પેપર લીક કાંડ : આરોપી સુરેશ પંડયા દસ દિનના રિમાન્ડ ઉપર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  ગુજરાતના લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં નરોડામાંથી ધરપકડ કરાયેલા આરોપી સુરેશ ડાહ્‌યાભાઇ પંડયાને કોર્ટે આજે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે આજે આરોપી સુરેશ પંડયાને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સુનાવણીમાં કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત પોલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુર અને મધ્યપ્રદેશના રતલામનાઅશોક સાહુની ધરપકડ કરી તેઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.

આ કૌભાંડમાં વિનીત માથુર અને અશોક સાહુ ઉપરાંત, હરિયાણાના જ્જરના મનીષસિંહ બળવંતસિહં શર્માનું પણ નામ ખૂલ્યું છે તેથી પોલીસ ગમે તે ઘડીયે તેની પણ ધરપકડ કરે તેવી શકયતા છે. આંતરરાજય ગેંગના સભ્યો ઉપરાંત આ કૌભાંડમાં ગુજરાતના નીલેશ નામનો જે માસ્ટમાઇન્ડ હતો, તેનું આખુ નામ નીલેશ દિલીપભાઇ ચૌહાણ છે અને તે વડોદરાનો વતની છે, તેની સાથે દસ્ક્રોઇના વતની અશ્વિન રૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયાના નામનો પણ પર્દાફાશ થયો હતો. જેને પગલે પોલીસે નરોડામાંથી સુરેશ પંડયાની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી સુરેશ પંડયાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી સુરેશ પંડયા દિલ્હીની પેપર લીક ગેંગના મોનુ નામના આરોપીને મળ્યો હતો ત્યારબાદ અશ્વિન પટેલ, અજય પરમાર સહિતના ઉમેદવારો સાથે મુલાકાત બાદ ગુજરાતના ઉમેદવારોને દિલ્હી લઇ જવાયા હતા અને તેથી તે દિશામાં પણ તપાસ કરવાની છે. આરોપી સુરેશ પંડયાએ પોતાનો મોબાઇલ પણ દિલ્હીમાં ફેંકી દીધો હતો અને તેથી તેની તપાસ પણ કરવાની છે. આરોપી પાસેથી આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી કઢાવવાની છે અને સમગ્ર કાંડની ખૂટતી કડીઓ જોડવા માટે આરોપીને લઇ તપાસ માટે દિલ્હી જવાનું છે. આ કાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ દિલ્હી ગેંગના સંડોવાયેલા છે અને ગુજરાતમાંથી કોણે કોણે આ સમગ્ર કૌભાંડમાં મદદગારી કરી હતી તે સહિતની જાણકારી આરોપી પાસેથી મેળવવાની છે, તેથી તેના પૂરતા રિમાન્ડ મંજૂ કરવા જોઇએ.

Share This Article