રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોના વિસ્તારમાં વિકાસ કામો માટે વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ દ્વારા સ્થાનિક અગત્યતા ધરાવતા સામૂહિક વિકાસ કામો હાથ ધરવામાં આવે છે જે માટે માર્ગદર્શિકામાં એક વિસ્તારમાં એક સરખા કામો ફરીથી હાથ ધરાતા નહોતા જેમાં સુધારો કરીને કામો પુનઃ હાથ ધરવા તેમજ કામની જે ગ્રાન્ટ નિયત કરાઈ હતી તેમાં પણ વધારો કરાયો છે, એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર શહેરી વિસ્તારના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ એક જ વખત આપી શકાય તેવી જોગવાઈ હતી તે મર્યાદા દૂર કરવામાં આવી છે જેથી તમામ ધારાસભ્યો આંગણવાડીના કામો માટે રૂપિયા સાત લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકશે તેમજ શબને અગ્નિદાહ આપવા માટે લાકડા, છાણાં અને પૂળા ભરવા માટે સ્મશાનદીઠ ચોકિયાત, પગી તથા સ્મશાનમાં રહેણાંક માટે ઉપયોગ ન કરવાની શરતે રૂપિયા એક લાખની મર્યાદામાં ઓરડી બનાવવા માટેની ગ્રાન્ટમાં વધારો કરીને બે લાખ કરાઈ છે અને ગ્રામ્ય વિસ્તારમાં ગામદીઠ એક પક્ષી ઘરના નિર્માણ માટેના કામોનો પણ સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત વિવેકાધીન અને પ્રોત્સાહક જોગવાઈની યાદીમાં વોશિંગઘાટની ઉપલબ્ધ જોગવાઈમાં સ્નાનઘાટના નિર્માણનો પણ સમાવેશ કરાયો છે. પ્રાથમિક શાળાઓ કે જે શાળામાં કેન્દ્ર સરકારની જલમતી યોજના હેઠળ આરઓ પ્લાન્ટ આપવામાં આવ્યા હોય તે સિવાયની સરકારી, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં શાળાદીઠ આરઓ પ્લાન્ટની યોજના માટે રૂપિયા ૫૦ હજાર અથવા આરો પ્લાન્ટની અંદાજિત કિંમત બેમાંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં આરઓ પ્લાન્ટના કામો ધરી શકશે.