અમદાવાદ : જસદણ બેઠકની પ્રતિષ્ઠિત પેટા ચૂંટણીને લઇ આજે ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નેજા હેઠળ મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ઉપરાંત ખાસ તો, જસદણ બેઠકને લઇ કોંગ્રેસના સંભવિત ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. જા કે, બેઠકના પ્રથમ દિવસે જ આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ દ્વારા સાફ શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી હતી કે, પક્ષમાં જે લોકોની કામગીરી નબળી હશે તેઓને સંગઠનની જવાબદારીમાંથી મુકત કરવામાં આવશે. પક્ષમાં નિષ્ઠા અને ખંતપૂર્વક મહેનત-કામ કરો, નહી તો જગ્યા ખાલી કરો. પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે તે જ ટિકિટ મેળવવા પણ હકદાર ઠરશે.
જસદણ જંગને લઇ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હવે મોરચો સંભાળી રહ્યા છે અને બેઠક જીતવા કોંગ્રેસને એડીચોટીનું જાર લગાવવા તેમણે હાકલ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનની નવી બોડીના હોદ્દેદારો સાથે આજે યોજાયેલી મહત્વની બેઠકમાં સાતવે પ્રભારીઓને જસદણમાં રહીને ચૂંટણીની કામગીરી કરવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦ ધારાસભ્યો અને ૧૪ આગેવાનોને જસદણની જવાબદારી સોંપાઇ છે ત્યારે સાતવે આજે સ્પષ્ટ કર્યું હતું કે, જે જવાબદારી નહી નિભાવે તેની સામે પણ પગલાં લેવાશે. જયારે સારી અને નિષ્ઠાપૂર્વકની પરિણામલક્ષી કામગીરી કરનારનું સન્માન પણ થશે. દરમ્યાન આજે મળેલી ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓની મહત્વની બેઠકમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની સીસ્ટમ અને વિચારધારા મુજબ સૌકોઇએ કામ કરવું પડશે. પક્ષ હવે કોઇપણ લાલિયાવાળી કે પક્ષવિરોધી પ્રવૃત્તિને સાંખી લેવાના મૂડમાં નથી. પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરશે તેઓ માટે પક્ષ પણ ટિકિટ આપવા ઉત્સુક છે.
જા પક્ષમાં નિષ્ઠા અને ખંતપૂર્વક કામ કે મહેનત ના કરવી હોય તો, જગ્યા ખાલી કરો તેવી સાફ શબ્દોમાં ચેતવણી પણ તેમણે ઉચ્ચારી દીધી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા તા.૧લી ડિસેમ્બરથી તા.૩૦ ડિસેમ્બર સુધી જનમિત્ર તાલીમ શિબિર પણ યોજાવા જઇ રહી છે. જે દરમ્યાન સંગઠનની કામગીરીને લઇ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારોનો પરફોર્મન્સ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. જે લોકોની કામગીરી નબળી હશે તેઓને સંગઠનની જવાબદારીમાંથી મુકત કરવામાં આવશે. પ્રભારી રાજીવ સાતવ પોતે તા.૮થી તા.૧૮ ડિસેમ્બર દરમ્યાન જસદણમાં રહીને ચૂંટણી જંગની કમાન સંભાળવાના છે.