ગુજરાત કોંગ્રેસમાં હાલ અસંતોષનો માહોલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ કુંવરજી બાવળિયા કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છે અને તે સમસ્યા હજી હલ થઇ નથી ત્યાં ગુજરાતમાં મોટા નેતા કોંગ્રેસથી નારાજ થઇ રહ્યા છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. ઇન્દ્રનિલ રાજ્યગુરુ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીને ટક્કર આપવા કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, તેઓ આ ચૂંટણી હારી ગયા હતા.
ઇન્દ્રનીલ રાજયગુરુએ રાજીનામુ આપ્યા બાદ પ્રેસકોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશના નેતૃત્વની નારાજગીના કારણે કોંગ્રેસ છોડવાનો તેમણે નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતજરમાં રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મેયર અને ડે.મેયરની વરણી પ્રક્રિયા દરમિયાન એક જુથબંધીના ભાગરૂપે નિરિક્ષકો બહુમત કોર્પોરેટરોને સાંભળવાના બદલે એક કુવરજીનો અને એક ઇન્દ્રનિલભાઇનો આવી રીતે સ્ટેન્ડિંગ કમિટિમાં નામ મૂકવા માગતા હતા.