શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતા પંડિત બ્રિજભુષણ કાબરાનું ગઇ કાલ બપોરે અઢી વાગ્યે શાહીબાગ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.
પંડિત બ્રિજભુષણ કાબરાને છેલ્લા ઘણા દિવસથી શ્વાસ સંબંધિત બિમારી હતી. પંડિત બ્રિજભુષણ કાબરાનો જન્મ 1937માં રાજસ્થાનના જોધપુરમાં જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેઓ પહેલા સંગીતકાર હતા જેમણે ગીટાર ઉપર શાસ્ત્રીય સંગીત ઉતાર્યું હતું.
1967માં પંડિત બ્રિજભુષણ કાબરાએ હરિપ્રસાદ ચૌરસિયા અને સંતુરવાદક શિવકુમાર શર્માની સાથે ‘કોલ ઓફ ધ વેલી’ નામનથી એક આલ્બમ બહાર પાડ્યું હતું જે દેશ-વિદેશમાં લોકપ્રિય થયું હતું. તેમની ગિટાર વગાડવાની સ્ટાઇલ અમેરિકાના હિપ્પીઓમાં ખૂબ જાણીતી થઇ હતી.
જોકે પાછળથી હરિપ્રસાદ ચૌરસિયા અને સંતુરવાદક શિવકુમાર શર્મા સાથે તેમની આ જોડી લાંબી ચાલી નહીં. વર્ષ 1983-84માં તેમને રાજસ્થાન સંગીત નાટક અદામી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર બાદ વર્ષ 2005માં રાષ્ટ્રીય સંગીત નાટક એકેડેમી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પંડિત બ્રિજભુષણ કાબરા છેલ્લા ચાર-પાંચ દાયકાથી અમદાવાદમાં સ્થાયી થયા હતા.