શહેરના બાપુનગર ખાતે આવેલી રઘુનાથ સ્કૂલના કેમ્પસમાં મંગળવારે રઘુનાથ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ તથા આર.જી. યાદવ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એજ્યુફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયંસ એન્ડ ઇનોવેશન ઝોન, ફન એન્ડ ગેમ ઝોન, કોમર્સ એન્ડ આર્ટ્સ પેવેલિયન અને ફૂટ કોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અંગે રઘુનાથ વિદ્યાલયના પ્રિન્સીપલ મહેન્દ્ર યાદવે જણાવ્યું કે, બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે એજ્યુફેસ્ટ 2025નું આયોજન કરવામા આવ્યું હતું.

કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહ, ઠક્કરબાપાનગરના વિધાયક કંચનબેન રાદડિયા, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલ સેવક, સૈજપુર બોઘાના કોર્પોરેટર મહાદેવ દેસાઇ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના સ્ટોલની મુલાકત લીધી હતી. સાયંસ એન્ડ ઇનોવેશન ઝોનમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા.
વિદ્યાર્થીઓએ તેમના દ્વારા બનાવેલા વિવિધ પ્રોજેક્ટ અંગે મેહમાનો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં 1થી લઇને 12 ધોરણ સુધીના 290 વિદ્યાર્થીઓએ ભાગ લઇ 80 પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જ્યારે 10 મેહંદીના સ્ટોલ અને 10 ગેમ ઝોનના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 100થી વધુ ફૂટ સ્ટોલ હતા. જ્યાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓની મેહમાનો, શિક્ષકો અને અભિભાવકોએ મજા માણી હતી.
