રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટ શહેરના લોકો આરામપ્રિય અને નચિંત સ્વભાવ અને મહેમાનગતી માટે જાણીતા છે. રાજકોટ શહેરની વાત આવે ત્યારે આ બધાથી ઉપર, રાજકોટના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવનું સ્મરણ થયા વિના ન રહે. આપણે સાંભળતા આવ્યા છીએ કે ’જીવ એ જ શિવ છે’ અને ’ઈશ્વર જીવમાત્રનો સર્જનહાર અને પાલક-પોષક છે’. આ કથનોને યથાર્થ કરતા અહીંના આસપાસના વિસ્તારના રહેતા શ્વાનો નિયમિત રીતે આરતી સમયે રામનાથ મહાદેવ મંદીરના પરિસરમાં પહોંચી જાય છે. લોકો સાક્ષી છે કે આરતી સમયે નગારું વાગતાની સાથે જ આ શ્વાનો કોઈને કનડ્યા વિના પોતાની મસ્તીમાં અને બોલીમાં ભગવાનની આરતી કરી રહ્યા હોય એ રીતે નિશ્ચિત સમય માટે અવાજો કરે છે અને પછી શાંત થઈને જાણે ધ્યાનસ્થ અવસ્થામાં હોય એમ બેસી જાય છે.
અંદાજે ૫૫૦ વર્ષ પહેલા રાજકોટની સ્થાપના પહેલા રાજકોટ શહેરની સ્થાપના પહેલા એ વિસ્તાર ગાયકવાડ સરકાર-વડોદરાના તાબા હેઠળ હતો. એ સમયે ગાયકવાડ સરકારના એક સૂબાજી સૌરાષ્ટ્રમાં ચોથ ઉઘરાવવા આવવાનું થયું. એ સૂબાજી ભગવાન શિવના પરમ ઉપાસક હતા. રાત પડ્યે તેમણે આજી નદીના કિનારે તંબૂ તાણીને રાતવાસો કર્યો. સવારે ઉઠ્યા બાદ શિવપૂજા કર્યા વિના આગળ નહીં વધવાની એમની ટેક હતી. આસપાસમાં તપાસ કરી પણ ક્યાંય શિવ મંદીર ન દેખાયું. અંતે તેમણે ત્યાં જ રોકાણ લંબાવીને ઉપવાસ શરૂ કર્યા. સળંગ સાત દિવસના ઉપવાસ બાદ એક રાત્રે ભગવાન શંકરે એમને સ્વપ્નમાં દર્શન અપ્યા. એમણે સૂબાજીને એના ડેરાની આસપાસ જ પોતાની ઉપસ્થિતિની નિશાની આપી. સપનામાં મળેલી નિશાની મુજબ નાનકડી ટેકરી ખોદાવતા ત્યાં શિવલિંગના દર્શન થાય છે. સૂબાજી ત્યાં એક નાનો ઓટલો બનાવીને ત્યાંથી આગળ જતા રહે છે. સૂબાજીને સ્વપ્નમાં આવીને પોતાની હાજરીની પ્રતિતિ કરાવનાર ભગવાન શંકરનું એ મંદીર આજે શ્રી રામનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે!
આ મંદીરના મહંત અને મહાદેવના પરમભક્ત શ્રી શાંતિગીરીજી ગોસ્વામી આ મંદીરની ખાસિયત જણાવતા કહે છે કે અહીં ક્યાંય તાળું લગાવવામાં નથી આવતું. ઊંચ-નીચના ભેદભાવ વિના અહીં ભગવાન ભોળાનાથના ભક્તો પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર પૂજન-અર્ચન કરે છે. આમ અહીં લોકોની આવન-જાવન ચોવીસે કલાક ચાલુ રહે છે.
રાજકોટના રાજવી શ્રી લાખાજીરાજ બાપુના સમયમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. ભગવાન પરની આસ્થાના ભાગરૂપે એ વખતે રામનાથ દાદાની સવારી શહેરમાં ફેરવવામાં આવી હતી. ભક્તોની શ્રદ્ધાનો વિજય થયો હતો અને શહેર પ્લેગના ભરડામાંથી મૂક્ત થયું હતું. આ વાતને લગભગ ૯૦ વર્ષના વહાણાં વીતી ગયા બાદ આજે પણ મોટાભાગે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે રાજકોટ શહેરમાં ભગવાન શ્રી રામનાથ મહાદેવનો વરઘોડો (ફૂલેકું) નીકળે છે.
આશરે ૨૦૦ વર્ષ અગાઉ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિવપૂજન કરીને મહાદેવને થાળ ધર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ જ્યારે પણ કૃષ્ણજી અદાની દેરીએ દર્શન માટે આવતા ત્યારે મોટાભાગે રામનાથ દાદાના દર્શનનો પણ લાભ લેતા. જગતગુરુ શંકરાચાર્યજી, કરપાત્રીજી, ડોંગરેજી મહારાજ, બજરંગદાસ બાપુ, રણછોડદાસ મહારાજ અને હિમાલય નિવાસી એમના શિષ્ય મૌનીબાપુ વગેરે જેવા મહાત્માઓએ તથા મોરારી બાપુ, મનહરલાલજી મહારાજ જેવા નામાંકિત કથાકારોએ પણ અહીં મહાદેવના પૂજા-દર્શન કર્યા છે. મંદીરના યુવા મહંતો શ્રી નિશાંતગીરી અને ધવલગીરીને આરતી કરતા જોઈએ ત્યારે એવું જ લાગે જાણે હમણાં ભગવાન ભોળાનાથ ઉભા થઈને દર્શન આપશે! આ શિવાલયમાં દરરોજ સવારે ભક્તોની ભીડ જામે છે. સાંજે સાડા પાંચ વાગ્યે વિવિધ ફૂલોના સુંદર શણગાર થાય છે. સાંજે આરતી સમયે દીપમાળાના દર્શન થાય છે. રાત્રે ૧૧ વાગ્યાથી રાજકોટના રાજાનું રાત્રી પૂજન શરૂ થાય છે, જે વહેલી સવાર સુધી ચાલતું રહે છે. ભગવાન શ્રી રામનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા અહીં આવતા ભક્તોને દર્શન કરતા જોવા પણ એક લ્હાવો છે. તન-મન-ધનથી સમર્પિત, દાદાના ભક્તોને જોતા સતયુગમાં જીવી રહ્યા હોવાની અનુભૂતિ થયા વિના ન રહે!
-કુલદીપ લહેરુ