રાજયમાં પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે અને રાજય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયના વિકાસમાં વધુ ગતિ લાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરી રહેલ છે. રાજયના ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી રોજગારી ઉભી થઇ શકે તે માટે રાજયના પશુપાલન ખાતા દ્વારા દૂધાળા પશુના ફાર્મની સ્થાપના માટે મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ તમામ ઘટકોના પેકેજની સહાય દ્વારા રોજગારી ઉભી કરવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માટે રાજય સરકારે બજેટમાં સમગ્ર રાજય માટે કુલ રૂ.૧૪૦ કરોડની જોગવાઇ કરી છે. લાભાર્થીએ બેંકમાંથી પશુ ખરીદી માટે ધિરાણ મેળવ્યા બાદ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. રાજયના તમામ કેટેગરીના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે પશુની ખરીદી પરની લોન પર પાંચ વર્ષ સુધી ૭.૫ ટકા વ્યાજ અને અનુ.જાતિ, અનુ. જનજાતિના લાભાર્થીઓ તેમજ કોઇપણ જાતિના મહિલા લાભાર્થી માટે ૮.૫ ટકા વ્યાજ સહાય સહિત, તબેલાના બાંધકામ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ.૧.૫૦ લાખ સુધીની સહાય જયારે મિલ્કીંગ મશીન પર મહત્તમ રૂ.૩૩,૭૫૦, ચાફ કટર પર મહત્તમ રૂ.૧૫ હજાર, ફોગર સીસ્ટમ પર મહત્તમ રૂ.૭,૫૦૦ અને પશુના ત્રણ વર્ષના વીમા પર મહત્તમ રૂ.૪૩,૨૦૦ (ખર્ચ પર ૭૫ ટકા મુજબ) સહાય આપવામાં આવે છે.
વધુમાં રાજયમાં સ્થાનિક ઓલાદની ગીર તથા કાંકરેજ ગાયોના સંવર્ધન માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે આવા એકમોને મહત્તમ ૧૨ ટકા લેખે વ્યાજ સહાય બાંધકામ ખર્ચના ૭૫ ટકા પ્રમાણે મહત્તમ રૂ.૨.૨૫ લાખ તેમજ ચાફકટર, મિલ્કીંગગ મશીન, ફોગર સિસ્ટમ તેમજ પશુ વિમાની રકમના ૯૦ ટકા પ્રમાણે વધુમાં વધુ અનુક્રમે રૂ.૧૮ હજાર, રૂ.૪૦,૫૦૦ અને રૂ.૯હજાર અને રૂ.૫૧,૪૮૦ સહાય મળવાપાત્ર થશે.
લાભાર્થીએ બેંકમાંથી પશુ ખરીદી માટે ધિરાણ મેળવ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ૧૨ દૂધાળા પશુના ફાર્મની સ્થાપના માટેની નવી યોજના માટે આઇખેડૂત પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ જુલાઇ-૨૦૧૮ સુધી રહેશે.