નમસ્કાર દોસ્તો,
આવી ગયો છે અંજામ ફરીથી એક વાર એક નવા વિષય સાથે…વાત કરીશું આજે પ્રેમસંબંધમાં અંતર્ગત સમજણ વિશે. જેમ જેમ સંબંધ ગહેરો થતો જાય તેમ તેમ તેને સંલગ્ન વાતો પણ ગહેરી અને ઘેરી થતી જશે. અમુક વાર આપણે મંજિલ સુધી પહોચતા પહેલાં અંધારી સડકો પરથી પસાર થવું પડે છે અને એ જરૂરી પણ છે કારણ કે ઘણી વાર અંધારી સડકો પર ખાધેલી સડકો પર ઠોકરો વધુ પડતી રોશનીમાં આંધળા થતા બચાવે છે.
મારા અગાઉના આર્ટિકલમાં પણ જેમ મે જણાવ્યું છે એમ સંબંધોમાં સમજણ કરતા અંતર્ગત સમજણ એટલે કે Internal Intelligence & Understanding ની ખૂબ જ જરૂર હોય છે. એમાં પણ ખાસ કરીને વાત જ્યારે કોઈ પણ રિલેશનશિપની શરૂઆત થયા પહેલાના સમયની હોય, ત્યારે આ વાત આજના યુગલોએ ખાસ સમજવા જેવી છે. થોડા સમય પહેલા કાઉન્સેલિંગ માટે મારી પાસે એક છોકરો આવ્યો હતો. વાત એમ હતી કે તે જે છોકરીને પ્રેમ કરતો હતો તે જ છોકરીને લાંબા સમય પહેલા એની જ સાથે કામ કરતા કોઈ છોકરાએ પ્રપોઝ કર્યુ હતું. એ વ્યક્તિ એના જીવનમાં આવનાર પ્રથમ વ્યક્તિ હતી તેથી તેણે વિચારવા માટે થોડો સમય લીધો અને તેને હા પાડી દીધી. બંને જણ થોડા સમય માટે સાથે રહ્યા પણ ખરા કે જેથી તેઓ એક બીજાને ઓળખી શકે. ત્યારબાદ બંને જણએ પોતાના ઘરે આ વાતની જાણ કરી. છોકરીના ઘરેથી કોઈ જવાબ આવે એ પહેલા એ છોકરીએ તે છોકરાના ઘરવાળાને મળીને વાત કરવાનું નક્કી કર્યું. છોકરાના પરિવારમાંથી જવાબમાં ના પાડવામાં આવી કારણ કે રીતિરિવાજ મુજબ એ છોકરાના નાનપણમાં જ લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા. છોકરીના ઘરેથી પણ સમાન જવાબ જ મળ્યો એટલે તેઓ બંનેએ પોતપોતાના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યુ અને પોતાના પ્રેમસંબંધને દોસ્તીનું નામ આપવાનો પ્રયાસ કર્યો.
થોડા સમય પછી ફરી એ જ છોકરીની સામે કોઈ નવી વ્યક્તિ સીધો લગ્ન માટે જ પ્રસ્તાવ મૂકે છે. વ્યક્તિ એવી છે કે જેને તે છોકરીના ભૂતકાળથી કોઈ જ ફરક નથી પડતો. તે ફક્ત તે છોકરી સાથે પોતાનું જીવન વિતાવવા માંગે છે અને અપેક્ષામાં પણ ફક્ત એટલું જ કે તેની સાથે જોડાયા પછી તે છોકરી પ્રામાણિકતાથી તેની સાથે રહે. તે છોકરીએ સ્પષ્ટપણે કહી દીધું કે તેને તેના એક્સ સાથે દોસ્તી છે, અને એ વાતથી પણ તે છોકરાને કોઈ પ્રોબ્લેમ ન હતો. સાથે છોકરીએ એવી શરત મૂકી કે તેને નવા વ્યક્તિને સમજવા માટે થોડા સમયની જરૂર છે તેથી છોકરાએ તેને તેની માંગણી મુજબ ત્રણેક માસનો સમય આપ્યો કે જેથી તે દરમ્યાન જો તેઓના આચારવિચાર મળે છે તો તેઓ આગળ વધશે. પણ અચાનક છોકરીએ એકાદ સપ્તાહ બાદ પોતાના ઘરે વાત કરવાનું નક્કી કર્યું. ફરીથી છોકરીના ઘરવાળા એ ના પાડી. છોકરીના ઘરવાળાની શરત હતી કે છોકરો તેમના જ સમાજનો હોવો જોઈએ. ટૂંકમાં, તેના અરેન્જ મેરેજ જ કરાવવામાં આવશે. છોકરાએ થોડો સમય વિચારવા માટે લીધો.
હવે સમજવાની મુખ્ય વાત અને અંતર્ગત સમજણને લગતા ઘેરા પ્રશ્નો આવે છે :
વાત 1 – જો તે છોકરીને છોકરાને સમજવા માટે ત્રણ મહિના જેટલા સમયની જરૂર હતી તો પછી તેણે ઘરે વાત કરવાની ઉતાવળ શા માટે કરી ?
વાત 2 – તેણે પોતાના ઘરે વાત હકીકતમાં કરી છે કે કેમ ?
વાત 3 – કે પછી હજી પણ તેના મનમાં જૂના વ્યક્તિ પ્રત્યે લાગણીઓ તરવરી રહી હતી ?
વાત 4 – શુ તેણે હકીકતમાં પોતાના માતા પિતાને સમજાવવા પૂરતા પ્રયત્નો કર્યા હતા કે ફક્ત કાને વાત નાખી હતી ?
વાત 5 – તે છોકરાએ ફરી એક વાર છોકરીની સાથે બેસીને ઊંડાણમાં ચર્ચા કરવી જોઈએ કે કેમ.
મારા મત પ્રમાણ મે તેને ફક્ત એક જ સૂચન આપ્યું છે કે જો સામી વ્યક્તિ એમ કહી રહી છે કે તે તેના માબાપના નિર્ણયને સાથે લઈને આગળ વધશે તો તેણે આ છોકરીને ભૂલીને આગળ વધવું જોઈએ. કારણ કે
તર્ક 1 – જો કોઈ પણ વ્યક્તિ તમને સમજવા માટે ત્રણ મહિનાનો સમય માંગતી હોય તો તે તમને સંપૂર્ણ રીતે જાણ્યા વગર તેના પરિવારમાં વાત કરશે જ નહિ.
તર્ક 2 – શક્ય છે કે હજી પણ તે પોતાના જૂના પ્રેમને ભૂલી શકી ન હોય કારણ કે તમે ભલે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો, પહેલો પ્રેમ એ પહેલો પ્રેમ જ રહે છે અને અન્ય એ અન્ય.
તર્ક 3 – શક્યતા એ પણ છે કે તેણે પોતાના પરિવારમાં વાત જ ન કરી હોય કારણ કે તેને ખબર જ હશે કે તેનો પરિવાર ક્યારેય તમને સ્વીકારી નહિ શકે.
આવા સંજોગોમાં કોઈ ત્રીજી વ્યક્તિના સહારે બેસીને વિચારવા કરતા પોતાની આંતરિક સૂઝને અનુલક્ષીને કાં તો જાતે નિર્ણય લેવો અથવા સામી વ્યક્તિ સાથે ખુલ્લા મનથી વાતચીત કરીને સમતાથી જે તારણ નીકળે તેનો સહર્ષ સ્વીકાર કરવો કારણ કે જરૂરી નથી કે તમે જે વ્યક્તિ કે વસ્તુની અપેક્ષા રાખો એ તમને મળે જ…. જરૂરી નથી કે દરેક વ્યક્તિ કપાળે ચાંલ્લો કરતી લક્ષ્મીનું સ્વાગત કરે જ…. જરૂરી નથી કે હીરાની ખાણમાં જ રહીને કામ કરતા વ્યક્તિને હીરાની પરખ હોય જ. તો આવા સંજોગોમાં નાસીપાસ થયા વગર હકારાત્મક અભિગમ સાથે આગળ વધવું એ જ છે આ યાત્રાના ત્રીજા પડાવને પાર કરવું.
જ્યારે માણસ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ને ત્યારે તેને એમ લાગતું હોય છે કે શા માટે તે સામી વ્યક્તિને ઓળખી નથી શકતો અથવા શા માટે તેને એક જ ઠોકર વારંવાર ખાવા છતા પણ વ્યક્તિની ઓળખ નથી થતી, તો એનું નિરાકરણ તો આર્ટિકલની શરૂઆતમાં જ મેં આપી દીધેલું છે.
“અમુક વાર આપણે મંજિલ સુધી પહોચતા પહેલાં અંધારી સડકો પરથી પસાર થવું પડે છે અને એ જરૂરી પણ છે કારણ કે ઘણી વાર અંધારી સડકો પર ખાધેલી સડકો પર ઠોકરો વધુ પડતી રોશનીમાં આંધળા થતા બચાવે છે.”
ચાલો મળીશું, આવતા સપ્તાહે…એક નવા પડાવ – પ્રેમસંબંધમાં સમતા સાથે…પ્રિ-બ્રેકઅપ સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવાનો રામબાણ ઈલાજ.