અમદાવાદ: સાબરમતી જેલ અને નવજીવન ટ્રસ્ટના સંયુકત પ્રયાસથી અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ દ્વારા માટી અને ઈકો કલરનો ઉપયોગ કરી ૨૦૦ જેટલી ભગવાન ગણેશની ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ ગણેશ મુર્તિ સંપુર્ણપણે ઈકોફ્રેન્ડલી છે, તેમાં માટી સહિતની તમામ સામગ્રી ઈકો ફેન્ડલી છે. જેનો મોટો ફાયદો પર્યાવરણ સહિત જેમના ઘરે આ મુર્તિનું સ્થાપન થશે , તેઓ ઘરમાં જ મુર્તિનું વિસર્જન કરી શકે તેવા પ્રકારની સામગ્રી ઉપયોગમાં લેવાઇ હોઇ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ અંગે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ જણાવ્યું હતું કે, પર્યાવરણના રક્ષણ માટે અને જેલમાં સંજોગોને કારણે આવેલા આ કેદીઓનું કામનું કૌશલ્ય વધે, તેઓ સ્વનિર્ભર બને અને જયારે પણ તેમની કાયદાનુસાર જેલ મુકિત થાય ત્યારે જેલમાં મળેલી તાલીમ દ્વારા તેઓ બહારની દુનિયામાં પોતાનો વ્યવસાય કરી શકે, તે હેતુથી નવજીવન ટ્રસ્ટના સહયોગથી દર વર્ષે જેલના કેદીઓ ગણેશ ભગવાનની માટીની ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ બનાવવામાં આવે છે.
નવજીવન દ્વારા ગાંધી વિચાર પ્રસારનો પણ આ મુખ્ય હેતુ રહેલો છે. ગાંધીજીના મંત્રને ખરા અર્થમાં સાકાર થયો ત્યારે જ ગણાય જયારે દરેક હાથ પાસે કામ હોય અને તે સ્વમાનભેર જીવી શકે. સાબરમતી જેલના કેદીઓ દ્વારા બજાર કરતા અત્યંત સસ્તી અને સુંદર મુર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેની કિમંત માત્ર એક હજારથી ત્રણ હજારની વચ્ચેની છે. શહેરના નાગરિકો ખાસ કરીને ગણેશભકતોએ પણ વેળાસર ભગવાન ગણેશની મુર્તિનું બુકીંગ કરાવી અને વહેલા તે પહેલા ધોરણે મુર્તિઓની ખરીદી કરી કેદીઓને પ્રોત્સાહન પૂરું પાડવું જાઇએ. સાબરમતી જેલના દસથી વધુ કેદીઓએ ભગવાન ગણેશજીની ૨૦૦ જેટલી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. જેમાં મુંબઇના લાલબાગના રાજા, દગડુ શેઠ, ફુલવાળી ગણેશજીની મૂર્તિઓ અદ્ભુત અને આકર્ષણનું કેન્દ્રસમાન છે. સાબરતી જેલ સત્તાધીશો અને નવજીવન ટ્રસ્ટના સહયોગથી જેલના સાત કેદીઓએ છેલ્લા બે-અઢી મહિનાની મહેનત અને નવતર પ્રયાસને અંતે ભગવાન ગણેશજીની ૨૦૦ મૂર્તિઓ બનાવી છે.
જેલના કેદીઓ દ્વારા બનાવાયેલી ભગવાન ગણેશજીની આ સુંદર મૂર્તિઓ જાહેરજનતાના વેચાણ અર્થે નવજીવન ટ્રસ્ટ ખાતે મૂકાશે, જયાંથી જાહેરજનતા ગણેશ ભગવાનની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદી જેલના કેદીઓને એક અનોખુ પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મૂર્તિઓની વિશેષતા એ છે કે, ગણેશજીની તમામ મૂર્તિઓ માટીથી બનાવેલી અને નેચરલ કલરથી યુકત ઇકોફ્રેન્ડલી છે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ પણ કોઇ હાનિ કે નુકસાનકર્તા નથી. કેદીઓના અનોખા કૌશલ્યને લીધે અન્ય કેદીઓને પ્રેરણારૂપ છે.
આ નવતર પ્રયોગનો એકમાત્ર આશય એ છે કે, સંજાગોવશાત્ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના કામ અને કલાનું કૌશલ્યવર્ધન થાય અને તેઓ જયારે જેલમાંથી મુકત થાય ત્યારે બહારની દુનિયામાં પોતાનો વ્યવસાય કરી સન્માનભેર જીવન જીવી શકે તે જ છે. આ ગાંધી વિચારધારાના પ્રસાર માટે નવજીવન ટ્રસ્ટે પણ અનોખો સહયોગ આપ્યો છે. કેદીઓએ ગણેશ ભગવાનજીની મૂર્તિઓ બનાવી પોતાનું જીવન બદલી સમાજને અને અન્ય કેદીને પણ પ્રેરણારૂપ સંદેશો પૂરો પાડયો છે.