હું આગ છું…અસ્મિ છું….હું સ્ત્રી છું.
સ્ત્રી…શબ્દમાં જેટલી નજાકતતા તેટલી ગંભિરતા અર્થમાં…સ્ત્રીનો અર્થ દરેક માટે અલગ અલગ થાય છે. સ્ત્રી વિશે, સ્ત્રીઓ માટે અને સ્ત્રી થકી ઘણુ બધુ લખાયુ છે. આજે આપણે વાત કરીએ કે સ્ત્રી શું વિચારે છે પુરુષો વિશે…
લગભગ ૫૦ જેટલી વિવિધ જીવનશૈલી જીવતી સ્ત્રીઓ સાથે વાત કરી અને જેનું તારણ મારી ભાષામાં કંઈક આ પ્રકારનું નિકળે છે. આજ સુધી કોઈ પણ મહેફીલમાં આપણે ખુલ્લે આમ સ્ત્રીઓ વિશેની વાત કરતા પુરુષોને સાંભળ્યા છે. સ્ત્રી વિશેનાં વખાણ, તેની સુંદરતાના વર્ણન વિશે અથવા તો લોકોને હસાવવાનાં હેતુથી તેના જોકસ બનાવતા પણ સાંભળ્યા હશે. આજે અહીં સ્ત્રીઓ બોલશે પુરુષો વિશે,….અહીં આપણે કેટલાક ટોપિક પર વાત કરીશું જે સ્ત્રીઓ દ્વારા પુરુષો માટેનાં વિચાર વ્યક્ત કરશે.
વિચાર – ૨
મારા પતિ સરપંચ છે તે મને કહે છે કે બૈરાનું પેટ છીછરું હોય. તેમનાં પેટમાં કોઈ દિવસ કંઈ વાત ટકે જ નહીં….મને આજે આ મંચ પર કહેવું છે કે મને મારા પતિ ખૂબ ગમે છે. હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું…તેમનો ખૂબ ખ્યાલ પણ રાખુ છું …પણ તેમની આ વાત સાથે ક્યારેય સહમત નથી થતી. જ્યારે જ્યારે તે બૈરાઓ વિશે આવુ કંઈ પણ ઉતરતુ બોલે છે ત્યારે મારી અંદરની સ્ત્રીને ઘડીક ભૂલી જવાનું મન થાય છે કે હું તેમની પત્ની છું…મારી અંદરની રણચંડી તેનો સંહાર કરી નાખવા તૈયાર થઈ જાય છે…પણ હું વિવશ છું. હું એક એવી પત્ની છું જે પતિનાં ગળાડૂબ પ્રેમમાં છું. તેમને કદાચ તેનો અણસાર પણ નથી કે તમને કેટલો પ્રેમ કરું છું. તે મને ઘરની સામગ્રી ગણે છે અને પુરુષસામર્થ્ય દેખાડવા જ પ્રેમથી વર્તે છે. હવે હું તેમની જરૂરિયાત છું તેથી વધારે કંઈ નથી કહેતા પણ આ પેટમાં વાત ન ટકવા વાળી વાત મનમાં ખટકી જાય છે. આજે અહીં મળેલા મંચ પર આ પ્રકારનાં તમામ પુરુષોને હું કહેવા માગુ છું કે જો આમારા જેવા બૈરાનાં પેટ મોટા ન હોત ને તો આજે કેટલાય ઘર બરબાદ થઈ ચૂક્યા હોત. અમારા બૈરાનાં પેટમાં એવી કેટલીય વાતો દટાયેલી છે જેના લીધે તમારી સમાજ સામેની સજ્જન્નતા જળવાઈ રહી છે.
લિ. એક ગ્રામિણ મહિલા …. વધુ બીજા અંકમાં…
- પ્રકૃતિ ઠાકર