રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલવો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

રક્ષાબંધનનો તહેવાર સામાજિક અને પારિવારીક એકબદ્ધતાનો સાંસ્કૃતિક ઉપાય રહ્યો છે. લગ્ન પછી બહેન સાસરીયામાં જતી રહે છે. કેટલીકવાર બહેનનું સાસરિયું ઘણે દુર આવેલું હોવાથી તે વર્ષો સુધી તેના ઘરે કે પિયરની મુલાકાત લઇ શકતી નથી. રક્ષાબંધન નિમિતે આવી બહેનોને વર્ષમાં એકવાર અચૂક ભાઈના ઘરે આવવું જ પડે છે. આ બહાને તેની માતાપિતા સાથે પણ મુલાકાત થઇ જાય છે. આમ બહેનના તેના પિયરપક્ષના સબંધો ટકાવી રાખવામાં આ તહેવાર ખૂબજ મદદરૂપ થાય છે. રક્ષાબંધન ભાઈ બહેન પ્રતિ સ્નેહ, વિશ્વાસ, આશા અને બલીદાનની ભાવના જાગ્રત કરે છે. બહેન તેના ભાઈ માટે સદા મંગલકામના કરે છે તથા ભાઈ બહેનની રક્ષા કરવાના પ્રણ લે છે.

રાખી બાંધતી વખતે આ મંત્ર બોલવો જોઈએ.

येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल:।
तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल ॥

આ શ્લોકનો ગુજરાતીમાં ભાવાર્થ થાય છે કે “જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલીને બાંધવામાં આવ્યો હતો. તે જ સૂત્રથી હું તને બાંધુ છું, હે રક્ષે (રાખી) તું અડગ રહેજે (તું તારા સંકલ્પ થી ક્યારેય વિચલિત ન થાઓ)

રાખી કોઇપણ સન્માનિત વ્યક્તિને બાંધી શકાય છે જેમકે પુત્રી દ્વારા પિતાને. ક્યારેક કયારેક કોઈ સારા રાજકીય નેતાને પણ રાખી બાંધવામાં આવે છે. આજકાલ તો પ્રકુતિ સરંક્ષણ હેતુ વૃક્ષોને પણ રાખી બાંધવાની પરંપરા શરૂ થઇ ગઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પરસ્પર ભાઈચારા માટે એકબીજાને ભગવા રંગની રાખી બાંધતા હોય છે.

કેટલીકવાર સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે એકસુત્રતા બનાવી રાખવામાં પણ આ તહેવારનો ઉપયોગ થતો હોય છે. શું આપ જાણો છો કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જન જાગૃતિ માટે “રક્ષા બંધન” ના આ પવિત્ર તહેવારે મહત્વની ભૂમિકા ભજવી હતી?

વાત એમ બની કે…

ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જન જાગૃતિ માટે આ તહેવારનો આશરો લેવામાં આવ્યો હતો.

રવીન્દ્રનાથ ઠાકુરે બંગ-ભંગનો વિરોધ કરતી વેળા એ રક્ષાબંધન તહેવારને બંગાળવાસીઓના પારસ્પરિક ભાઈચારા તથા એકતાનું પ્રતિક બનાવી તેનો સ્વતંત્રા સંગ્રામમાં સદુપયોગ કર્યો હતો. તેમની પ્રસિદ્ધ કવિતા “માતૃભૂમિ વંદના”માં તેઓ લખે છે કે

હે પ્રભુ! મારા બંગદેશ ની ધરતી, નદીઓ, વાયુ, ફૂલ – સર્વ પાવન થાઓ;

હૈ પ્રભુ! મારા બંગદેશના, પ્રત્યેક ભાઈ બહેનના ઉર અંતઃસ્થલ, અવિછન્ન, અવિભક્ત એવં એક રહો.”

(બાંગ્લાથી ગુજરાતી અનુવાદ)

અંગ્રેજોની કાયમની નીતિ રહી છે કે “ફૂટ નાખો અને રાજ કરો.” આ જ નીતિને અનુસરીને ઈ.સ. ૧૯૦૫માં લાર્ડ કર્જને મુસ્લિમ પ્રાંતનું સર્જન તથા નવજાગ્રત બંગાળને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશથી ભારતના બંગાળનું બે ભાગોમાં વિભાજન કર્યું. જેમાં નવા ભાગમાં રાજશાહી, ઢાકા તથા ચટગાંવને આસામ સાથે જોડી એક પ્રાંત બનાવવામાં આવ્યુ જેનું નામ પૂર્વવંગ રાખવામાં આવ્યું તથા સર જોજેફ બૈમફીલ્ડ ફુલરને તેના નવા લેફ્ટીનૈટ ગવર્નર બનાવવામાં આવ્યા. ઇતિહાસમાં આ પ્રકરણ બંગ ભંગના નામે ઓળખાય છે. લોર્ડ કર્જને બંગ ભંગ કરી સ્વતંત્રા સેનાનીઓમાં વંદેમાતરમ્ થી ભડકેલી ચિનગારીને હવા આપી રૌદ્ર સ્વરૂપ આપ્યું.

ભારતીયોની એકતાને તોડવા માટે હિંદુઓ અને મુસલમાનોને એક કહી લડાવવાની ચેષ્ટા કરવામાં આવી કે આ વિભાજનથી મુસલમાનોને ફાયદો છે કારણ પૂર્વવંગ અને આસામમાં તેમની જ બહુમતી રહેશે. પરંતુ મુઠ્ઠીભર મુસલમાનો સિવાય કોઈએ બંગ ભંગમાં રસ દાખવ્યો નહી.

૧૬ ઓક્ટોમ્બર ૧૯૦૫માં બંગ ભંગની નિયત ઘોષણાના દિવસે રક્ષાબંધનની યોજના સાકાર થઇ અને લોકો ગંગા સ્નાન કરી સડકો પર આ કહેતા ઉતરી આવ્યા કે –

સપ્ત કોટી લોકેર કરુણ ક્રન્દન, સુનેના સુનીલ કર્જન દુર્જન:
તાઈ નિતે પ્રતિશોધ  મનેર મતન કરિલ, આમિ સ્વજને રાખી બંધન

આમ, બંગભંગ વિરુદ્ધ બંગાળની બહાર પણ ખૂબ મોટા અંદોલનો થયા. આ આંદોલનમાં શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના “વંદેમાતરમ્” ગીતે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. વધુમાં રક્ષાબંધનના તહેવારે હિંદુ મુસલમાનોમાં એકતાની અડગ ભાવના નિર્માણ કરી હતી પરિણામ સ્વરૂપ…  ઈ.સ. ૧૯૧૧નાં ૧૨ ડીસેમ્બરના રોજ દિલ્લીમાં એક દરબાર થયો જેમાં સમ્રાટ પંચમ જ્યોર્જ અને સામ્રાજ્ઞી મેરી તથા ભારત સચિવ લાર્ડ કૃ આવ્યા હતા. આ દરબારના અવસરે એક રાજકીય ઘોષણા દ્વારા પશ્ચિમ અને પૂર્વવંગના બંગલા ભાષી વિસ્તારોને એક પ્રાંતમાં લાવવાનો આદેશ આપ્યો.

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}

Share This Article