નડિયાદઃ સાંપ્રત સમયમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યા અનેક સામાજિક સમસ્યાઓ પેદા કરે છે. દેશ તથા સમાજમાં દિકરા અને દિકરીઓના જન્મ વચ્ચે સંતુલન જળવાઇ તે માટે સરકાર અનેકવિધ પગલા લઇ રહી છે. ધ પ્રિનેટલ ડાયગ્નોસ્ટીકક ટેક્નીક એક્ટ એટલે કે પીએનડીટી એક્ટ અન્વયે ગર્ભનું જાતિય પરિક્ષણ કરવું અપરાધ છે અને આ માટે કાયદામાં દંડ અને જેલની જોગવાઇ પણ કરવામાં આવેલ છે.
પીએનડીટી એક્ટ અનુસાર કોઇ પણ સગર્ભા સ્ત્રીની સગર્ભાવસ્થાની તપાસ કરવામાં આવે ત્યારે ફોર્મ એફ ફરજીયાત ભરવાનું હોય છે અને સમગ્ર માસ દરમ્યાન કરવામાં આવેલ સોનોગ્રાફીનો રીપોર્ટ જિલ્લા કક્ષાએ સમયમર્યાદામાં કરવાનો હોય છે તેમજ સોનોગ્રાફી મશીનના ઉપયોગ અન્વયે સરકાર દ્ધારા બનાવેલ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમ કે કાયદાનો ભંગ થાય તો જિલ્લાની એપ્રોપીએટ ઓથોરીટી તેમને મળેલ સત્તાનુસાર સોનોગ્રાફી મશીન સીલ કરી શકે છે.
ઘટતી જતી દિકરીઓની સંખ્યાને કારણે અને રાજય સરકારની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્ધારા પીએનડીટી એક્ટની કડક અમલવારી માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે દેસાઇ વગો વિસ્તારમાં આવેલ ર્ડો. ઉજ્જવલ શાહના શુભમ હોસ્પિટલ ખાતે ચેકીંગ કરવામાં આવેલ જેમાં ક્લીનીકમાં ગર્ભસ્થ શીશુનું લીંગ પરીક્ષણ કરવામાં આવતું નથી એ મતલબનું બોર્ડ સરકારની ગાઇડલાઇન મુજબનું (૩×૨ ) ન હતું, અલગ સગર્ભા રજીસ્ટર નિભાવેલ ન હતું અને ૧૯-૦૩-૨૦૧૮ના રોજ શુભમ હોસ્પિટલ ખાતે આવેલ એક દર્દીની સોનોગ્રાફી કરવામાં આવેલ પરંતુ સોનોગ્રાફી કરતા પહેલા તેની કોઇપણ જાતની સંમતિ લીધી ન હતી કે ફોર્મ ‘‘એફ’’ ભરેલ ન હતું આમ સદર હોસ્પિટલનું છેલ્લા બે વર્ષનું રેકર્ડ માંગતા માત્ર ત્રણ ફોર્મ એફ રજુ કરવામાં આવેલ તથા દવાખાનામાં ડોક્ટરે કરેલ સોનોગ્રાફીનું કોઇ રેકર્ડ ડોક્ટર રજુ કરી શકેલ ન હતા આથી પીસીપીએનડીટી એક્ટ અનુસાર કાયદાનો ભંગ થતાં સદર હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ દ્ધારા જણાવાયું છે.