હેલો દોસ્તો,
આવી ગયો છે આપનો દોસ્ત ફરીથી એક નવા વિષય સાથે… જી હા, ગતાંકે આપણે એકતરફી પ્રેમ વિશે સમજવાની કોશિશ કરી હતી. આ સપ્તાહે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ એક એવા ટોપિક ઉપર, જે કોઈ પણ સંબંધમાં એક મહત્વનો ભાગ ભજવે છે.
સંબંધ ભલે ગમે તેટલો મજબૂત હોય, પ્રેમ ભલે ગમે તેટલો ગહેરો હોય પણ જ્યાં સુધી તેમાં હૂંફ ન ભળે ત્યાં સુધી તેમાં એ મિઠાશ નથી આવી શકતી જેનો સ્વાદ કોઈ પણ યુગલ માણવા ચાહતું હશે. સંબંધોમાં સામંજસ્ય જાળવવા હૂંફ અને કાળજીની ખૂબ જ જરૂર પડે છે. કાળજી કે હૂંફનો અર્થ એ નથી કે તમે નાની નાની વાતોમાં તમારા પાર્ટનરને પૂછપરછ કરો. અહીં અર્થ એ છે કે જરૂર લાગે ત્યાં સામી વ્યક્તિની પડખે ઊભા રહીને તેને તમારા એની સાથે જ હોવાનો અહેસાસ કરાવવો.
હમણાં જ એક ગુજ્જુ મૂવીમાં આ બાબતને લગતો એક સંવાદ સાંભળવા મળ્યો કે જાનુ-ચિકુ-જાનુ-ચિકુ-ચિકુ-ચિકુ-જાનુ-ચિકુ બધું શરૂઆતમાં જ સારું લાગતું હોય છે. રોજિંદી જિંદગીમાં આ બધી બાબતો એક હદ પછી અસહ્ય થઈ પડે છે જે ઘણી વાર એક અતૂટ સંબંધના તૂટવાનું કારણ પણ બની જાય છે.
હમણાં થોડાંક જ સમય પહેલા જ મારી પાસે એક મિત્ર દ્વારા તેના ખાસ મિત્રની વાત જાણવા મળી. એ ભાઈનું નામ ભાર્ગવ (પાત્રોનું નામ બદલેલ છે). એ ભાઈને લગભગ ત્રણેક વર્ષ કરતા વધુ સમયથી તેની ફોર્મર કલિગ આરોહી સાથે જ પ્રેમ હતો. પ્રેમ બંને તરફથી હતો પણ ક્યાંક ને ક્યાંક સંબંધનો આસ્વાદ માણવા જે મિઠાશની જરૂર પડે એની હંમેશા કમી રહેતી હોય તેવું આરોહીને લાગ્યા કરતું. ભાર્ગવ સેલ્સના ફિલ્ડ સાથે સંકળાયેલો વ્યક્તિ હતો. દિવસનો મોટા ભાગનો સમય તેનો ટાર્ગેટ પૂરો કરવામાં અને તેના ટોપ મેનેજમેન્ટને રિપોર્ટિંગ કરવામાં નીકળી જતો. તેમ છતાં પોતાની રિલેશનશિપને સમય આપવા માટે તેને જ્યારે પણ સમય મળતો ત્યારે તે આરોહીને મેસેજ કે કોલ કરીને જરૂરી વાત કરતો જેમાં ખાવા પીવાથી લઈને રોજનીશી સુધીની તમામ વાતો થઈ જતી. મહદંશે એવું થતું કે ભાગર્વ અને આરોહીનો બ્રેક ટાઈમ લગભગ અલગ અલગ રહેતો જેથી બંને વચ્ચે કોમ્યુનિકેશન માટે કોઈ ખાસ સ્કોપ રહેતો નહિ અને રાત્રે જ્યારે ટાઈમ મળે ત્યારે ભાર્ગવનો સમય આરોહીની દિવસ દરમિયાનની ફરિયાદોનો નિકાલ કરવામાં આવી જતો. મજબૂતમાં મજબૂત દોરી પણ એક હદ સુધી જ પોતાને કોઈની સાથે બાંધી રાખવામાં સક્ષમ હોય છે, એ હદ પછી તે પણ પોતાની મજબૂતાઈ છોડી દે છે અને બંધાઈ રહેલી વસ્તુ કાં તો છૂટી પડી જાય કાં તો તૂટી જાય છે. સંબંધોનું પણ આવું જ છે. કાળજી અને હૂંફ એક હદ સુધી સારા રહે છે. જરૂર કરતાં વધુ હૂંફ તમારા સંબંધોને ખોખલાં કરી નાખે છે અને તમારો સંબંધ એ કગાર પર આવી પહોંચે છે કે ન તો તમે એને જાળવી શકો છો કે ન તેમાં રહી શકો છો. ત્રણ વર્ષની ભાર્ગવ અને આરોહીની રિલેશનશિપ પણ આ જ કગાર પર આવી ચૂકી હતી. જ્યારો ભાગર્વને લાગ્યું કે હવે તે આરોહીની હૂંફને સંતોષી શકતો નથી ત્યારે તે બંનેએ પોતાના સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું.
આ વાતને લગભગ વરસ જેવું થવા આવ્યું અને હવે આરોહી કોઈ અન્ય વ્યક્તિની વાગ્દત્તા બની ચૂકી છે. સમય બદલાયો, વ્યક્તિ બદલાઈ પણ આરોહીની પરિસ્થિતિ હજી એ જ છે જે પહેલા હતી કારણ કે જે હૂંફ માટેની તેની ભૂખ ભાર્ગવ દ્વારા નહોતી સંતોષાતી તે હવે તેના ફિયોન્સે દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત સંતોષાઈ રહી છે. હવે આરોહીને દર દસ મિનિટે મેસેજ આવે છે કે તે જમી કે નહિ, દર અડધા કલાકે કોલ આવે છે કે તેણે જે તે કામ કર્યુ કે નહિ, હવે તેને એટલી હૂંફ મળી રહી છે કે તેણે પોતાનું ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધું જ બંધ કરી દેવું પડ્યું છે. એ તો ઠીક, તાજેતરમાં મળેલી માહિતી મુજબ હવે તેને પોતાના મિત્રો સાથે પણ વાત કરવાની મનાઈ છે. જે હૂંફ એક સમયે તેની જિંદગીમાં અમૃત બનીને વહેતું હતું તે હવે એવું ઝેર બની ચૂક્યું હતું કે ન તો તે તેને પી શકતી હતી ન તો પીધા વગર રહી શકતી હતી.
એટલે જ કહું છું દોસ્તો…
“TOO MUCH CLOSENESS is slow poison of any relationship that can CLOSE any CLOSEST relation”
SO Keep Calm and Move on with Care, but as per need, not access…
- આદિત શાહ