અમદાવાદ: રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટના લોકાર્પણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટમાં આગમન થવાનું હતું, તે પહેલાં રાજકોટ યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરાતાં વાતાવરણ થોડા સમય માટે ડહોળાયુ હતું, જો કે, પોલીસે સમયસર કોંગી કાર્યકરોને વિરોધ કરતાં અટકાવી તેઓની અટકાયત કરી સમગ્ર મામલો થાળે પાડયો હતો. જેને લઇ વડાપ્રધાનના કાર્યક્રમ આડેની અડચણો દૂર થઇ હતી.
રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટના લોકાર્પણ માટે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને સ્વાગત માટેની એકબાજુ તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે બીજીબાજુ, અચાનક જ રાજકોટ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો કાળા વાવટા અને બેનરો લઇ વિરોધ કરવા પહોંચી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકાર અને મોદી વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ખાસ કરીને રાફેલ ડીલને લઇ વિરોધદર્શક બેનરો દર્શાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ વધુ વેગ પકડે તે પહેલાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક પગલાં લઇ કોંગ્રેસના કાર્યકરોને અટકાવ્યા હતા અને તેમનો વિરોધ કાર્યક્રમ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. એક તબક્કે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર સૂઇ જતાં પોલીસે તેમને ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી દીધા હતા. જો એક આ દરમ્યાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેમાં એકાદ બે કાર્યકરોના શર્ટ પણ ફાટી ગયા હતા. પોલીસે સંખ્યાબંધ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી અને તેઓને નજીકના પોલીસમથકે લઇ ગયા હતા. જો કે, વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસે તમામને મુકત કર્યા હતા.