રક્ષાબંધનની સવારે વ્હાલી બહેન નાનકીને…એક ભાઇનો પત્ર
કેમ છે નાનકી, ખુશ જ હોઈશ એવી આશા સાથે. આજે તને કંઇક કહેવું છે. તને થેન્ક યુ કહેવું છે….
નાનકી, દરેક બહેનને પોતાનો ભાઈ વ્હાલો જ હોય, અને ભાઈને પણ પોતાની બહેન વ્હાલી જ હોય, માત્ર રક્ષા બંધન પુરતું જ નહિ પણ જન્મો જન્મ એકમેકના સુખ-દુઃખમાં સહભાગી થવાના વચને બંધાયેલા આ પવિત્ર સબંધમાં ઘણી હૂફ હોય છે એવું તું હંમેશા કહેતી, આજે મને એ વાતનો અર્થ સમજાય છે.
નાનકી, તને યાદ છે જીવનની નાનામાં નાની ખુશી આપણે એકબીજા સાથે વહેંચી છે. અરે સ્કુલમાં કોઈનો બર્થ ડે હોય અને ચોકલેટ વહેંચી હોય એ ચોકલેટ પણ તું ખિસ્સામાં સંગ્રહી રાખતી અને ઘરે આવીને બે ભાગ કરીને આપણે સાથોસાથ ચોકલેટની મજા માણતા, મને ભાવતી બધી જ સ્વીટ ડીશ માટે તું હમેશા મોટો ભાગ મને આપતી અને નાનો ભાગ તું રાખતી, કારણકે તને ખબર છે કે મને ગળ્યું બહુ જ ભાવે છે. એક મકાઈડોડાના બે ભાગ કરીને આપને જિંદગીની એ જાહોજલાલી માણી છે, પરિવાર પર આવેલી દુ:ખની ઘડીઓમાં પણ તું પપ્પાનો ટેકો બનીને પપ્પાની પડખે ઉભી રહેતી તે મને આજે પણ યાદ છે, તારા લગ્ન નક્કી થયા ત્યારે પપ્પા તો ખુબ ચિંતામાં હતા પણ હું તો મારો તોફાની પાર્ટનર છૂટો પડી જવાનાં ગમમાં તકિયા નીચે મોં છુપાવી આખી રાત રડ્યો હતો,
તારી સાથે આજે પણ એક ફરિયાદ છે કે તે ક્યારેય મારી સાથે જીદ નથી કરી, મારે જોઈતી બધી જ વસ્તુઓ પપ્પા એ મને લઇ આપી પણ તેં ક્યારેય પપ્પા જોડે હક્કનાં કર્યો, કેમ બહેન, શું છોકરીઓ પહેલેથી જ બધું ત્યાગ કરી દેવાની સમજ ધરાવે છે? બહેન આ જતુ કરી દેવાનું તું ક્યાંથી શીખી હોઈશ?!!, મને દિવાળીમાં દર વર્ષે નવા કપડા પપ્પા આપવતા અને તું “મારે તો ચાલશે!!” એવું કહીને વાતને ટાળી મુક્તિ. તું જીદ કેમ નથી કરતી. લગ્ન સમયે પણ પપ્પાના ખીસ્સા સામે જોઈ ને જ તે ખરીદી કરી અને આછા પાતળા ઘરેણાને પોતાની થાપણ સમજીને તું સાસરે વિદાય થઇ ગઈ, તે ક્યારેય મોંધી સાડી કે ક્યારેય મોંઘા ઘરેણા ના માંગ્યા. કેમ નાનકી, તું જીદ કેમ નથી કરતી, !!?
ઉંમરમાં ભલે તું મારાથી નાની હોય પણ સમજણમાં તો તું મને પણ આટી જાય એમ છે, આજે પણ તું જ્યારે સાસરેથી પિયર આવે છે ત્યારે આખું ઘર સોળે કળાએ ખીલી ઊઠે છે. મમ્મી પપ્પા જયારે તારી સાથે કોઈ ચર્ચા કરે છે ત્યારે તું એનો નિકાલ એટલો તો સરળતાથી કરી આપે છે કે મને તો એ સમજણ સુધી પહોંચતા વર્ષો લાગી જાય. રક્ષા બંધને રાખડી બાંધતા બાંધતા પણ તું મારી જ પ્રગતિની કામના કરતી હોય છે, તારા માટે તું ક્યારેય કશું જ નથી માંગતી અને મને દુનિયાનું તમામ સુખ તું મારા ખોળે ઠાલવી દેવા માંગે છે , ક્યારેક ક્યારેક તો મને થાય છે કે હું તારો મોટોભાઈ છું કે તું મારી મારી મોટી બહેન.
નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુદ્ધી તે દરેક વખતે મને ખુબ સાચવ્યો છે, ચુપચાપ તારો આ લાગણી નો વરસાદ વહેતો રહ્યો છે હું કુદરતનો ખુબ આભારી છું કે મને એક તારા જેવી બહેન આપી, તૂટેલા રમકડા અને છુટેલા સપના સુધી આપણે હંમેશા એક બીજાને પડખે ઉભા રહ્યા છીએ, ક્યારેક ક્યારેક હું તારી સાથે ખુબ લડયો છું, અને પછી મને મનાવવા તું ધ્રુશ્કે ને ધ્રુશકે રડી છું, તારા મોતીડા જેવા આંસુ વહી ન જાયને એટલે હું ઝડપથી માની જતો કારણ કે નાનકી તું રડતી હોયને ત્યારે સાચે જ સારી નથી લાગતી. ચાલ હવે રક્ષા બંધન આવી ગઈ મારા માટે રાખડી લઈને ઝડપથી ઘરે આવી જા, તારો ભાઈ તારી રાહ જોવે છે. ઈશ્વરને પણ એ પ્રાર્થના કરું છું કે મને નાનકી જેવી બહેન આપીને જે તે કૃપા કરી છે એ બદલ તારો ખુબ ખુબ આભાર..
છેલ્લે…