લિહોડા ગામમાં સંભવિત લઠ્ઠાકાંડને લઇને રાજ્ય ભરમાં ૧૦૦થી વધુ સ્થળે દરોડા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
latthakand

લઠ્ઠાકાંડ અધિકારીઓનો પણ ભોગ લેતો હોવાથી બેકફૂટ પર આવી ગયેલી પોલીસે તમામ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી
ગાંધીનગર : ગાંધીનગરના લિહોડા ગામમાં સંભવિત લઠ્ઠાકાંડને લઇને માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ રાજ્યભરની પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે પોતપોતાના વિસ્તારમાં દરોડા પાડીને દારૂના અડ્ડા બંધ કરાવી દીધા હતા. લઠ્ઠાકાંડ અધિકારીઓનો પણ ભોગ લેતો હોવાથી બેકફૂટ પર આવી ગયેલી પોલીસે તમામ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી દીધી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે ચિલોડામાંથી ૨૦ લાખનો દારૂ ઝડપી લીધો હતો તે ઉપરાંત રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ પીસીબીએ છ સ્થળે અને ક્રાઇમ બ્રાંચે છ સ્થળે દરોડા પાડ્યા હતા. લિસ્ટેડ બૂટલેગરોને ત્યાં દરોડા પાડીને દારૂનો જથ્થો કબજે કરવાની કવાયત શરૂ કરી દીધી છે. માત્ર અમદાવાદમાં જ ૩૦ સ્થળે દરોડા ઉપરાંત રાજ્યભરમાં પોલીસે ૧૦૦થી વધુ સ્થળે દરોડા પાડીને દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે. ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે બ્રાંચ શહેરભરમાં દારૂના અડ્ડા પર ત્રાટકી રહ્યું છે. વર્ષો પહેલાં અમદાવાદના મજૂરગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કાંડમાં અમદાવાદના ઘણા કુખ્યાત પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલીઓ થઇ ગઇ હતી. આ લઠ્ઠાકાંડ બાદ બે વર્ષ પહેલાં અમદાવાદ-બોટાદ જિલ્લાની બોર્ડર પરના ગામમાં લઠ્ઠાકાંડ થયો અને સિનિયર અધિકારીઓની બદલીઓ સહિત ઘણા પોલીસ કર્મીઓના ભોગ લેવાયા હતા. હવે ઉત્તરાયણની રાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીકના લિહોડા ગામમાં સંભવિત લઠ્ઠાકાંડમાં બે ગ્રામજનના મોત થયા છે. સાત લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા આ લઠ્ઠાકાંડ ન હોવાની કેફિયત રજૂ કરવામાં આવી રહી છે. એફએસએલના રિપોર્ટ પણ આવી ગયા છે. આ લઠ્ઠાકાંડ ન હોવાની પોલીસની કેફિયત છતાં માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ રાજ્યભરની પોલીસ સક્રિય બની ગઇ છે. લઠ્ઠાકાંડને લઇને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્માચારીઓના ભોગ લેવાતા હોવાથી પોલીસે તરત જ દારૂના અડ્ડા પર ત્રાટકીને અડ્ડાઓ બંધ કરાવી દીધા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા સાતેક દિવસથી આ કવાયત ચલાવવામાં આવી રહી છે. તેમાંય બે દિવસમાં પીસીબીની ટીમે સાબરમતી, ઓઢવ, બાપુનગર, નરોડા મળી છ સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીદારોને એક્ટિવ કરીને બૂટલેગરોને ત્યાં દરોડાની કામગીરી કરી છે. અમદાવાદમાં ૩૦ સહિત રાજ્યભરમાં પોલીસે ૧૦૦ સ્થળે દરોડા પાડીને દારૂના અડ્ડા બંધ કરાવી દીધા હતા. સાબરમતી નદીના પટમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ સોમવારથી બંધ થઇ ગઇ છે. જે બતાવે છે કે પોલીસ સક્રિય થઇ છે. રાજ્યભરની પોલીસે પોતપોતાના વિસ્તારમાં દરોડા પાડીને કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. પોલીસ સક્રિય થતાં નશાખોરોએ જુદા જુદા કિમિયા શરૂ કરી દીધા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે.

Share This Article