એક ત્રાહિત વ્યકિતએ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇનને કોલ કરીને માહિતી આપી કે એક દિકરી ૪-૫ દિવસથી અહીંયા ફરી રહી છે. તેને મદદ કરવા અનુરોધ કરવામાં આવ્યો.
બનાવની વિગત એવી છે કે, ૧૬ વર્ષની સુરેખા (નામ બદલેલ) છે. મુળ ઓલપાડ પાસેના એક ગામના વિધવા માતાની દિકરી છે. તેને મરોલી વિસ્તારમાં રહેતા કોઇ યુવક સાથે મિત્રતા હતી. જેને મળવા સુરેખા આવી હતી. પરંતુ તેની પાસે મોબાઇલ ન હોવાથી યુવક સાથે સંપર્ક કરી શકતી ન હતી. ગભરાયેલી હોય એક યુવકે તેને મોબાઇલ આપ્યો. આ યુવકના મોબાઇલ નંબરથી સુરેખાએ તેના મિત્રને ફોન કર્યો પણ ફોન અસ્તિત્વમાં નથી એવા મેસેજ મળ્યા. ત્રાહિત વ્યકિતએ દિકરીને પુછપરછ કરતા ગભરાઇ ગઇ. જેથી ત્રાહિત વ્યકિતએ ૧૮૧ અભ્યમ ટીમને ફોન કરીને વિગતો આપી. ૧૮૧ અભ્યમ ટીમે ઘટનાને સ્થળે પહોંચીને દિકરીને સમજાવીને નવસારી લઇ આવ્યા.
પ્રશ્ન એ હતો કે દિકરી પોતાના ઘરે જવા માગતી ન હતી. જેનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું. અંતે દિકરી ગામ જવા તૈયાર થઇ. દિકરી પાસેથી વિગતો મેળવીને તેના ઘરે માતાનો સંપર્ક કરવામાં આવ્યો. પણ માતાએ દિકરીને અત્રે આવી શકાય તેમ નથી, કાલે નવસારી આવીશ તેમ જણાવતા ૧૮૧ ટીમની મુશ્કેલી વધી.
૧૮૧ ટીમ દ્વારા સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત ૧૮૧ અભ્યમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો. ૧૮૧ અભ્યમ નવસારી-સુરત ટીમ દિકરીને તેન ગામે મુકવા પહોંચી ત્યારે પરિવારે તેની સાથે ઝઘડો કર્યો. દિકરીને સ્વીકારવા હા-ના કરતા હતા. ૧૮૧ ટીમના કાઉન્સેલર ભાવિકા આહીર, પ્રિયંકા ગામીતની ટીમ દ્વારા પરિવાર અને દિકરીનું કાઉન્સિલીંગ કરીને મામલો થાળે પાડયો. સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ દ્વારા પણ સારો સહકાર મળ્યો.
૧૮૧ અભ્યમ ટીમના સભ્યો કહે છે કે, આવા કિસ્સામાં પરિવારે ઠપકો ન આપતા તેની સાથે ચર્ચા કરવી જોઇએ. જેથી આવું પગલું ન ભરી શકે, સમજાવવા પણ જોઇએ.