આશ્રમમાં બાળકોને ગેરકાયદે ગોંધીને રખાયા હોવા છતાં સરકાર-પોલીસ દ્વારા પગલાં નહીં લેવાતા હોવાનો આરોપ.હાથીજણ પાસેના નિત્યાનંદ આશ્રમના વિવાદ અને આશ્રમ સાથેની ડીપીએસ સ્કૂલની સાંઠગાંઠના સંબંધોને લઇ એનએસયુઆઇના સેંકડો કાર્યકરો વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતેની ડીઇઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો યોજયા હતા. એનએસયુઆઇના કાર્યકરોએ ડીઇઓની કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નિત્યાનંદ આશ્રમના સત્તાધીશો સામે તાત્કાલિક પગલાં ભરવા અને ડીપીએસ સ્કૂલને પણ બંધ કરાવવા જોરદાર સૂત્રોચ્ચાર કરી માંગણી કરી હતી, સાથે સાથે ડીઇઓને વિરોધ કરતું આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું.
હાથીજણ પાસેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગેરકાયદે ગોંધી રખાતા હોય અને તેઓને ધર્મ અને ભકિતના નામે અંધશ્રધ્ધા તરફ દોરવી જવાતાં હોઇ વિદ્યાર્થીઓને અભ્યાસકાળથી જ ખોટી દિશામાં લઇ જવાનું પાપ આચરાઇ રહ્યુ છે ત્યારે તેમાં આશ્રમની જોડે સાંઠગાંઠનો ડીપીએસના કારસાનો પણ પર્દાફાશ થઇ ગયો હોવાનો ગંભીર આરોપ લગાવી એનએસયુઆઇના સેંકડો કાર્યકરોએ આજે ડીઇઓ કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજયા હતા.
એનએસયુઆઇના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતાં ડીઇઓ કચેરીમાં ધસી ગયા હતા અને આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા નિત્યાનંદ આશ્રમના સત્તાધીશો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કે તપાસ થતી નથી અને આશ્રમ સાથે સાંઠગાંઠ ધરાવતી ડીપીએસ સ્કૂલ વિરૂધ્ધ પણ કોઇ કાર્યવાહી તમારા તંત્ર દ્વારા થતી નથી તેવા આક્ષેપો કરી આ સમગ્ર મામલે તાત્કાલિક પગલાં લેવા કાર્યકરોએ ઉગ્ર માંગણી કરી હતી. એનએસયુઆઇના કાર્યકરોના ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શનને લઇને ડીઇઓ કચેરી ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. પોલીસે સમગ્ર મામલો અને પરિસ્થિતિ થાળે પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.