રક્ષાબંધન – એક પવિત્ર તહેવાર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

– રક્ષાબંધન હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ચાલુ સાલે રક્ષાબંધનનો તહેવાર પંદરમી ઓગષ્ટના  દિવસે આવે છે. આમ એક જ દિવસે ભાઇ બહેનના હેત માટે રક્ષા બંધન અને દેશ ભક્તિ માટે સ્વાતંત્ર્ય દિન   એમ બે તહેવાર સમગ્ર દેશમાં ઉજવાશે.

– આ દિવસે શુભ મૂહુર્તમાં બહેન પોતાના વીરાની આરતી ઉતારી કપાળે કંકુતિલક કરે છે અને વીરાની રક્ષાની પ્રાર્થના કરીને તેના હાથે રાખડી  બાંધે છે.

– બહેન લાવે છે તો પાતળો સૂતરનો તાંતણો પણ તેમાં બહેનની વીરાની સુરક્ષા અને પ્રગતિ માટેની ભાવના અને શ્રધ્ધા  તેને એક મજબૂત તાકાત સમાન બનાવી દે છે.

– આ દિવસે રાખડી  બાંધતા પહેલાં વીરાને કપાળે કુમ કુમનું તિલક કરાય  છે, તો આ તિલક વિજય,પરાક્રમ,સન્માન,શ્રેષ્ઠતા અને વર્ચસ્વનું પ્રતીક છે. તિલક કપાળમાં બે ભ્રમરોની વચ્ચો વચ લગાડવામાં આવે છે. આ જગાએ અગ્નિ ચક્ર આવેલ છે. આ ચક્રમાંથી  આખા શરીરમાં શક્તિ અને ઉર્જાનો સંચાર થતો હોય છે અહીં તિલક કરવાથી વૈજ્ઞાનિક સંશોધનો  મુજબ તે વ્યક્તિની સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ, બુધ્ધિમતા, તર્કશક્તિ સાહસ અને બળમાં વૃધ્ધિ થાય છે.

– એક મશહૂર હિન્દી ગીત આપણને સૌને  આ દિવસે ખાસ યાદ આવે છે કે,

“બહનાને ભાઇકી કલાઇસે
પ્યાર બાંધા હૈ,
પ્યારકે દો ધાગોંસે
સારા સંસાર બાંધા હૈ…
રેશમકી દોરીસે, રેશમકી દોરીસે
સારા સંસાર બાંધા હૈ “

– વીરાને રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલવામાં આવે છે,

           ” યેન બધ્ધો બલિ: રાજા દાન વેદ્રો મહાબલ:
             તેન ત્વામપિ બધ્નાની રક્ષે  મા ચલ મા ચલ.

અર્થ –

” જે રક્ષા સૂત્ર શક્તિ શાળી મહારાજા બલિને બાંધવામાં આવેલ તે જ રક્ષા સૂત્ર હું આજે તમને બાંધું છું, હે રાખી તું અડગ રહીને મારા વીરની રક્ષા કરજે.”

– રક્ષા બંધનને સંબંધિત જૂદી જૂદી કથાઓ નીચે મુજબ જાણવા મળે  છે,

(૧) બલિ રાજાની કથા-  બલિ રાજાએ પોતાની ભક્તિથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરીને પાતાળ લોકમાં તેમના દ્વારપાળ તરીકે રહેવા વચન બધ્ધ કરી દીધેલા ત્યારે મા લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને મુક્ત કરાવવા બલિ રાજાને પોતાના ભાઇ બનાવીને રાખડી બાંધેલ, તેના બદલામાં તેમણે  બલિ રાજા પાસેથી ભગવાન વિષ્ણુની દ્વારપાળમાંથી મુક્તિ માગી હતી. આ દિવસ શ્રાવણ સુદી પૂનમનો હતો. ત્યારથી આ દિવસે રક્ષા બંધનનો તહેવાર ઉજવાય છે.

(૨) બીજી એક કથા દેવાસુર સંગ્રામની છે. જેમાં અસુરો સામે વિજય મેળવવા ઇન્દ્ર દેવે ઇન્દ્રાણી  દ્વારા બ્રાહ્મણો પાસે  મંત્રોચ્ચાર કરાવીને દેવોને રાખડી બંધાવી હતી તે પછી બ્રાહ્મણોના આશીર્વાદથી દેવોનો અસુરો સામે વિજય થયો હતો. આ દિવસ શ્રાવણ સુદી પૂનમનો હતો તેથી આ દિવસે બ્રાહ્મણો દ્વારા પણ રાખડી બાંધવાનો મહિમા છે.

(૩) મહાભારતમાં  અપાયેલી કથા મુજબ ભગવાન શ્રી ક્રીષ્ણએ સુદર્શન ચક્રથી જ્યારે શિશુપાળનો વધ કરેલ ત્યારે તેમની આંગળીને ઇજા થવાથી લોહી નીકળવા લાગેલ જે રોકવા દ્રૌપદીએ પોતાની સાડી ફાડીને ભગવાનની આંગળીએ પટ્ટી બાંધેલ જેના બદલામાં દુ:શાસન દ્વારા કૌરવ સભામાં ચીર હરણ વખતે ભગવાને દ્રૌપદીની લાજ બચાવી હતી.

– રક્ષાબંધનના દિવસે બહેને ભાઇને બાંધેલી રાખડીના બદલામાં વીરા દ્વારા બહેનને પણ યથા શક્તિ સુંદર ભેટ અથવા અમુક રોકડ રકમ ભેટ તરીકે આપવામાં આવે છે.

– આ દિવસ ભાઇ બહેનના હેત નો છે. બહેન વીરાની રક્ષા માટે શ્રધ્ધા  પૂર્વક રાખડી બાંધે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા  જનોઇ બદલવાની પણ પ્રથા જોવા મળે છે. આ માટે તેઓ  નદી કે સરોવરે સ્નાન કરવા જતા હોય છે. જો કોઇ ભાઇને પોતાની સગી બહેન ન હોય તો તેની પિતરાઇ બહેન અથવા કોઇ ધર્મની બહેન હોય તો તેની પાસે અથવા તો બ્રાહમણની પાસે પણ રાખડી  બંધાવી શકે છે. લોકો આ દિવસે  યથા શક્તિ દાન પુણ્ય અને ઉપવાસ પણ કરી શકે છે.

  •  અનંત પટેલ

anat e1526386679192

Share This Article