પતિની વેદનાનું નિરાકરણ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

પતિની વેદનાનું નિરાકરણ


લગ્નનાં પાંચ વર્ષ થઇ ગયાં હતાં, શૈલેશને શરૂઆતમાં તો સુનિતા પર બહુ વહાલ અને હેત ઉભરાતું હતું એટલે એને જ્યાં ફરવા જવું હોય, એને જે ખાવું હોય,એને જેવો ડ્રેસ લેવો હોય….. તે બધું જ તે પૂરુ કરતો. એણે ક્યાંક સાંભળેલું કે પત્નીને  સદા ય પ્રસન્ન  રાખશો તો જીવનમાં કોઇ સમસ્યા આવશે જ નહિ તેને કારણે  લગ્ન પછીના એકાદ વર્ષ સુધી તો શૈલેશની પત્નીને પ્રસન્ન રાખવાની આ થિયેરીએ બહુ સરસ કામ કર્યુ. એ સુનિતાની બધી ઇચ્છા સંતોષતો હતો અને સામે પક્ષે સુનિતા પણ  ગેરવાજબી હોય તેવું કશું માગતી ય નહિ કે હઠ કરીને લેવડાવતી નહિ. આવી ડાહી ડમરી સુનિતાને અચાનક શું થયું તે ધીમે ધીમે એની વર્તણૂકમાં શૈલેશને ન ગમે એવો ફેરફાર થવા લાગ્યો..,

– એ નાની નાની વાતમાં રિસાઇ જવા લાગી,

– ધીમે ધીમે કોઇ કોઇ કામ એનાં સાસુએ જ કરવું એવું તે શૈલેશને ઠસાવવા લાગી….

– શૈલેશ કશું કરવાની ના પાડે તો એ તોબડો ચડાવી દેતી,

– સાંજે શૈલેશ ઓફિસેથી ઘેર આવે ત્યારે ય એ મોઢું  ફૂલાવીને જ બેઠી હોય……

શૈલેશ એને રાજી રાખવા બનતા પ્રયત્નો કરતો હતો તે છતાં સુનિતા જાણે કંઇ સમજવા જ ન માગતી હોય તેવું તે અનુભવતો હતો…

” શું સુનિતાને મમ્મી પપ્પાથી  અલગ રહેવા  જવું હશે ?”

આવો એક પ્રશ્ન  શૈલેશને કોરી ખાવા લાગ્યો. તેને લીધે તે  સતત મૂઝાયેલો જ રહેવા લાગ્યો. તે બરાબર ખાતો પીતો હોવા છતાં જાણે કશીક ગુપ્ત બિમારીથી પીડાતો હોય તેવું સુનિતા અને તેનાં મમ્મી પપ્પાને પણ લાગવા માંડ્યુ.  તેમાં મમ્મી પપ્પાએ તો શૈલેશની ગેરહાજરીમાં એક વખત વહુ સુનિતાને આ અંગે પૂછપરછ પણ કરી તો સુનિતા પણ વિચારમાં  પડી ગઇ…. એને  પણ શૈલેશનું શરીર નંખાતું જતું  લાગ્યુ..  એક રાત્રે એણે  શૈલેશને આ બાબતે પોતાના સોગંદ આપીને પૂછ્યુ,

”  છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે તમે સતત કોઇ ટેન્શનમાં હોવ એવું લાગે છે… શું  ઓફિસમાં તો કંઇ બબાલ નથી થઇને ?”

શૈલેશને સુનિતાના આવા પ્રશ્નથી નવાઇ થઇ… એ બોલ્યો,

” ના રે ઓફિસમાં તો કંઇ નથી થયું પણ….”

” પણ શું ? મને તો તમારે કહેવું જ પડશે… મમ્મી પપ્પાને પણ તમારી ચિંતા થવા લાગી છે…”

શૈલેશ આ સાંભળી થોડીવાર એને જોઇ રહ્યો પછી આડુ જોઇને બોલ્યો ,

” આમ તો ખાસ કંઇ છે નહિ પણ છેલ્લા કેટલાક દિવસથી તારામાં આવેલા ફેરફારથી મને ટેન્શન થવા લાગ્યું છે…. તું પરણીને આ ઘરમાં આવી તે દિવસથી મેં તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરી છે, તને સદાય ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં છેલ્લા એકાદ માસથી જાણે કે તું બદલાઇ ગઇ હોય તેવું મને ભાસે છે… શું તું  હવે આપણે મમ્મી પપ્પાથી અલગ રહેવા જઇએ એવું  ઇચ્છે  છે ? ને ખરેખર જો તું એવું ઇચ્છીને તે બાબતે હઠ પકડશે તો હું તારી એ ઇચ્છા પૂરી નહિ કરી શકું એ ખ્યાલ મને સતત કોરી ખાય છે…”

શૈલેશ બોલતા બોલતાં સહેજ ગળગળો થઇ ગયો. સુનિતા શૈલેશની વાત ધ્યાનથી સાંભળતી હતી…પછી શૈલેશની પીઠમાં હળવેથી ધબ્બો મારતાં  તે બોલી,

” અરે મારા રાજા … તમને હું ક્યાં કોઇ દિવસ આવું કશું બોલી છું તે તમે ટેન્શનમાં આવી ગયા છો ? તમે તમારા  મનથી આવું બધુ ધારી લો ને પછી દુ:ખી  થાઓ એમાં મારો શો વાંક ? ના ના, આમાં આટલો બધો ભાર લઇને ફરતા હતા તો મને પૂછી ના લેવાય ? મારે તો ક્યાંય કોઇનાથી ક્યારે ય  જૂદા જવાનું નથી હું તો મમ્મી પપ્પા સાથે રાજી જ છું…. ને જૂઓ હવે પછી આવું ટેન્શન લેતા પહેલાં મને પૂછી જ લે જો, તમે નકામા કારણ વગરન ટેન્શનમાં આવી જાઓ ને તબિયત બગાડો એ તો મને ય ના જ ગમે ને ? ”

પછી પાછુ ઉમેર્યુ,

”  આ તો સારુ થયું કે આજે મમ્મી પપ્પાએ તમારા પડી  ગયેલ ચહેરાની ચિંતા મારી આગળ કરી એટલે મારાથી રહેવાયું નહિ….”

સુનિતાના આ શબ્દોથી શૈલેશને એકદમ શાંતિ મળી, તેના હૈયાએ હાશકારો અનુભવ્યો. તેને થયુ,

” ભલે સુનિતા નાની નાની રક ઝક  કર્યા કરે, પણ છેવટે  તો મારા દુ:ખે દુ:ખી અને મારા સુખે સુખી છે એટલું તો નક્કી…

એ રાત બંન્નેના જીવન માટે ફરી યાદગાર બની ગઇ, ને ત્યાર પછી શૈલેશનાં  મમ્મી પપ્પાને પણ ચિંતાનું કોઇ કારણ રહ્યું  નહિ…

પત્ની પતિ સાથે ભલે નાના મોટા ઝઘડા કરતી હશે પણ પતિના મન ઉપર છવાયેલ ભાર કે ટેન્શનને વેઠી શકતી નથી. પતિ મૂઝવણમાં હોય તો એને ય મૂઝવણ થાય જ છે… ખરેખર પતિએ પણ એકપક્ષીય  રીતે ટેન્શનમાં  રહેવાને બદલે પત્ની સાથે હળવે હૈયે  ચર્ચા કરી લેવાનું રાખવું જોઇએ..

અનંત પટેલ


anat e1526386679192

Share This Article